Dakshin Gujarat

આકરી ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો: દક્ષિણ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ

ભરૂચ: ગુજરાતમાં (Gujarat) વાવાઝોડાના (Storm) એંધાણ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ભારે વરસાદ (Rain) સાથે વાવાઝોડાની અસર જોવા મળી છે. ભરૂચ જિલ્લામાં રવિવારે રજાના દિવસે લોકો પોતાની આંખ ખોલે તે પહેલા પવનના સુસવાટા સાથે ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો હતો. ભરૂચ જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક જ કલાકમાં ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં ૧૦ મીમી મેઘો સહિત ૬ તાલુકામાં વરસાદના વધામણા થયા હતા. આકરી ગરમી વચ્ચે જ અચાનક વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ પડતા અનેક જગ્યાએ લાઈટો ડૂલ પણ થઈ હતી.

બાળકોને ઉનાળાના વેકેશન બાદ સ્કૂલ શરૂ થાય તે પહેલા મેઘરાજાએ પણ પોતાની એન્ટ્રી લઈ લીધી છે. રવિવારે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવે એમ નગરજનોની આંખ ખુલે એ પહેલા ચારેકોર વાદળો ઘેરાયા હતા.પવનના સુસવાટા વચ્ચે જ સાતપુડાની તળેટી તરફ એક જ કલાકમાં વરસાદે મહેર કરી હતી. જેમાં માત્ર એક જ કલાકમાં ઇકો પોઈન્ટ નેત્રંગ તાલુકામાં ૧૦ મીમી,ઝઘડિયામાં ૧૦ મીમી,અંકલેશ્વરમાં ૨ મીમી,આમોદમાં ૧ મીમી,જંબુસરમાં ૩ મીમી,ભરૂચ તાલુકામાં ૬ મીમી મળીને ભરૂચ જીલ્લામાં ૩૨ મીમી વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો.જો કે આ વરસાદથી આખા વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

આ ઉપરાંત સમગ્ર તાપી જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. ઉચ્છલમાં 4 mm, ડોલવણમાં 19mm, વ્યારામાં 16mm જ્યારે સોનગઢમાં 20mm વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાની અસરના કારણે જનજીવન ખોરવાયું હતું. જાણકારી મુજબ સોનગઢમાં લગભગ 75 ટકા ઘરોના છાપરા ભારે પવનના કારણે ઉડી ગયા હતા. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન અને વરસાદના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top