National

બાપુ અને સરદાર પટેલની ધરતી પર આ કોણ લોકો છે જે ખુલ્લેઆમ નશાનો વેપલો કરી રહ્યા છે? : રાહુલ ગાંધી

અમદાવાદ: બોટાદના લઠ્ઠાકાંડે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ બાદ હવે રાષ્ટ્રીય સ્તરેથી આ મામલે તીખી પ્રતિક્રિયાઓ આવવા માંડી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ આજે ટ્વીટર પર એક પોસ્ટ મુકીને ગુજરાત સરકારને આડે હાથ લીધી છે. રાહુલે પોતાની પોસ્ટમાં સવાલો ઉઠાવ્યા છે. ડ્રાઈ સ્ટેટમાં ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થયા છે. ગુજરાતમાં ડ્રગ્સ પણ પકડાઈ રહ્યો છે. એક રીતે રાહુલ ગાંધીએ દારૂબંધી મામલે ગુજરાત સરકારની નિષ્ફળતા ખુલ્લી પાડી છે. આ સાથે જ નશાના કારોબારીઓને કોઈ રક્ષણ આપી રહ્યાં છે તેવા સવાલો ઉઠાવી ગુજરાત સરકાર પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે.

રાહુલ ગાંધીએ શું લખ્યું છે પોસ્ટમાં…?
ડ્રાઈ સ્ટેટ ગુજરાતમાં ઝેરીલો દારૂ પીવાથી અનેક ઘરો ઉઝડી ગયા. ત્યાં સતત અબજોનો ડ્રગ્સ પકડાઈ રહ્યો છે.
આ ખૂબ જ ચિંતાની વાત છે. બાપુ અને સરદાર પટેલની ધરતી પર, આ કોણ લોકો છે જે ખુલ્લેઆમ નશાનો વેપલો કરી રહ્યા છે? આ માફિયાઓને કઈ સત્તાધારી તાકાતો રક્ષણ આપી રહી છે?

ડ્રાય સ્ટેટ કોને કહેવાય?
ગુજરાતમાં દારૂના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ છે, તેથી ગુજરાતને “ડ્રાય સ્ટેટ” કહેવામાં આવે છે. ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ, પોલીસ પરમિટ વિના દારૂ ખરીદવા, પીવા અથવા પીરસવા બદલ ત્રણ મહિનાથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં ડ્રગ્સ જપ્ત કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદર પર એક કન્ટેનરમાંથી અંદાજિત 376 કરોડની કિંમતનું 75 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 42 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. બોટાદમાં કેમિકલકાંડ સર્જાયા બાદ પ્રશાસન પણ એક્શનમાં આવી છે. રાજ્યના ગૃહવિભાગે SIT ટીમની રચના કરી રિપોર્ટ માંગ્યો છે. ત્યારે આ કેસથી જોડાયેલા 8 જેટલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top