મથુરા: (Mathura) ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનો એક દિલચસ્પ કિસ્સો સામે આવ્યો છે. એક વકીલ અને રેલવે વિભાગ (Railway Department) વચ્ચેની લડાઈ 22 વર્ષ લાંબી ચાલી. એક વકીલે 22 વર્ષથી વધુ સમય સુધી રેલવેમાંથી 20 રૂપિયા મેળવવા માટે લડ્યા બાદ આખરે જીત મેળવી છે. હવે રેલવેએ આખી રકમ 20 રૂપિયામાં 12 ટકા વાર્ષિક વ્યાજ સહિત તે વ્યક્તિને ચૂકવવી પડશે. આ સાથે 15,000 રૂપિયાનો દંડ આર્થિક અને માનસિક પીડા અને મુકદ્દમા ખર્ચ તરીકે ચૂકવવા પણ સૂચના આપવામાં આવી છે. આ ફરિયાદનો 5 ઓગસ્ટના રોજ નિકાલ કરતાં જિલ્લા ગ્રાહક ફોરમે એડવોકેટની તરફેણમાં નિર્ણય કર્યો હતો.
- 20 રૂપિયા માટે રેલવે સામે 22 વર્ષ સુધી લડ્યો
- રેલવેએ આખી રકમ 20 રૂપિયામાં 12 ટકા વાર્ષિક વ્યાજ સહિત તે વ્યક્તિને ચૂકવવી પડશે
- રેલવેના બુકિંગ ક્લાર્કે હાથથી બનાવેલી ટિકિટ આપી હતી કારણ કે તે સમયે કમ્પ્યુટર ન્હોતા
- 70 રૂપિયાને બદલે 90 રૂપિયા કાપી લીધા અને બાકીના 20 રૂપિયા કહેવા છતાં પરત કર્યા ન્હોતા
વાત એવી છે કે મથુરાના હોલિગેટ વિસ્તારના રહેવાસી એડવોકેટ તુંગનાથ ચતુર્વેદી 25 ડિસેમ્બર 1999ના રોજ તેમના એક સહયોગી સાથે મુરાદાબાદ જવા માટે ટિકિટ (Ticket) લેવા માટે મથુરા કેન્ટોનમેન્ટની ટિકિટ બારી પર પહોંચ્યા. તે સમયે ટિકિટ 35 રૂપિયાની હતી. તેમણે બારી પાસેના વ્યક્તિને 100 રૂપિયા આપ્યા જેમણે બે ટિકિટના 70 રૂપિયાને બદલે 90 રૂપિયા કાપી લીધા અને બાકીના 20 રૂપિયા કહેવા છતાં પરત કર્યા નહીં.
તુંગનાથ ચતુર્વેદીએ જણાવ્યું કે મુસાફરી પૂરી કર્યા પછી તેમણે મથુરા છાવણીને પક્ષકાર બનાવીને ‘નોર્થ ઈસ્ટ રેલવે’ (ગોરખપુર) અને ‘બુકિંગ ક્લાર્ક’ વિરુદ્ધ જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી. પરંતુ આ ફરિયાદનો તુરંત નિકાલ આવ્યો નહીં. છેક 22 વર્ષથી વધુ સમય બાદ 5 ઓગસ્ટે સમગ્ર મામલામાં નિરાકરણ આવ્યું. કન્ઝ્યુમર ફોરમના પ્રમુખ નવનીત કુમારે રેલવેને એડવોકેટ પાસેથી વસૂલેલા વધારાના 20 રૂપિયા વાર્ષિક 12 ટકાના દરે વાર્ષિક વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો. સુનાવણી દરમિયાન એડવોકેટને જે માનસિક, નાણાકીય પીડા અને મુકદ્દમાના ખર્ચનો સામનો કરવો પડ્યો હતો તે માટે 15,000 રૂપિયાના દંડ તરીકે આપવાનો પણ આદેશ આપ્યો.
સાથે જ કન્ઝ્યૂમર ફોરમે એવો પણ આદેશ આપ્યો છે કે જો રેલવે દ્વારા નિર્ણયની જાહેરાતના દિવસથી 30 દિવસની અંદર રકમ ચૂકવવામાં નહીં આવે તો તેને વાર્ષિક 12ને બદલે 20 રૂપિયા પર 15 ટકા વ્યાજ ચૂકવીને રૂપિયા પરત કરવાના રહેશે. એડવોકેટ તુંગનાથ ચતુર્વેદીએ કહ્યું કે રેલવેના બુકિંગ ક્લાર્કે તે સમયે 20 રૂપિયા વધુ વસૂલ્યા હતા. તેણે હાથથી બનાવેલી ટિકિટ આપી હતી કારણ કે તે સમયે કમ્પ્યુટર ન્હોતા. 22 થી વધુ વર્ષો સુધી લડ્યા પછી આખરે તેની જીત થઈ છે તે વાતની તેને ખુશી છે.