અરબી સમુદ્ર પરથી સરકીને ગુજરાત તરફ આવી રહેલી લો પ્રેશર સિસ્ટમના પગલે રાજ્યમાં આગામી ત્રણ દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, જુનાગઢ, પોરબંદર, દ્વારકાનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે. બુધવારે સાંજ સુધીમાં રાજ્યમાં 53 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં દ્વારકાના કલ્યાણપુર જિલ્લામાં 3.5 ઈંચ વરસાદ પડ્યો હતો.
સાંજે મળતી માહિતી માહિતી મુજબ, રાજ્યમાં કલ્યાણપુરમાં સાડા ત્રણ ઈંચ, બાબરામાં 3 ઈંચ, ધારીમાં 2.5 ઈંચ, માણાવદરમાં સવા ઈંચથી વધારે, જોડિયામાં સવા ઈંચ, કેશોદમાં પોણો ઈંચ વરસાદ થયો છે. પાંચ તાલુકાઓમાં સાડા ત્રણથી 1 ઈંચ વરસાદ થયો છે.
ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને ગીર સોમનાથના વેરાવળમાં સાડા છ ઈંચ વરસાદ થયો હતો. જે પછી બીજી ક્રમે રાણાવાવમાં સાડા ત્રણ ઈંચ, કલ્યાણપુરમા 3 ઈંચ, જુનાગઢના માંગરોળમાં 3 ઈંચ, દ્વારકામાં પોણા ત્રણ ઈંચ, ખંભાળિયામાં 2.5 ઈંચ, સૂત્રાપાડામાં 2.5 ઈંચ ,પોરબંદરમાં 2.5 ઈંચ , કેશોદમાં 2 ઈંચ વરસાદ થયો હતો. એકંદરે રાજ્યમાં 27 તાલુકાઓમાં સાડા છ ઈંચથી શરૂ કરીને 1 ઈંચ વરસાદ થયો હતો.