SURAT

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ફરી વરસાદ, પાણીની આવકમાં વધારો, 5 ગેટ 5 ફૂટ ખોલ્યા

સુરતઃ ઉકાઈ ડેમના ઉપરવાસમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડતા ગઈકાલે બંધ કરેલા ડેમના ગેટ આજે ખોલીને 67 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું.

  • ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમમાં 67000 ક્યુસેક પાણીની આવક
  • પાંચ ગેટ પાંચ ફૂટ ઊંચાઈએ ખોલી 67000 ક્યુસેક પાણી છોડાયું

ઉકાઈ ડેમના ઉપરવાસમાં વિતેલા 24 કલાકથી ફરી વરસાદ શરૂ થતા ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ગઈકાલે પાણીની આવક ઘટતા ડેમના ગેટ બંધ કરવાની તૈયારી થઈ રહી હતી, પરંતુ આજે ફરી ૬૭,૦૦૦ ક્યુસેક પાણીની આવક થતાં એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિણામે ડેમના પાંચ ગેટ પાંચ ફૂટ ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલ 67000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ઉપરાંત, હથનોર ડેમમાંથી 23000 ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી 20000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે આગામી 24 કલાકમાં ઉકાઈ ડેમમાં હજી અંદાજે 80 એમસીએમ પાણી આવવાની સંભાવના છે. હાલ ડેમની સપાટી 335.68 ફુટ નોંધાઈ છે. ડેમનુ રૂલ લેવલ જાળવવા પાણી છોડવાનું ચાલુ રખાશે. ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટ સુધી રૂલ લેવલ 335 ફુટ છે.

દક્ષિણ ગુજરાતમાં 28 ઓગસ્ટ સુધી છૂટોછવાયો ભારે વરસાદની આગાહી
સુરતઃ સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદમાં થોડો ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં કુલ 9 તાલુકામાં અલગ-અલગ પ્રમાણમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 75 મીમી, જ્યારે સૌથી ઓછો કામરેજ તાલુકામાં 14 મીમી વરસાદ નોંધાયો હતો.

સુરત જિલ્લામાં આવેલા ઓલપાડમાં 23 મીમી, માંગરોળ 37 મીમી, ઉમરપાડા 75 મીમી, માંડવી 24 મીમી, કામરેજ 14 મીમી, સુરત 43 મીમી, ચોર્યાસી 16 મીમી, પલસાણા 29 મીમી, બારડોલી 23 મીમી અને મહુવા 24 મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. આગામી 28 ઓગસ્ટ સુધી છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે ખેડૂતોને ખેતરોમાં જરૂરી તકેદારી રાખવા તથા નાગરિકોને નદી-નાળા તરફ અનાવશ્યક જતા ટાળવા ચેતવણી આપી છે. શહેરમાં ભારે વરસાદી ઝાપટાં વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.


Most Popular

To Top