બારડોલી : ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને (Rain) કારણે બારડોલીથી (Bardoli) પસાર થતી મીંઢોળા નદીમાં (River) પાણીની સપાટી વધી રહી છે. ત્યારે તકેદારીના ભાગરૂપે બારડોલી નગરપાલિકા તંત્ર દ્વારા રામજી મંદિરથી (Ramji Temple) કેદારેશ્વર મહાદેવ તરફ જતો લો-લેવલ બ્રિજ (Briedge) વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મુખ્ય પુલનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.
છેલ્લા ચાર-પાંચ દિવસથી સમગ્ર જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બારડોલીમાં પણ સતત વરસાદ વરસી રહ્યો હોય લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તાપીના સોનગઢ તાલુકામાં આવેલો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં મીંઢોળા નદીની જળસપાટીમાં વધારો થવાની સંભાવના છે. ધીમે ધીમે જળસપાટી વધી રહી હોય તકેદારીના ભાગ રૂપે બારડોલી નગરપાલિકાની ટીમ દ્વારા રામજી મંદિરથી કેદારેશ્વર મહાદેવ મંદિર તરફ જતો લો લેવલ બ્રિજની રેલિંગ કાઢી લેવામાં આવી છે. દર વર્ષે પાણીમાં રેલિંગ તણાઇ જતી હોય પાલિકાએ સાવચેતી વાપરી આ વખતે કાઢી લેવાનું મુનાસીબ માન્યું છે. એટલું જ નહીં જળસપાટી ઝડપથી વધતી હોય આ બ્રિજ વાહન વ્યવહાર માટે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. વાહનચાલકોને મુખ્ય પુલનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.
વાલોડમાં વાપી-શામળાજી ધોરી માર્ગ પર નવા બનાવેલા પુલનો એપ્રોચ ભાગ બેસી જતાં વાહન વ્યવહાર બંધ
વ્યારા: તાપી જિલ્લા સહિત ઉપરવાસના વિસ્તારમાં આવેલા ભારે વરસાદને કારણે ગતરોજ વાલોડની વાલ્મીકિ નદીમાં પૂર આવ્યું હતું, જેમાં વાલોડમાં વાપી-શામળાજી ધોરી માર્ગ પર નવો બનાવેલા પુલનો એપ્રોચ ભાગ બેસી ગયો હતો. એપ્રોચ ડામર રોડના પોપડે પોપડા ઉખડી ગયા હતા. જેના કારણે કોઇ મોટો જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલાં માર્ગ-મકાન વિભાગના અધિકારીએ આ પુલ પરનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો.
બુહારીથી વાલોડ તરફના છેડે પુલ પરના એપ્રોચ રોડ પર ધોધમાર વરસાદને કારણે ઊંડો ખાડો પડી ગયો હતો. જે અંગે સ્થાનિક પુલ ફળિયાના જનસેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા વાલોડ મામલતદાર જયેશ પટેલ, માર્ગ-મકાન વિભાગના એસ.ઓ.ને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની ગંભીરતા લઈ અધિકારીઓ સાથે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાત્કાલિક આ ક્ષતિગ્રસ્ત પુલ બંધ કરવામાં આવ્યો હતો. વાલોડ ખાતે નદીના પર બે પુલ હોય એક પુલને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો હતો. બીજા પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. પુલ પરનો એક તરફના કિનારા સાઇડનો ભાગ બેસી ગયા બાદ આજે બીજી તરફનો પણ છેડો પણ વરસાદને કારણે બેસી ગયો હતો.
મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં રાત્રિના સમયે જનસેવા ટ્રસ્ટના સભ્યોની નજર પડતાં વહીવટી તંત્રને તેની જાણ કરાઈ હતી. જેના પગલે તાત્કાલિક પગલાં લેવાતાં અહીં મોટી દુર્ઘટના ટળી હતી. રાત્રિના સમયે એપ્રોચ રોડ બેસી જતા એક પુલ બંધ કરી બીજા પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો હતો. સવારથી જ માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ રિપેરિંગ કામે જોડાયા હતા. એપ્રોચ રોડ ખોદી તેના ઉપર મેટલ પાથરવાની કામગીરી હાથ ધરી હતી.