સુરત: SMCના દરોડા બાદ ઓલપાડ પોલીસ (Police) સફાળી જાગી હોવાનું સામે આવ્યું છે. દેશી દારૂની (Alcohol) ભઠ્ઠીઓ પર ઓલપાડ પોલીસના દરોડા બાદ મોટી માત્રામાં દેશી દારૂ અને રસાયણ (chemical) મળી આવ્યું છે. ઓલપાડના છીણી અને ટૂંડા ગામેથી 970 લીટર દેશી દારૂ અને 1260 લીટર રસાયણ તેમજ ચાલુ ભઠ્ઠી મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
ઓલપાડ પોલીસે જણાવ્યું હતું કે, બાતમીના આધારે દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવાની કામગીરી શરૂ કરાઇ છે. પહેલી રાત્રે જ છીણી અને ટૂંડા ગામેથી હજાર લીટર દેશી દારૂ તેમજ 1200 લીટરથી વધુ રસાયણ મળી આવતા તપાસનો વિષય બન્યો છે. હાલ પોલીસે દેશી દારૂ જપ્ત કરી રસાયણનો નાશ કર્યો છે. પોલીસની તપાસ દરમિયાન સરોલી ગામે થી 80 હજાર ની કિંમત ની વિદેશી દારૂ નો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે હજી ઓલપાડના ઘણા ગામડાઓમાં દારૂની ભઠ્ઠી ચાલી રહી છે. પોલીસે આવી દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી ઓલપાડ ને દારૂ મુક્ત તાલુકો બનાવવો જોઇએ, દેશી દારૂ પીનારા યુવાનોનું આયુષ્ય ખૂબ જ ટૂંકું (નાનું) થઈ જાય છે. અનેક યુવાનો નાની ઉંમરમાં જ બાળકોને રમતા છોડી ગુજરી ગયા હોવાની ઘટનાઓ ગામડાઓમાં જ બને છે. દેશી દારૂમાં માત્ર રસાયણ જ હોય છે. જે શરીરના મુખ્ય અંગો ને સંપૂર્ણ નુકશાન કરતા હોવાનું ડોક્ટરો પણ કહી રહ્યા છે. એટલે દેશી દારૂના કારોબારી સામે કડક પગલા ભરાઈ એવી માગ છે.