ભારતીય હવામાન વિભાગે (Indian Meteorological Department) ચક્રવાતને (Cyclone) કારણે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ (Red Alert) જારી કર્યું છે. જેની અસર દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આજે એટલેકે સોમવારે બપોરે ડાંગ જિલ્લાનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું હતું. અહીં વાદળછાયા વાતાવરણ (Cloudy Weather)વચ્ચે વરસાદ (Rain) પડ્યો હતો. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ અકળામણનું વાતાવરણ જોવા મળ્યું હતું. સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં લોકોએ સવારથી જ ગરમીનો અહેસાસ કર્યો હતો.
ચક્રવાતની અસર ગુજરાત પર પણ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે. રાજ્યના હવામાનમાં અચાનક જ પલટો આવ્યો છે. સોમવારે બપોરે ડાંગ જિલ્લા તેમજ આહવા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ જ્યાં વરસાદ ન પડ્યો હતો ત્યાં વાદળછાયા વાતાવરણને પગલે અકળામણનો અનુભવ થયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હળવા વરસાદની સંભવના છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે. જેના કારણે 12 અને 13 ડિસેમ્બરના સામાન્ય વરસાદની શકયતા છે. 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની સંભાવના છે. ડાંગ, વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદની શકયતા જણાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાવાને કારણે આ પવનો ઉત્તર પશ્ચિમ તરફ સાઈકલોન સરક્યુલેશનમાં ગતિ કરશે. જેના ભાગરૂપે 12, 13 ડિસેમ્બરના ગુજરાત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.