દિલ્હી: (Delhi) ટ્રેનમાં પર્યટનનો (Tourist) લ્હાવો લેનારા લોકો માટે સારા સમાચાર છે. હવે ભારતીય રેલવે પર્યટકો માટે ખાસ ટ્રેનો શરૂ કરશે. આ ટ્રેનોનું સંચાલન ખાનગી ક્ષેત્ર તેમજ આઈઆરસીટીસી (IRCTC) બંને દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. રેલવે મંત્રી (Railway) અશ્વિની વૈષ્ણવે દેશમાં પર્યટકોની સંખ્યા વઘારવા માટે મંગળવારના રોજ 180 ભારત ગૌરવ ટ્રેનનાં (Bharat Gaurav Train) સંચાલન માટેની મોટી જાહેરાત કરી છે. આ ટ્રેનોનાં સંચાલનમાં ખાનગી ટૂર ઓપરેટરો પણ શામેલ હોવાથી પર્યટકોને તેમાં વિશેષ સુવિધાઓ મળશે. એટલું જ નહીં ભારત ગૌરવ ટ્રેન પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બની રહે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે.
ભારત ગૌરવ ટ્રેન જે ખાસ પર્યટન માટે શરૂ કરવામાં આવશે તે અંગે માહિતી આપતા રેલવે મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે આ એક નવું જ ક્ષેત્ર છે. આ નિયમિત રૂપે ચાલુ રાખવામાં આવે એવી રેલ સેવા નથી એટલે કે તે સામાન્ય ટ્રેન સર્વિસ નથી. ટ્રેનોનું ભાડુ પણ ટૂર ઓપરેટરો દ્વારા જ નકકી કરાશે. આ ઉપરાંત તેનાં બીજા ઘણાં પાસા છે. ભારતીય રેલ તેમને ફકત પાર્કિંગ, મેન્ટેનન્સ તેમજ બીજી અન્ય સુવિઘા માટે મદદ કરશે. આ ટ્રેન ભારતની સંસ્કૃતિ તેમજ તેનાં વારસાનો પરિચય થાય એ થીમ ઉપર આઘારિત હશે. આ માટે લગભગ 180 ટ્રેનો ફાળવવામાં આવશે. વૈષ્ણવે કહ્યું છે કે પેસેન્જર અને ગુડ્સ ટ્રેનો બાદ રેલવે ત્રીજા સેક્ટર તરીકે પ્રવાસન માટે ભારત ગૌરવ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. ટ્રેનોના સંચાલન માટે ખાનગી ક્ષેત્ર પાસેથી અરજીઓ મેળવવાનું કાર્ય મંગળવારથી જ શરૂ કરી દીધું છે. આ ક્ષેત્રને ચલાવનારા ભાગીદારો પણ આ ટ્રેનોમાં ફેરફાર કરી શકશે.
ભારતીય રેલવે સતત નવા-નવા ફેરફાર કરી રહી છે, જેનાથી દેશની જનતાને સારી મુસાફરીનો ફાયદો મળી શકે. ભારત ગૌરવ ટ્રેન વિશે જાણકારી આપતા વધુમાં વૈષ્ણવે જણાવ્યું છે કે અમે આ માટે અભ્યાસ કર્યો છે. જ્યારે આપણે સંસ્કૃતિના કોઈપણ પાસાની વાત કરીએ છીએ તો તે અંગે ઘણી સંવેદનશીલ બાબતો જોડાયેલી હોય છે. અમે આ પ્રયાસના ભાગરૂપે ડિઝાઈનિંગ, ખાવા-પીવાની સુવિધા અને ડ્રેસિંગ પર ધ્યાન આપ્યું છે. આ પ્રક્રિયાથી જોડાયેલી કોઈ પણ બાબત ફિક્સ નહીં હોય. એટલેકે જરૂર પડ્યે હંમેશા તેમાં સુધારાને અવકાશ રહેશે, જેથી અમે મુસાફરોને વધુને વધુ સુવિધાઓ આપી શકીએ.