Dakshin Gujarat

સુરત, ડાંગમાં ફરી વરસાદ વરસશે: હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી

બારડોલી: માર્ચના ઉનાળામાં અવારનવાર પડતાં કમોસમી વરસાદના લીધે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે ખેડૂતો માટે આંચકારૂપ જાહેરાત કરી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર સુરત જિલ્લા, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણાઓ પર આગામી અઠવાડિયે વરસાદ વરસી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે ખેડૂતોને તેમના પાકની જાળવણી માટે આગોતરું આયોજન કરી લેવા સૂચના આપી છે.

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૭ અને ૮ એપ્રિલ એમ બે દિવસ દરમિયાન સુરત જિલ્લામાં વાદળછાયા વાતારણની સાથે હળવા/સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની શક્યતાને પગલે ખેડૂતોનો પાક ન બગડે એ માટે નિયત પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોએ ખેતરનો પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું. પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

તેમજ જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં એ મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂતમિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીનાં પગલાં લઈ અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ત્યાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી માટે સ્થાનિક વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નં.૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે.

ડાંગમાં 13 એપ્રિલે ભારે વરસાદ પડવાની સંભાવના
સાપુતારા: ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલી આગાહી મુજબ, આગામી તા.8, 9 એપ્રિલ તેમજ 11 થી 14 એપ્રિલ 2023 દરમિયાન ડાંગ જિલ્લામાં છૂટા-છવાયા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન તા. 13 એપ્રિલ 2023 એ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ આગાહીને ધ્યાને લેતાં કે.વી.કે.નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઇના વિષય નિષ્ણાંત (કૃષિ હવામાનશાસ્ત્ર) એસ.એન.ચૌધરીએ જિલ્લાના ખેડૂત મિત્રોને રક્ષણાત્મક પગલાઓ લેવા અનુરોધ કરતાં જણાવ્યું કે, કાપણી કરેલ પાકને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો, બાગાયતી પાકોમાં સમયસર વીણી કરી લેવી, ડાંગરની પૂળીને તાડપત્રી દ્વારા ઢાંકી દેવી અને યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો, ખેતરમાંથી વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન કરવું તેમજ શાકભાજી પાકોમાં વાદળછાયા વાતાવરણ દરમિયાન વરસાદ ન હોય ત્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અથવા સેન્દ્રિય ખેતી પદ્ધતિમાં વપરાતા યોગ્ય ફૂગનાશક (ખાટી છાસ, સૂંઠાસ્ત્ર)નો ઉપયોગ કરવો.

Most Popular

To Top