National

દિલ્હી, યુપી, મધ્યપ્રદેશમાં વરસાદના પગલે જળબંબાકાર, જનજીવન ઠપ

નવી દિલ્હી: ભારત(India)માં ચોમાસાની વિદાય શરુ થઇ ગઇ છે ત્યારે વિદાય વેળાનો વરસાદ અનેક રાજ્યોમાં આફત બનીને વરસ્યો છે. દિલ્હી(Delhi), ઉતરપ્રદેશ(Uttar Pradesh), મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં એકધારા ભારે વરસાદ(Rain)ને કારણે સંકટ સર્જાયું છે. સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવ્યા છે અને જનજીવન બેહાલ બની ગયું છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર તથા વેસ્ટન ડીસ્ટબન્સની અસર હેઠળ ભાર વરસાદ વરસ્યો છે અને અનેક રાજ્યોમાં ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. પાટનગર દિલ્હીમાં સતત બે દિવસથી એકધારા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઠેકઠેકાણે જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા છે. આ સિવાય આ સાઇબર સિટી ગુરુગાંવ પણ જળબંબાકાર બન્યું છે.

શાળાઓમાં રજા જાહેર કરાઈ
વરસાદી આફતને પગલે કોર્પોરેટ અને ખાનગી કંપનીઓએ કર્મચારીઓને ઓફીસે નહીં આવવા અને વર્ક ક્રોમ હોમની જ સૂચના જાહેર કરી છે. નોઇડા તથા ગાઝીયાબાદમાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉતરપ્રદેશમાં પણ ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. અનેક જિલ્લાઓમાં પૂર પરિસ્થિતિ ઉભી થતાં મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ દ્વારા હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ગોરખપુરમાં પણ પૂર પરિસ્થિતિ સર્જાતા નદી કાંઠે વસેલા અનેક ગામો પર સંકટ ઉભું થયું છે.

ઉત્તર પ્રદેશમાં મેઘતાંડવના કારણે 13 લોકોના કરૂણ મૃત્યુ
ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઘર પડવા અને વીજળી પડવાની ઘટનાઓમાં 13 લોકોના મૃત્યુ થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. વરસાદને કારણે ફિરોઝાબાદમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જયારે અલીગઢમાં સ્કૂલો બંધ કરવી પડી છે. આ ઉપરાંત ગુડગાંવ અને દિલ્હીમાં પણ ભારે વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાયા છે.

ગુજરાતમાં વાદળો છવાયેલા રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે. વિભાગની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ પોરબંદર, અમદાવાદમાં ઘનઘોર વાદળો છવાયેલા રહેશે. જ્યારે સુરત, વડોદરા અને આસપાસના વિસ્તારોમાં સામાન્યથી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

યોગી આદિત્યનાથે હવાઈ નિરીક્ષણ કર્યું
યોગી આદિત્યનાથે ગોરખપુર ઉપરાંત સંતકબીરનગર, બસ્તી, અયોધ્યા, ગોંડા અને બારાબંકીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. હવામાન વિભાગ દ્વારા પૂર્વ અને પશ્ચિમ ઉતરપ્રદેશમાં ૨૫મી સુધી વરસાદ વરસવાની આગાહી કરવા સાથે એલર્ટની ઘોષણા કરવામાં આવી છે. વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ ખાબકવાની ચેતવણી આપવામાં આવી છે. દેશના ૧૭ રાજ્યોમાં વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના સતના રીવા બાલાઘાટ, ઉજ્જૈન, રતલામ સહિતના જિલ્લાઓ માટે એલર્ટની ઘોષણા કરવામાં આવી છે. આસામ. મેઘાલય, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ પૂર્વીય રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, અરુણાચલપ્રદેશ જેવા રાજ્યોમાં ૫મી સુધી વરસાદના દોર જારી રહેવાની શકયતા દર્શાવવામાં આવી છે.

Most Popular

To Top