વાપી: (Vapi) મહારાષ્ટ્રના વાનગાંવ અને દહાણુ વચ્ચે બ્રિજ (Bridge) પર કાયમી ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે વાનગાંવ અને દહાણુરોડ વચ્ચે સ્ટેશનો પર ટ્રાફિક બ્લોક લેવાયો હતો. જેના કારણે ઘણી ટ્રેનોના નિયમનને અસર પહોંચી હતી. લાંબા અંતરની અમુક ટ્રેનો (Train) એક દિવસ માટે રદ કરી દેવાઈ હતી. જ્યારે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી. અમદાવાદથી વહેલી સવારે ઉપડતી કર્ણાવતી સુપરફાસ્ટ ટ્રેનને વાપીથી પરત અમદાવાદ મોકલી દેવાઈ હતી. જ્યારે ગુજરાત એક્સપ્રેસ અને સયાજીને થોડા કલાક બાદ મુંબઈ (Mumbai) તરફ રવાના કરાઈ હતી. મુંબઈથી વહેલી સવારે અમદાવાદ તરફ જતી ગુજરાત એક્સપ્રેસને આજે મેગાબ્લોકને લઈ ઉમરગામથી દોડાવાઈ હતી. આ મેગાબ્લોકને લઈ કેટલાક અજાણ મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા.
- દહાણું નજીક મેગા બ્લોક, કર્ણાવતી વાપીથી રિટર્ન કરાઈ
- મેગા બ્લોકને પગલે ઘણી ટ્રેનોના નિયમનને અસર પહોંચી – લાંબા અંતરની અમુક ટ્રેનો એક દિવસ માટે રદ કરી દેવાઈ, અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ
- અમદાવાદથી ઉપડતી કર્ણાવતી સુપરફાસ્ટ ટ્રેનને વાપીથી પરત અમદાવાદ મોકલી દેવાઈ
- ગુજરાત એક્સપ્રેસ અને સયાજીને થોડા કલાક બાદ મુંબઈ તરફ રવાના કરાઈ, મુસાફરો અટવાયા
વાપી રેલવે સ્ટેશને રવિવારે સવારે આવી પહોંચેલી કર્ણાવતી સુપર ફાસ્ટ એક્સપ્રેસ દહાણુ નજીક મેગાબ્લોક હોવાથી મુંબઈ તરફ જવા દેવાઈ ન હતી. વાપી સ્ટેશને થોભાવી દેવાતાં અનેક મુસાફરો વાપીથી રોડ માર્ગે પોતાના ગંતવ્ય સ્થળે પહોંચ્યા હતા. તો કેટલાક મુસાફરોએ ટિકિટનું રિફંડ માગતાં વાપી બુકિંગ ઓફિસેથી તેઓને પોતાનુ રિફંડ પરત કરી દેવાયું હતું. મુંબઈ તરફ જતા કેટલાક મુસાફરોને કર્ણાવતી પછીની ગુજરાત એક્સપ્રેસ અને સયાજી નગરીમાં ટ્રાન્સફર કરાયા હતા.
મેગાબ્લોકને લઈ કેટલીક ટ્રેનો થોડાક કલાક મોડી દોડતી હતી
વાપી રેલવે સ્ટેશન સુપ્રિટેન્ડન્ટ દત્તાના જણાવ્યા મુજબ દહાણુ-વણગાંવ સ્ટેશન વચ્ચે રવિવારે વહેલી સવારથી બપોરે 2:30 વાગ્યા સુધી મેગા બ્લોક હોવાથી લાંબા અંતરની અમુક ટ્રેનોને બંધ કરાઈ હતી. કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી. રવિવારે સવારે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસને વાપી થોભાવી દેવાઈ હતી. જેમાં મુંબઈ જતા કેટલાક પેસેન્જરોને ગુજરાત અને સયાજીમાં મોકલી દેવાયા હતા. તો કેટલાકે રિફંડ પરત માંગતા તેમને રિફંડ પણ આપી દેવાયું હતું. કર્ણાવતીને સાંજે તેના નિયત સમય મુજબ વાપીથી પરત અમદાવાદ તરફ રવાના કરાઈ હતી. અમુક ટ્રેનો થોડોક સમય લેટ દોડી હતી. સાંજના સમય બાદની ટ્રેનો નિયમિત સમય પ્રમાણે દોડતી થઈ ગઈ હતી. વાપી સ્ટેશને મુસાફરોને કોઈપણ જાતની તકલીફ પડી નહોતી.
- રદ કરાયેલી કેટલીક ટ્રેનો
- -બાન્દ્રા – સુરત ઈન્ટરસિટી
- -મુંબઈ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- -વિરાર-વલસાડ મેમુ
- -બાન્દ્રા- વાપી મેમુ
- -વિરાર-વાપી મેમુ
- -દહાણુ-વિરાર લોકલ
- -દહાણુ-દાદર લોકલ
- -દહાણુ-ચર્ચગેટ લોકલ