સુરત: આકાશમાં એકસાથે બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના (Gujarat) 33 જિલ્લામાં ગઈકાલે બુધવારે રાત્રિથી ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભરૂચમાં પડી રહ્યો છે. હવામાન વિભાગ (Weather Department) દ્વારા આ જિલ્લામાં એલર્ટ (Alert) જાહેર કરાયું છે. વલસાડના (Valsad) 20 જેટલાં માર્ગો (Road) ભારે વરસાદને લીધે વાહનચાલકો માટે બંધ (Closde) કરી દેવા પડ્યા છે.
બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હોય દક્ષિણ ગુજરાતની (South Gujarat) નદીઓમાં મોટા જથ્થામાં પાણી આવી રહ્યું છે. સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ (Ukai Dam) 90 ટકા ભરાઈ ગયો છે. આજે ગુરુવારે તા. 15 સપ્ટેમ્બર 2022ના બપોરના 12 વાગ્યાના રિપોર્ટ અનુસાર ઉકાઈ ડેમ 341.40 ફૂટની સપાટી પર વહી રહ્યો છે. જે ભયજનક સપાટી 345 ફૂટથી હવે માત્ર 3 ફૂટ જ દૂર છે. હાલમાં ઉકાઈ ડેમમાં 1,39,127 ક્યૂસેક પાણીની આવક છે, તેની સામે ડેમમાંથી એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. હવે ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચ્યો હોય આવક તેટલી જાવકનું વલણ અપનાવાયું છે. ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદ પડી હ્યો છે. મહારાષ્ટ્રની હદમાં આવેલા હથનૂર ડેમની સપાટી આજે ગુરુવારે પણ 212.57 મીટર રહેતા હથનૂર ડેમમાંથી તાપી નદીમાં 70347 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
વલસાડ-વાપી અને દમણમાં ભારે વરસાદને લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાના લીધે વલસાડના 20 રસ્તાઓ વાહનચાલકો માટે બંધ કરી દેવાયા છે. વાપીમાં પણ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વાપી જીઆઇડીસી ચાર રસ્તા પાસે ગોવિંદા કોમ્પ્લેક્સ સામેના રસ્તા પર વરસાદથી પાણી પાણી થઈ ગયું હતું.
સુરત શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર અને દિવસે ઝરમર વરસાદ
સુરત શહેરમાં આખી રાત વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન પણ ઝરમર વરસાદ ચાલુ છે. ગઈકાલે બુધવારે રાત્રિના 12 વાગ્યાથી ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં શહેરમાં કુલ 25 મિ.મી. વરસાદ વરસ્યો છે. લગભગ 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ સાઉથ ઝોનમાં 38 મિ.મી., સાઉથ વેસ્ટ ઝોનમાં 26 મિ.મી. અને સેન્ટ્રલ ઝોનમાં 21 મિ.મી. વરસાદ પડ્યો છે. ઉકાઈ ડેમમાંથી 1.39 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હોય સુરતનો વિયર કમ કોઝવે ઓવરફલો થયો છે. 8.46 મીટરની સપાટી દર્શાવી રહ્યો છે. કોઝવે વાહનચાલકો અને રાહદારીઓ માટે બંધ કરાયો છે. કોઝવે ભયજનક 6 મીટરની સપાટીથી 2.42 મીટર ઉપર વહી રહ્યો છે. સુરત મનપાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે.