Gujarat

ગુજરાતમાં મેઘતાંડવ: છ જિલ્લાઓ લશ્કરના હવાલે, મોરબી વડોદરા જળબંબાકાર

ગાંધીનગર: રાજયમાં છેલ્લા 36 કલાકમાં થયેલા અતિ ભારે વરસાદને પગલે મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ પેદા થતાં બચાવ – રાહત ઓપરેશન માટે કેન્દ્ર સરકારે ગુજરાતની મદદે લશ્કરની છ કોલમ મોકલી દીધી છે. ખાસ કરીને દ્વારકા , આણંદ , વડોદરા , ખેડા , મોરબી , અને રાજકોટ જિલ્લામાં સ્થાનિક વહીવટી તંત્રની સાથે રહીને લશ્કર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. બંગાળના અખાત પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમ હાલમાં કચ્છ- પાકિસ્તાનની સરહદ પર સ્થિર રહેલી છે, તે સરકીને પાકિસ્તાન તરફ જઈ રહી છે. જો કે ફેલાવો મોટો છે એટલે આ સિસ્ટમ ઘુમરી ખાઈને ગોળ ગોળ ફરતી આગળ વધી રહી છે.

છેલ્લાં 24 કલાકમાં રાજકોટ નજીક મોરબીના ટંકામાં 14 ઈંચ જેટલો વરસાદ થયો છે. જયારે મોરબી, પંચમહાલ , આણંદ , વડોદરા અને ખેડામાં 12 ઈંચ કરતાં વધુ વરસાદ થતાં આ જિલ્લામાં ભારે તારાજી થવા પામી છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે રાજયના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરીને ગુજારતની પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. એટલું જ નહીં ગુજરાતને તમામ મદદની કેન્દ્ર તરફથી ખાતરી આપી હતી. વડોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે અહીં લશ્કરની મદદ લેવાઈ છે. ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી છે. વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં ભારત સરકાર દ્વારા આર્મીની કોલમ તૈનાત કરી દેવાઈ છે.

ગુજરાતના 433 રસ્તાઓ બંધ
રાજ્યભરમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓને મોટા પાયે નુકશાન થયું છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 636 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદને પગલે એસ.ટી બસ પરિવહનને માઠી અસર પડી છે. વરસાદને લઈ રાજ્યભરના 433 રૂટ બંધ હાલતમાં છે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડાનાં રૂટ ઉપર માઠી અસર થઈ છે. રાજ્યમાં 433 રૂટ બંધ કરતા 2081 ટ્રીપ કેન્સલ થઈ છે. કુલ 14512 રૂટ પૈકી 433 રૂટ બંધ તેમજ 40515 ટ્રીપ પૈકી 2081 ટ્રીપ બંધ છે. જેમાં ખેડા 6, આણંદ 2, કચ્છ 1,બરોડા,6, નર્મદા 1, પચમહાલ 4, ભરૂચ 2, દાહોદ 2, સુરત 1, વલસાડ 1, રાજકોટ 1, મોરબી 4, સુરેન્દ્રનગર 3 રસ્તા બંધ છે. રાજ્યમાં અન્ય માર્ગો કુલ 44 બંધ છે. જેમાં ખેડા 10, આણંદ 5, અવવલ્લી 3,ગાંધીનગર1, કચ્છ 2, બરોડા 2, છોટા ઉદેપુર 1, પચમહાલ 3, દાહોદ 5, નવસારી 1, વલસાડ 2, રાજકોટ 2 અને મોરબી 2, સુરેન્દ્રનગર 5 રસ્તા બંધ છે.

રાજ્યમાં પંચાયતના કુલ 557 માર્ગો બંધ
અમદાવાદ 1, ખેડા 31, આણંદ 5, સાબરકાંઠા 1, અરવલ્લી 12, બનાસકાંઠા 3,કચ્છ 22, બરોડા 37, છોટા ઉદેપુર 38, નર્મદા 9, પચમહાલ 17, ભરૂચ 7, મહીસાગર 24, દાહોદ 46, સુરત 33, તાપી 65,નવસારી 62, વલસાડ 70, ડાંગ 5, રાજકોટ17,મોરબી 10, જામનગર 11, દ્રારકા 1, સુરેન્દ્રનગર 16, ભાવનગર 3, અરમેલી 1,જૂનાગઢ 4, પોરબંદર 6 રસ્તા બંધ છે. રાજ્યમાં એક નેશનલ હાઇવેને પણ વરસાદ ના કારણે બંધ કરવામાં આવ્યો છે છોટા ઉદેપુર 1 માર્ગ નેશનલ હાઇવે બંધ છે.

કચ્છ પોલીસ દ્વારા સામખિયાળી માળિયા હાઇવે બંધ કરાયો
મોરબી મચ્છુના 32 જેટલા દરવાજા ખોલતા માર્ગ બંધ કરાયો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગ ડાયવર્ટ કરાયો. અમદાવાદ, રાજકોટ, જામનગર જતાં તમામ વાહનોને રાધનપુર હાઇવે પર જવા ડાયવર્ઝન અપાયું. ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. કચ્છનો સામખિયાળી માળિયા હાઈવે બંધ કરાયો છે. નેશનલ હાઈવે પર સુરક્ષા માટે ડાયવર્ઝન અપાયું છે. મચ્છુ ડેમના પાણી છોડાયા હોવાથી નિર્ણય લેવાયો છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની અપીલ છે. કચ્છ-અમદાવાદ જવા રાધનપુર માર્ગનો ઉપયોગ કરવા સુચના છે. વરસાદીની સ્થિતિ વચ્ચે સુરક્ષા માટે તંત્ર સતત કાર્યશીલ છે.

પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના થયા બે ટુકડા
છોટાઉદેપુરમાં પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના બે ટુકડા થયા હોવાની ઘટના સામે આવી છે. ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજના ટુકડા થયા છે. સુખી ડેમનું પાણી છોડાતા નદીનો પ્રવાહ વધ્યો હતો. નેશનલ હાઇવે-56 પર આવેલા બ્રિજના પિલર બેસી ગયા હતા. નજીકમાં બનાવેલો 2.39 કરોડનો ડાયવર્ઝન પણ ધોવાયો હતો .કલેક્ટર અને પોલીસ અધીક્ષકે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તંત્રએ લોકોને અવરજવર નહીં કરવા સૂચના આપી છે.

ખંભાતમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણનાં મોત
ભારે વરસાદના લીધે આણંદના ખંભાતમાં મકાનની દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોનાં મોત થયા છે. ખડોધી ગામે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. માતા-પિતા તેમજ બાળકનું મોત થયું છે.

રાજકોટમાં આજી નદીએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ
રાજકોટમાં છેલ્લા 48 કલાકથી વધુ સમયથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર રાજકોટ શહેરમાં જાણે ટાપુ બની ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. આજી નદીનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આજી નદી પણ ગાંડીતૂર બની છે. આ સમયે રાજકોટવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. આજી ડેમ ઓવરફ્લો થયો છે તેના કારણે આજી નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. હાલ આજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. રાજકોટના જંગલેશ્વર, રામનાથપરા, સંતોષીનગર, ભગવતીપરા સહિતના વિસ્તારોમાં પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. પાણીનો ધસમસમતો પ્રવાહ અવિરત ચાલુ હોવાથી ભયજનક સ્થિતિનું નિર્માણ પામી છે.

આજી નદીના કાંઠા વિસ્તારમાંથી 100થી વધુ લોકોને રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીકાંઠાના વિસ્તારમાં લોકો ન જાય તે માટે પોલીસ દ્વારા બેરિકેડ્સ લગાવી દેવાયા છે અને સુરક્ષાકર્મીઓને તૈનાત કરી દેવાયા છે. કાંઠા વિસ્તારના તમામ ઘરોને પોલીસ દ્વારા ખાલી કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ આજી નદી પટના વિસ્તારમાં તૈનાત કરી દેવાયો છે. નદી કાંઠા વિસ્તારમાં પોલીસકર્મીઓ, ફાયર બ્રિગેડની ટીમ સતત ચેકિંગ કરી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોનું રેસક્યુ કરવામાં આવ્યુ છે. જ્યાં પણ નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સર્વત્ર સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ પોલીસકર્મી, મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના કર્મીઓ અને NDRના જવાનો સતત ખડેપગે રેસક્યુ કામગીરી કરી રહ્યાં છે અને 55 થી 60 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

