National

લખીમપુર ખીરી પહોંચ્યો રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીનો કાફલો

યૂપી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીનો કાફલો લખીમપુર ખીરી પહોંચ્યો છે. તેમની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પણ છે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસના નેતાઓનો આ પક્ષ સૌ પ્રથમ ચૌખડા ફાર્મ જશે અને મૃતક ખેડૂત લવપ્રીતના સંબંધીઓને મળશે. જે બાદ નિઘાસનના મૃત પત્રકારના પરિવાર અને ધૌરહરાના મૃતક ખેડૂત નછત્તર સિંહના પરિવારને મળશે. લખીમપુરમાં ત્રણ પરિવારોને મળ્યા બાદ કોંગ્રેસના નેતા બહરાઈચ પણ જઈ શકે છે.

જણાવી દઈએ કે આ પહેલા (UP) યૂપી સરકારે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી (Rahul Gandhi) તેમજ અન્ય 3 લોકોને લખીમપુર ખીરી (Lakhimpur Khiri) જવાની મંજૂરી તો આપી દીધી હતી પરંતુ આ દરમ્યાન એક નવો જ ડ્રામા શરૂ થઈ ગયો હતો. રાહુલ ગાંધીને લખનઉ એરપોર્ટ પર અટકાવાયા હતા. તેમને પોતાની કારથી (Car) જવાની મંજૂરી નહીં મળતા રોષે ભરાયેલા રાહુલ ધરણા (Picket) પર બેસી ગયા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે “મને યુપી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે કયા પ્રકારની પરવાનગીની જરૂર છે? આ લોકો મને એરપોર્ટની બહાર જવા દેતા નથી.” બીજી તરફ ફોર્સનું કહેવું હતુ કે લખીમપુર જવા માટે વહીવટીતંત્રે જે એસ્કોર્ટ અને રૂટ નક્કી કર્યો છે તેના દ્વારા જ જવું પડશે. પરંતુ રાહુલ આ માટે સહમત થયા ન હતા. રાહુલ ગાંધીને લખનઉ એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ તેઓને મંજૂરી મળતા તેઓ ત્યાંથી સીતાપુર જવા રવાના થયા હતા.

ઉત્તરપ્રદેશની સરકારે હવે રાજનેતાઓને લખીમપુર જવા માટેની મંજૂરી આપી દીધી છે. હવે તેમને લખીમપુર જતાં અટકાવવામાં આવશે નહીં. પરંતુ એક પાર્ટીના માત્ર 5-5 નેતાઓનું ડેલિગેશન જ લખીમપુર જઇ શકશે. હવે રાહુલ ગાંધીને પણ લખનઉ ખાતે અટકાવવામાં આવશે નહીં. સીએમ યોગી આદિત્યનાથની સાથે બેઠક બાદ અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. રાહુલ ગાંધીને 5 લોકો સાથે જવાની મંજૂરી મળી છે. ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લખીમપુર પહોંચ્યા છે.

લખીમપુર હિંસા બાદ યુપીમાં રાજકારણ તેજ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે મુખ્યમંત્રી આદિત્યનાથ સાથે પણ વાત કરી હતી. લખીમપુર ખીરીમાં બનેલી ઘટનાને દુખદ ગણાવતા ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર રાજકીય રોટલા શેકવાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે બહુજન સમાજ પાર્ટી (બસપા) ના મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. હિંસક ઘટના સંદર્ભે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા મોનુ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ખેડૂતો પર વાહન ચઢાવી દેવાની ઘટનામાં કુલ 8 લોકોના મોત થયા હતા.

Most Popular

To Top