Comments

રાહુલ ગાંધીનો મધપૂડા પર પથરો

હિંદુવાદ અને હિંદુત્વ વચ્ચે તફાવત પાડવાની કોશિષ કરી કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ મધપૂડા પર પથ્થર ફેંકયો છે. કોંગ્રેસના ઓરિએન્ટેશન એટલે કે સ્થિતિજ્ઞાન કાર્યક્રમથી બહેતર મંચ તેમને આ વિવાદ શરૂ કરવા માટે મળી શકયો નહોત. ‘આપણે કહીએ છીએ કે હિંદુત્વ અને હિંદુ ધર્મ વચ્ચે ફરક છે. સાદો તર્ક છે કે તમે હિંદુ હો તો તમને હિંદુત્વની શું જરૂર છે? તમને આ નવા નામની શું જરૂર છે?’ તેમણે પક્ષના કાર્યકરો અને વ્યાપક રીતે લોકોને આ પ્રશ્ન પૂછયો હતો. આખરે તો દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ આક્રમકજમણેરી વિચારધારાનાં ઉદય જોઇ રહ્યો છે અને ઘણાને લાગે છે કે તેઓ ગણનાપાત્ર હિંદુઓના મગજ પર કબજો જમાવી શકયા છે. એ જુદી બાબત છે કે હિંદુત્વની વિચારધારાથી અંજાઇ ગયેલા લોકો તેને રાજકીય કે ચૂંટણીની દ્રષ્ટિએ વિચારવાને બદલે હિંદુઓના સશકિતકરણની દ્રષ્ટિએ જૂએ છે.

અલબત્ત રાહુલ ગાંધી શરૂઆતમાં મોદી-શાહની જોડીએ છોડેલી હુંદુત્વની ભરતીનો સામનોક રવામાં ઉણા ઉતર્યા હતા પણ હવે ‘હિંદુવાદ’ અને ‘હિંદુત્વ’ વચ્ચેનો વિવાદ છેડી તેમણે થોડી હિંમત બતાવી છે. છેલ્લા સાત વર્ષથી ભારતીય જનતાપક્ષે આ મોરચે ઘોડો છૂટ્ટો મૂકી દીધો હતો અને કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો પાસે ભારતીય જનતા પક્ષનો ‘હિંદુત્વ’નો કોયડો ઉકેલવાની કોઇ કડી ન હતી અને ઉલટાનું વળતા જવાબમાં નરમ હિંદુત્વની વાત કરવા લાગ્યા.

રાહુલ ગાંધી કે તેના પક્ષને આ કોયડો ઉકેલવાની ચાવી મળી ગઇ છે એવું સૂચવવા નથી માંગતા કારણ કે તે આ વિવાદને કઇ રીતે આગળ વધારે છે તેના પર વધુ આધાર રાખે છે. પણ ભારતીય જનતા પક્ષના હિંદુત્વની વ્યાખ્યાની ચર્ચા કરવાની તાકીદની જરૂર છે અને ખાસ્સા વિલંબ પછી પણ સાચી ચાંપ દબાવી છે. હિંદુવાદ અને હિંદુત્વના સંવેદનશીલ ધાર્મિક પ્રદેશમાં ઘુસવાનું સાહસ કર્યા વગર આ બંને શબ્દોનો રાજકીય ચર્ચાના સંદર્ભમાં અર્થ સમજવાનું અનિવાર્ય લાગે છે.

અત્યારે આ ચર્ચામાં ધર્મ કરતા મત પેટી વધુ દેખાય છે. ‘હિંદુવાદ’ હિંદુ ધર્મ જેટલો જૂનો શબ્દ છે જયારે ‘હિંદુત્વ’ 20મી સદીના પ્રારંભમાં જ જાહેર ચર્ચામાં આવેલો શબ્દ છે. ‘હિંદુત્વ’ શબ્દ ‘જમણેરી સ્વાતંત્રય વીર’ સાવરકરે આપેલો શબ્દ છે એ જાણીતું છે. એસોસીએશન ઓફ એશિયન સ્ટડીઝના અરવિંદ શર્માના અભ્યાસ પત્ર મુજબ ‘હિંદુવાદ ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન અને આજપર્યંત પળાતા ધર્મને અપાયેલું નામ છે અને હિંદુત્વ ભારતીય જનતા પક્ષ દ્વારા પ્રતિનિધિત્વ કરાતી હિંદુઓની જમણેરી વિચાર ધારાનું નામછે. સાવરકરે હિંદુત્વનો સિધ્ધાંત જાહેરમાં મૂકયો તે અસામા એટલે કે 1921માં સ્થપાયેલ સાંસ્કૃતિક સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા પણ તે છે.

