સુરત: (Surat) સાંસદપદ ગુમાવ્યાના 11 દિવસ બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi) ચુકાદા સામે સુરતની સેશન્સ કોર્ટમાં (Court) અરજી કરશે. માનહાનીના કેસને લઈ રાહુલ ગાંધી આવતીકાલે ફરી એક વાર સુરત આવશે અને સુરત સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. રાહુલ ગાંધી આ કેસની અપીલ ગુજરાત હાઈકોર્ટમાં (High Court) નહી કરે તેની જગ્યાએ સુરતની સેશન કોર્ટમાં તેની અપીલ (Appeal) કરશે. રાહુલ ગાંધીનો માનહાનિનો કેસ દિલ્લીના નિષ્ણાંત વકિલોની (Advocate) ટીમ સંભાળશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના દિગ્ગજ નેતાઓ તેઓની સાથે સુરતમાં હાજર રહેશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે સુરતની સેશન્સ કોર્ટે 23 માર્ચ, 2023ના રોજ દોષિત ઠેરવ્યા હતા. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા તેમજ 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીએ જે તે સમયે જ જામીન મેળવી લીધા હતા. ત્યારે આ મામલે રાહુલ ગાંધી આવતીકાલે નિષ્ણાંત વકીલોની ટીમ સાથે સુરત આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે.
રાહુલ ગાંધીને બે વર્ષની સજા થયા બાદ બીજા જ દિવસે તેમનું સાંસદ તરીકેનું સભ્યપદ પણ તેમની પાસેથી છીનવાઈ ગયું હતું. જેને લઈને સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. હવે કોંગ્રેસની લીગલ ટીમ સક્રિય થઈ આ મામલે કામે લાગી ગઈ છે. કાયદા અનુસાર રાહુલ ગાંધી આવતીકાલે સેશન કોર્ટમાં અપીલ કરીને આ પ્રક્રિયાને આગળ ધપાવશે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર આવતીકાલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં અપીલ કરવા માટે આવી રહ્યા છે ત્યારે તેમની સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિતના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, રઘુ શર્મા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર રહેશે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા પણ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સુરત ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ કોર્ટ અઠવાલાઈન્સ ખાતે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે કેરલના વાયનાડથી લોકસભાના સભ્ય રાહુલ ગાંધીએ એક કાર્યક્રમ દરમ્યાન મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. IPCની કલમ 499 અને 500 હેઠળ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા હતા.