વિરપુર : વિરપુર તાલુકામાં પણ બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. વ્હેલી સવારે આઠેક વાગ્યાની આસપાસ ભારે પવન તેમજ વરસાદનુ જોર જોવા મળ્યું હતું. મહિસાગર કલેકટરના આદેશ બાદ વિરપુરનું સરકારી તંત્ર પણ એલર્ટ જોવા મળ્યુ હતુ અને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. વિરપુરમાં વાવઝોડુ ત્રાટકવાનું હોય તે બાબતે લોકોને જાણકારી હોય પોતાના ધંધા – વ્યવસાય ચાર પાંચ વાગ્યા સુધીમાં આટોપી લીધા હતાં.
જ્યારે પંદર તારીખે બપોરના અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટું આવી જતા લોકોમાં ડર જોવા મળી રહ્યો હતો. રાત્રિના આઠ વાગ્યાની આસપાસ ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. વિરપુર સરકારી દવાખાના પાછળ વિશાળ ઝાડ વીજપોલ પર પડતા ચાર વિજપોલને નુકસાની થઈ હતી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અન્ય જગ્યાઓ પર ત્રણ જેટલા વિજપોલ ધરાશાયી થતાં રાત્રિના સમયે જ વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. સરકારી દવાખાના પાછળ પોલ ધરાશાઈ થતા દવાખાનામાં વીજપુરવઠો ખોરવાતા જનરેટર ચલાવી દર્દીઓને સારવાર અપાઇ હતી.
જ્યારે લાવરી નદી પર ભય સૂચક બોર્ડ ઉખડી પડયુ હતુ તેમજ અંબીકા સોસાયટી રોડ પર મારેલા હોર્ડિંગ પણ તુટી પડયું હતું. હાલ તાલુકામાં અંદાજીત ચાર જગ્યાએ વૃક્ષો ધરાસયી થયા હતા અને વિજપોલ સાત જગ્યાએ ધરાશાયી થતાં જોકે તંત્ર દ્વારા જાહેર માર્ગ પર પડેલા વૃક્ષ જેસીબીના મદદથી હટાવી લેવાયા હતા તેમજ વિજપોલ ધરાશાયી થતાં થોડોક કલાકો બાદ રાબેતા મુજબ પુનઃ શરૂ કરી દેવાયો હતો. મહિસાગર જિલ્લામાં વાવાઝોડાની આંશિક અસર જોવા મળી છે. પરંતુ વરસાદથી ઠેર ઠેર પાલિકાની પોલ ખુલી પડી ગઈ હતી.