આ સંદર્ભમાં ‘હિંદુવાદ’ અને ‘હિંદુત્વ’ વચ્ચે તફાવત પાડવા વિશેના રાહુલ ગાંધીના વિધાને મહત્વ ધારણ કર્યું છે. અને તેણે ધારણા મુજબ વિવાદ જગાવ્યો જ છે અને ભારતીય જનતાપક્ષના અગ્રણીઓએ તરત જ આ વિધાનને કોંગ્રેસના હિંદુઓ પ્રત્યેના વિકૃત ધિક્કારનું બીજું રૂપ ગણાવી પ્રત્યાઘાત આપ્યા છે. આ વિધાન કરી રાહુલ ગાંધીએ કોંગ્રેસની અંદર અને બહારની આ સંવેદનશીલ મુદ્દો હોવાની માનસિકતા તોડી જ છે અને કટ્ટર હરીફ ભારતીય જનતાપક્ષ ગમે તે માર્ગે ધસમસતો પ્રવાહ લાવે, પક્ષે તેની સાથે તણાઇ જવું જોિએ એ માનસિકતા પણ તોડી જ છે.

‘હિંદુત્વ’ સંઘ અને ભારતીય જનતા પક્ષનું વૈચારિક કેન્દ્ર છે અને તેઓ બંધારણની ભાવનાથી વિપરીત હદે લઇ ગયા છે તેમાં કોઇ શંકા નથી. તેને કાબુમાં રાખવાનો એક માત્ર માર્ગ છે. વિચાર સાથે બીજો વૈચારિક પ્રતિકાર કરવો. સવાલ એ છે કે સ્વાતંત્રય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓના મતે ભારતનું જે વૈચારિક સ્વરૂપ હતું તેની સામે ગંભીર પ્રશ્નો થાય એ હદે વર્તન કરનાર સંઘ અને ભારતીય જનતાપક્ષને પડકારવામાં કોંગ્રેસ અને રાહુલે આટલું મોડું કેમ કર્યું? પણ રાહુલને આ પ્રશ્ન ભારે પડશે એવી આગાહી થઇ રહી છે. રાહુલને સાણસામાં ભીડવવાની પ્રવૃત્તિ થતી જ આવી છે તો અત્યારે તેને કેમ મુકિત મળે? તેણે તો પ્રશ્ન શમી જાય ત્યાં સુધી ચૂપ રહેવાનું હતું? અત્યાર સુધી રાહુલ જાણે અજાણે ધર્મ સંકટ પેદા કરનારાઓના કોઠામાં ફસાતા હતા પણ તેમણે નવો માર્ગ શોધ્યો લાગે છે. કોંગ્રેસે વ્યાપક રાજકીય સંદર્ભ જોઇ રાહુલની પડખે ઊભા રહેવું જોઇએ.

છેલ્લા સાત વર્ષમાં મોદીએ ‘હિંદુવાદ’ અને ‘હિંદુત્વ’ને સમાન ગણાવી બહુમતી હિંદુઓની અપેક્ષાને પંપાળી છે અને ‘રાહુલ ગાંધીએ હિંદુઓ પર હુમલો કર્યો છે. એવું ભારતીય જનતાપક્ષના પ્રવકતાઓએ ગણાવ્યું તેમાં તેનું પ્રતિબિંબ પડે છે. ભારતીય જનતા પક્ષના છટકામાં ફસાવાને અને ‘નરમ હિંદુવાદ’ અપનાવતા હોવાનું લગાડવાને બદલે કોંગ્રેસ અને વિરોધ પક્ષોએ ભારતીય જનતાપક્ષને જોરદાર વૈચારિક લડત આપવી જોઇએ. મોદી સરકારને નિષ્ફળતાઓના મામલે જ પડકારવાથી કંઇ નીં વળે. રાહુલ ગાંધીએ આ ચર્ચા શરૂ કરી માર્ગ મોકળો કર્યો છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top