મોરબીમાં પૂરથી ભારે તારાજી
મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં મચ્છુ નદી સહિતના પાણી ફરી વળ્યા છે. જેના પગલે કોઈ દુર્ઘટના બનવા ન પામે તે માટે સાવધાનીના પગલાં લેતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા અનેક માર્ગ પર વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત અનેક નીચાણવાળા વિસ્તારોમાંથી અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે સામખીયાળીથી માળીયા સુધી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ઝવેરીએ વધુમાં કહ્યું હતું કે મોરબી કલેક્ટર ઝવેરીએ જણાવ્યું હતું કે, ગઈકાલ રાતની પરિસ્થિતિ જોતા મચ્છુ-૨ ડેમમાંથી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વાંકાનેર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સવારે ૧,૧૮,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમાં ઉત્તરોત્તર વધારો કરતાં ૨,૬૭,૦૦૦ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવ્યું.

હાલમાં ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે મચ્છુ નદીમાં પાણી આવી રહ્યું છે અને માળિયા સુધી પહોંચી રહ્યું છે. મોરબી શહેરમાં પણ પાણી પ્રવેશવાની શક્યતાઓ રહેલી છે. જેથી નિચાણવાળા વિસ્તારો ગઈકાલે રાતથી જ ખાલી કરવામાં આવ્યા છે. સ્થળાંતર માટે ખાસ ૧૦ ટીમોની રચના કરવામાં આવી છે, જે ટીમો દ્વારા ગ્રાઉન્ડ લેવલે જઈ સ્થળાંતર કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્થળાંતર માટે જિલ્લામાં 30 જેટલા આશ્રયસ્થાનો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા સાથે જમવા અને પીવાના પાણી માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત આરોગ્યની ટીમો પણ ખડે પગે રાખવામાં આવી છે. મોરબી જિલ્લામાં સંભવિત અસરગ્રસ્ત વિસ્તાર તેમજ ગામોનો સર્વે કરી ત્યાં આગોતરું આયોજન કરી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારીઓની ટીમ્સ તૈનાત રાખવામાં આવી છે.

રાજકોટમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર
બે દિવસથી સતત મેઘરાજા રાજકોટને ઘમોરોળી રહ્યાં છે.આજે દિવસ દરમ્યાન રાજકોટમાં સાંજના છ વાગ્યા સુધીમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે.રાજકોટના અનેક રસ્તા, બ્રીજ અને સોસાયટી પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. લોકમેળો પણ જળમગ્ન થઇ જતાં આખરે સાતમ આઠમનો મેળો બંધ કરવાનો નિર્ણય લીધો છે, આગામી 5 દિવસ પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટના મેળો બંઘ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેળાના સ્ટોલ ધારકોને આર્થિક નુકસાન ન વેઠવું પડે માટે સ્ટોલ ધારકોએ ભરેલી રકમ પરત આપવાનો રાડકોટ કલેકટર દ્વારા નિર્ણય પણ લેવામાં આવ્યો છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તા જળમગ્ન થતાં કેટલાક રસ્તા બ્લોક થઇ ગયા છે. જેના કારણે વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. રાજકોટમાં રેલનગર અંડર બ્રિજોમાં પણ પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. અનેક સોસાયટીના આસપાસ પાણી ભરાતા સોસાયટીના રસ્તા પણ જળમગ્ન બન્યા છે. રેલનગર ,પોપટપરા રઘુનંદન સોસાયટી, કૃષ્ણનગર સહિતના વિસ્તારની સોસાયટીઓામાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. સતત ત્રીજા દિવસે રાજકોટમાં અનરાધાર વરસાદથી માધાપર ચોકડી પર કેડ સમા પાણી ભરાયા છે. અહીં રૈયા ચોકડી ટેલિફોન એક્સચેન્જ પાસે પણ ઘુંટણસમા પાણી ભરાયા છે. અતિભારે વરસાદને પગલે મનપાએ ત્રણ બ્રિજ બંધ કર્યાં છે.

