National

રામાયણ એક્સપ્રેસમાં સર્વિસ સ્ટાફના ડ્રેસને લઈ વિવાદ, સાધુસંતોના વિરોધ બાદ રેલવેએ તરત જ ડ્રેસ બદલી નાંખ્યો

દિલ્હી: (Delhi) અયોધ્યા, ચિત્રકૂટ સહિત ભગવાન રામ સાથે સંબંધિત ધાર્મિક સ્થળોની યાત્રા માટે શરૂ કરાયેલી ભારતીય રેલવે (IRCTC) ની રામાયણ એક્સપ્રેસમાં (Ramayan Express) સર્વિસ સ્ટાફના (Staff) ડ્રેસ કોડને (Dress Code) લઈને વિવાદ સર્જાતા રેલવેએ તાત્કાલિક સ્ટાફનો ડ્રેસ કોડ બદલી નાંખવાની ફરજ પડી હતી. અગાઉ સર્વિસ સ્ટાફનો ડ્રેસ કોડ સાધુના વેશ જેવો હતો. તેઓને ધોતી, પીળા રંગનો કુર્તો અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરાવવામાં આવી હતી. આ વેશમાં તેઓ મુસાફરોને ભોજન અને પાણી પીરસી રહ્યા હતા. જે બાબતે સાધુ સંત (Monk Saint) સમાજની લાગણીને ઠેસ પહોંચતા તેઓએ આ પરિવેશ તુરંત બદલવાની માંગ કરી હતી. જેને પગલે રેલ્વે (Railway) તંત્ર દ્વારા વેઈટરોના યુનિફોર્મમાં તાત્કાલિક ફેરબદલ કરવામાં આવ્યો છે.

ઉજ્જૈનના સંતોએ સોમવારે ચેતવણી આપી હતી કે જો ટ્રેનના સર્વિસ સ્ટાફ પાસે સંતો સમાન યુનિફોર્મ હશે તો તેઓ 12 ડિસેમ્બરે દિલ્હીમાં રામાયણ એક્સપ્રેસને રોકશે. તેમણે કહ્યું કે સર્વિસ સ્ટાફનો કેસરી ડ્રેસ કોડ હિંદુ ધર્મનું અપમાન છે. જણાવી દઈએ કે ટ્રેનના સર્વિસ સ્ટાફનો ફોટો ગણતરીની કલાકોમાં જ વાઇરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. વાયરલ થયેલા ફોટો સાથે કહેવામાં આવી રહ્યું હતું કે આ ફોટો રામાયણ એક્સ્પ્રેસ ટ્રેનની અંદરનો ફોટો છે અને સાધુ જેવા દેખાતા લોકો સાચા સાધુ નથી પરંતુ ટ્રેનના વેઈટર છે કે જેઓ યાત્રીઓને ભોજન, પાણી અથવા અન્ય જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી રહ્યા છે. 

રામાયણ એક્સપ્રેસમાં સર્વિસ સ્ટાફના આ ડ્રેસકોડથી નારાજ ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહામંત્રી અવધેશ પૂરીએ વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, સંતોની વેશભૂષા વેઈટર્સને પહેરાવવામાં આવી છે જે સાધુ સમાજનું અપમાન છે. જલ્દી જ આ વેશભૂષા બદલવામાં આવે નહીં તો 12 ડિસેમ્બરના રોજ નીકળનારી ટ્રેનનો સમગ્ર ભારતના સંત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવશે અને હજારો હિંદુઓ સાથે ટ્રેનની સામે પ્રદર્શન કરવામાં આવશે. અવધેશ પૂરીના કહેવા પ્રમાણે વીડિયો સામે આવ્યા બાદ તેમણે રેલવે મંત્રીને આ બાબતે પત્ર લખ્યો હતો. જોકે રેલવેએ આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત જ ડ્રેસ કોડ ચેન્જ કર્યો છે.

દેશના સાધુ સંતો દ્વારા રેલ્વે ના વેઇટરોના યુનિફોર્મ બાબતે વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ, રેલ્વે દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને રામાયણ એક્સપ્રેસના સર્વિસ સ્ટાફનો ડ્રેસ કોડ સંપૂર્ણપણે બદલી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રેલ્વે તરફથી સત્તવાર રીતે કહેવામાં આવ્યું છે કે, ‘શ્રી રામાયણ યાત્રા એક્સપ્રેસના સર્વિસ સ્ટાફનો ડ્રેસ સંપૂર્ણપણે બદલી દેવામાં આવ્યો છે. હવે સર્વિસ સ્ટાફ પ્રોફેશનલ કપડામાં જોવા મળશે. અસુવિધા બદલ રેલ્વે માફી માંગે છે.’

ભારતીય રેલવેની વેબસાઈટ IRCTCએ થોડા સમય પહેલા રામાયણ સર્કિટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી. ભગવાન રામ સાથે સંકળાયેલા ધાર્મિક સ્થળોને રૂટ બનાવીને ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે મુસાફરો માટે ટ્રેન ચલાવવાની રેલવેની યોજનાને પણ ઘણી પ્રશંસા મળી હતી. રેલ્વે પાંચ ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહી છે, જેની શરૂઆત 14 નવેમ્બરે કરવામાં આવી હતી. બાકીની ચાર ટ્રેનો 16, 25, 27 નવેમ્બર અને 20 જાન્યુઆરીએ ચલાવવામાં આવશે. ભારતીય રેલ્વે અને IRCTC દ્વારા શરૂ કરાયેલી આ ખાસ ટ્રેન રામાયણ એક્સપ્રેસનો રૂટ અયોધ્યાથી શરૂ થશે અને બિહારના ચિત્રકૂટ, સીતામઢી સહિત ઘણા મોટા શહેરોમાં જશે. આ શહેરોમાં શિવનું શહેર કાશી, ઉપરાંત મહારાષ્ટ્રનું નાસિક, જનકપુર, શ્રિંગવરપુર તથા પ્રાચીન કિષ્કિંધા શહેર હમ્પી અને રામેશ્વરમનો પણ સમાવેશ થાય છે.

Most Popular

To Top