સુરત: આજે સવારે 11.15 કલાકે સુરત શહેરમાં વીજળીના જોરદાર આંચકાએ સુરતીઓને ધ્રુજાવી દીધા હતા. વીજળીનો અવાજ એટલો પ્રચંડ હતો કે ચોકબજારથી લઈ પાલ અડાજણ સુધીના લોકો ધ્રુજી ગયા હતા. જાણે નજીકમાં જ વીજળી પડી હોય તેવો લોકોને આભાસ થયો હતો. વીજળીના અવાજથી પશુપક્ષીઓ પણ ભયભીત થયા હતા. વીજળી પડ્યા બાદ વરસાદનું જોર વધ્યું હતું.
એક બાજુ હાલ વસંત ઋતુ બેસી ગઈ છે ત્યારે હાલ સવારના પહોરમાં હલકી હલકી ઠંડીનો અહેસાસ થાય છે.છેલ્લા એક અઠવાડીયાથી હવે મોસમનો મિજાજ પણ બદલાયો હતો ત્યારે હવે એવું ચોક્કસ રીતે લાગી રહ્યું હતું કે વરસાદે સંપૂર્ણ વિદાઈ લીળી હતી અને હવે શીત ઋતુનો પ્રારંભ થઇ ગયો છે. પણ શુક્રવારે સાંજે ગાજવીજ સાથે ફરી એક વાર મેઘરાજાની સવારી આવી પહોંચતા રીતસર ચોમાસા જેવો વરસાદ વરસ્યો હતો. શહેરના વિવિધ ઝોન પૈકી વરાછા ઝોનમાં તો સાંજના સમયે કડાકા ભડાકા સાથે વીજળીના ચમકારા થઇ વરસાદ તૂટી પડતા લકોમાં પણ કૌતુક સર્જાયું હતું. દિન ભાર વાદળા છવાઈ જતા ભારે ઉકળાટ અને બફારાનો અહેસાસ પણ શહેરી જનોએ અનુભવ્યો હતો.
આજે શનિવારે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં રીમઝીમ વરસાદ વરસી રહ્યો હતો. ઠંડા પવન સાથે વરસી રહેલાં વરસાદનો લોકો આનંદ લઈ રહ્યાં હતાં ત્યારે 11.15 કલાકે અચાનક જ વીજળી પડવાનો જોરદાર અવાજ આવ્યો હતો. જાણે નજીકમાં જ વીજળી પડી હોય તેવો અનુભવ થયો હતો. સુરતના લોકો વીજળીના અવાજથી ગભરાયા હતા. ત્યાર બાદ વરસાદનું જોર વધ્યું હતું. વાદળોની ગર્જના સાથે સતત વરસાદ પડવા લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા જ રાજ્ય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમ્યાન વરસાદ આવશેની આગાહી કરી હતી જે મહદ અંશે સાચી પડી રહી છે.
વરાછામાં વરસાદના લીધે ઠેરઠેર પાણી ભરાયા
બે કલાકમાં સુરતમાં સરેરાશ 9 મિ.મી. વરસાદ પડ્યો હતો. જોકે, સૌથી વધુ વરસાદ વરાછા વિસ્તારમાં પડ્યો હતો. વરસાદની અસર પણ વરાછામાં જ વધુ દેખાઈ હતી. અહીં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. ગરનાળા આસપાસ પણ પાણી ભરાયા હતા. પાણી ભરાવાના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક અસર
બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયકલોનિક લો પ્રેશરની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હજુ આગામી બે થી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.