Business

લો બોલો.. રેલવેએ શૌચાલય જવા પર મુસાફર પાસેથી વસૂલ્યા 224 રૂપિયા, જાણો શું છે મામલો..

આગ્રા: (Agra) આમ તો રેલવેમાં (Railway) મુસાફરી દરમ્યાન અને વેઇટિંગ રૂમમાં ટોઇલેટ (Toilet) જવું નિશુલ્ક હોય છે. ક્યારેક આ માટે 5 કે 10 રૂપિયા ચુકવવા પડે છે. પરંતુ જો તમારી પાસેથી શૌચાલયનો ઉપયોગ કરવા માટે 224 રૂપિયા લેવામાં આવે છે તો? આવો કિસ્સો ખરેખર બન્યો છે. રેલવેએ એક યાત્રી પાસેથી ટોઈલેટ જવા માટે 224 રૂપિયા વસુલ્યા હતા. રેલવે દ્વારા મુસાફર (Passenger) પાસેથી ટોઈલેટ જવા બાબતે રૂપિયા વસુલવાની ઘટના આગ્રા રેલવે સ્ટેશન પર ઘટી હતી. અહીં બે મુસાફરો સાથે આવું થયુ હતું. બંને બ્રિટનના રહેવાસી છે. આગ્રા કેન્ટ સ્ટેશન પર એક્ઝિક્યુટિવ લોન્જ વૉશરૂમનો ઉપયોગ કરવા માટે તેમને 112-112 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. વાસ્તવમાં બંને પ્રવાસીઓ દિલ્હીમાં સ્થિત બ્રિટિશ એમ્બેસીમાં (British Embassy) આવી રહ્યા હતા.

  • રેલવેએ યાત્રી પાસેથી ટોઈલેટ જવા માટે 224 રૂપિયા વસુલ્યા હતા
  • ટોઈલેટ જવા બાબતે રૂપિયા વસુલવાની ઘટના આગ્રા રેલવે સ્ટેશન પર ઘટી હતી
  • આગ્રા કેન્ટ સ્ટેશન પર એક્ઝિક્યુટિવ લોન્જ વૉશરૂમનો ઉપયોગ કરવા માટે તેમને 112-112 રૂપિયા ચૂકવવા પડ્યા હતા
  • લાઉન્જ મેનેજરના નિવેદન મુજબ 50% છૂટ પછી 112 રૂપિયાની લઘુત્તમ ફી ફરજિયાત છે

જ્યારે બંને પર્યટકો આગ્રા પહોંચ્યા ત્યારે તેઓએ તેમના ગાઈડ આઈસી શ્રીવાસ્તવને વોશરૂમ વિશે માહિતી માંગી. ત્યારબાદ તેમને કેન્ટ સ્ટેશનના એક્ઝિક્યુટિવ લોન્જ વોશરૂમમાં લઈ જવામાં આવ્યા. જ્યાં તેમને વ્યક્તિ દીઠ રૂ. 100 + 12% GST ચૂકવવો પડતો હતો. બંને મુસાફરોને શૌચાલય જવા માટે કુલ કિંમત 224 રૂપિયા ચુકવવી પડી હતી. બંનેએ આ અંગે રેલવેમાં ફરિયાદ પણ કરી છે.

આ મામલે માહિતી આપતા IRCTCના સ્થાનિક પ્રતિનિધિ બ્રજેશ કુમારે જણાવ્યું હતું કે નિયમો અનુસાર બે કલાક પસાર કરવા પર 200 રૂપિયા ઉપરાંત 12% GST ચૂકવવો પડે છે. તેઓએ ત્યાં થોડો સમય વિતાવ્યો હશે તેથી તેમની પાસેથી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. યાત્રીઓને 50% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું જે પછી તેમણે જીએસટી ઉપરાંત પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

આ મામલે IRCTCના એક અધિકારીએ જણાવ્યું કે શૌચાલયનો ઉપયોગ કરવા માટે 112 રૂપિયા ચૂકવવા થોડા વધારે લાગે છે. પરંતુ ચાર્જ લાઉન્જની સેવાઓનો ઉપયોગ કરવા માટે હતો. લાઉન્જ મેનેજરના નિવેદન મુજબ 50% છૂટ પછી 112 રૂપિયાની લઘુત્તમ ફી ફરજિયાત છે. આ સેવા મુસાફરોને કોફી, વાઇ-ફાઇ અને બે કલાક માટે એક્ઝિક્યુટિવ લાઉન્જ રૂમની ઍક્સેસ પ્રદાન કરે છે.

આવી ઘટના પહેલા પણ સામે આવી ચુકી છે
આ પહેલીવાર નથી કે જ્યારે IRCTC કોઈ યાત્રીની ફરિયાદને લઈને વિવાદમાં આવ્યું હોય. અગાઉ બાલગોવિંદ વર્મા નામના વ્યક્તિએ ચાના ઓર્ડર માટે રૂ. 70 ચૂકવ્યા હતા. ત્યારબાદ તે મામલે પણ વિવાદ થયો હતો. કારણકે ચાની મૂળ કિંમત 20 રૂપિયા હતી.

Most Popular

To Top