Gujarat

આ તારીખે છત્રી-રેઇનકોટ ઘરેથી લઈને નિકળજો, ગુજરાતમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગાંધીનગર: રાજ્યમાં રીમઝીમ વરસાદનું (Rain) આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. જેમાં સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરતમાં આજે સવારથી જ રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં 25 જૂનથી 3 જૂલાઈ સુધી વાવણાલાયક વરસાદ વરસશે.

તેમની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં હળવેથી ભારે વરસાદ વરસી શકે છે. વાપી, વલસાડ સહિત અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ થશે. તેમજ અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સાથે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત કેટલાંક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજી પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. 21-22 જૂનના રોજ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તો 22 જૂનના રોજ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવાના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે માછીમારોને 20થી 22 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. કારણ કે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથમાં પણ પાંચ દિવસ બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે જ સતત ત્રણ દિવસથી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. શનિવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 48 તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદના ધંધુકા તાલુકામાં 1.25 ઈંચ, મહેમદાવાદમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. કપડવંજ, ચોટીલા, સુરત શહેર, ધોળકા અને બોટાદના રાણપુરમાં 1.50 ઈંચ વરસાદ વરસ્યો હતો.

Most Popular

To Top