હળવદ તાલુકાના ઢવાણા ગામે નદીના કોઝવે પરથી ટ્રેક્ટર તણાયું, 17 લોકો પાણીમાં ડૂબ્યા : 11 લોકોને બચાવાયા પણ સાત હજુ પણ લાપતા
રાજ્યભરમાં મેઘરાજાએ ભારે કરી છે. તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. તમામ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ રહી છે. તેવામાં હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે પરથી એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું, ત્યારે ધસમસતા પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાઈ ગયું હતું. આ ટ્રેક્ટરમાં 17 લોકો સવાર હતા. જે તમામ પાણીમાં ડૂબી ગયા હતા. જોકે 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. હજુ સાત લોકો લાપતા છે. જેમની શોધખોળ ચાલી રહી છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ રવિવારે મોરબી સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેને કારણે તમામ નદીઓના જળ સ્થળ ભયજનક સપાટી વટાવી ચુક્યા છે. તેવામાં રવિવારે રાત્રિના સમયે ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યું હતું. તે અરસામાં 17 લોકો એક ટ્રેક્ટરમાં બેસીને પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયું હતું. ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થતાની સાથે જ 4 થી 5 વ્યક્તિઓ કરીને પાણીમાંથી બહાર નીકળી ગયા હતા પરંતુ અન્ય લોકો બહાર નીકળી શકતા ન હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ તથા એનડીઆરએફની ટીમને તાત્કાલિક દોડી આવી રેસ્ક્યુની કામગીર કરી હતી. જેમાં 11 લોકોને બચાવી લેવામાં આવ્યાં હતા.
જો કે હજુ સાત લોકોની શોધખોળ ચાલી રહી છે. આ સાત લોકો પાણીમાં ગરકાવ થઈ જતા, એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ લાપતા થયેલા લોકોને શોધવાની કામગીરી હાથ ધરી છે. આ ટ્રેક્ટરમાં બેઠેલા લોકો મજૂરી કામ અર્થે આવેલા હોવાનું અને આદિવાસી પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હળવદ તાલુકાના ધણાદ ગામે પાણીના પ્રવાહમાં રિક્ષા તળાઈ જ ગઈ હતી. આ રિક્ષામાં બેઠેલ 5 વ્યક્તિઓ પૈકી ચાર વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જેમાં એક મહિલા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ બુટાવાડા ગામ પાસેની એક નદીમાં એક વ્યક્તિ તળાઈ ગયો હોવાની પણ માહિતી સામે આવી છે.

અમદાવાદના મણિનગર દક્ષિણી અંડરપાસમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો
અમદાવાદમાં રવિવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. શહેરમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. શહેરના સાત જેટલા અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી બંધ કરવામાં આવ્યા હતા. ધીમે ધીમે વરસાદ શાંત પડતા પાણી ઓસર્યા હતા, જેમાં આજે મણીનગર વિસ્તારમાં આવેલા દક્ષિણી અંડરપાસમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વ્યક્તિ કોણ છે, તેની ઓળખ ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
રવિવારે અમદાવાદ શહેરમાં પડેલા આઠ ઇંચ જેટલા વરસાદમાં સૌથી વધુ વરસાદ મણિનગર વિસ્તારમાં પડ્યો છે. મણીનગરમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ભારે વરસાદને કારણે મણિનગરની અનેક સોસાયટીઓમાં, ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. જે હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે.

ચોટીલાનું ભીમગઢ તળાવ ફાટતાં અનેક વિસ્તારોમાં ભારે તારાજી
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વિનાશક વરસાદ થઈ રહ્યો છે. જેમાં આજે સુરેન્દ્રનગરના ચોટીલાનું ભીમગઢ તળાવ ફાટતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભારે તારાજી સર્જાય છે. ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગરના અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે. ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગરના ચોટીલાનું ભીમગઢ તળાવ પાણીની આવક વધી જતા તળાવ ફાટ્યું હતું. જેને કારણે પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળતા ભારે તારાજી સર્જાઈ હતી. પાણી નજીકના ખેતરોમાં ભરાઈ ગયા હતા, તેમજ આસપાસના ગામોને જોડતો માર્ગ પણ બંધ થઈ જતાં લોકોનો સંપર્ક તૂટી ગયો છે.

જામનગરમાં હેલિકોપ્ટરની મદદથી 11ને બચાવી લેવાયા
જામનગરના લાલપુર તાલુકાના નવાગામ ખાતે એકજ પરિવારના 11 સભ્યો પૂરના પાણીમાં ફસાયા હતા. જો કે તંત્રને આ માહિતી મળતા ભારતીય એરફોર્સની મદદ વડે 11ને બચાવી લેવાયા હતા. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા તમામ 11 લોકોને એરલીફટ કરીને સલામત સ્થળે ઉતારવામાં આવ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે એકસ(ટવીટ્ટર) પર ટવીટ્ટ કરીને આ માહિતી આપી હતી.

Most Popular

To Top