ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સેમ પિત્રોડાએ રાહુલ ગાંધીની તાજેતરની જર્મની મુલાકાત, ભારતમાં લોકશાહીની સ્થિતિ અને સંસ્થાઓના કથિત શસ્ત્રીકરણ સહિત અનેક સંવેદનશીલ મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી.
એક ઇન્ટરવ્યુમાં સેમ પિત્રોડાએ શાસક પક્ષના આરોપોને ખોટા ગણાવ્યા એટલું જ નહીં પરંતુ એવો પણ દાવો કર્યો કે રાહુલ ગાંધીની વિદેશ મુલાકાતો દરમિયાન ભારતીય દૂતાવાસના કર્મચારીઓ દ્વારા તેમની દેખરેખ રાખવામાં આવે છે અને વિદેશી નેતાઓને ઘણીવાર તેમને ન મળવાનું કહેવામાં આવે છે.
સેમ પિત્રોડાએ રાહુલ ગાંધીની જર્મની મુલાકાતના સમય અંગેના પ્રશ્નોને ફગાવી દેતા કહ્યું કે વિદેશ પ્રવાસો અચાનક નથી થતા. મહિનાઓ અગાઉથી આયોજિત હોય છે.
તેમણે સમજાવ્યું કે આ મુલાકાતનો મુખ્ય હેતુ પ્રગતિશીલ જોડાણની બેઠક હતી, જેમાં લગભગ 110 દેશોના લોકશાહી પક્ષોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું, ભારત જેવા મોટા દેશમાં હંમેશા કંઈક મહત્વપૂર્ણ ચાલી રહ્યું હોય છે. સંસદમાં હોય કે દેશમાં અન્યત્ર સમય અંગે હંમેશા પ્રશ્નો ઉભા થશે.
સત્ય એ સત્ય છે, બેવડા ધોરણો નહીં
રાહુલ ગાંધીએ વિદેશમાં ભારત વિરોધી નિવેદનો આપ્યા હોવાના આરોપોનો સેમ પિત્રોડાએ તીખો જવાબ આપ્યો. તેમણે કહ્યું, આજની દુનિયામાં તમે ભારતમાં જે કહો છો તે આંતરરાષ્ટ્રીય બની જાય છે અને તમે વિદેશમાં જે કહો છો તે રાષ્ટ્રીય બની જાય છે. સત્ય ભલે ઘરે બોલાય કે વિદેશમાં સત્ય સત્ય જ હોય છે. કોઈ બેવડા ધોરણો હોઈ શકે નહીં.
તેમનું કહેવું છે કે જો કોંગ્રેસ માને છે કે સંસ્થાઓ પર કબજો કરવામાં આવી રહ્યો છે. મીડિયા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે અને નાગરિક સમાજને નબળો પાડવામાં આવી રહ્યો છે, તો આ વાત ભારતમાં તેમજ વિદેશમાં પણ કહેવામાં આવશે.
વિદેશમાં રાહુલ ગાંધી પર નજર રખાતી હોવાનો દાવો
સેમ પિત્રોડાએ દાવો કર્યો હતો કે ભારતીય દૂતાવાસના અધિકારીઓ રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓ દરમિયાન તેમની ગતિવિધિઓ પર સતત નજર રાખે છે.
તેમણે કહ્યું, મેં વ્યક્તિગત રીતે લોકોને અમારા પર નજર રાખતા જોયા છે. હોટલથી લઈને મીટિંગ્સ અને એરપોર્ટ સુધી. અમને કહેવામાં આવ્યું હતું કે દૂતાવાસ ઘણીવાર લોકોને ફોન કરે છે અને રાહુલ ગાંધીને ન મળવાનું કહે છે. મારી પાસે લેખિત પુરાવા નથી પરંતુ હું અનુભવથી કહી રહ્યો છું. તેમણે તેને સરકારનું જાસૂસી પગલું ગણાવ્યું. જોકે તેમણે એમ પણ ઉમેર્યું કે કોંગ્રેસ તેનાથી ડરશે નહીં.
જ્યોર્જ સોરોસ અને ભંડોળના આરોપો પર પ્રતિક્રિયા
જર્મનીમાં રાહુલ ગાંધી જે લોકોને મળ્યા હતા તેમના સાથે જ્યોર્જ સોરોસના સંબંધોના આરોપો અંગે સેમ પિત્રોડાએ સ્પષ્ટપણે કહ્યું, આ બધું બકવાસ છે. અમે યુનિવર્સિટીઓમાં જઈએ છીએ અને જાહેર સ્થળોએ વાત કરીએ છીએ. અમને ખબર નથી કે કોણ કોની સાથે જોડાયેલું છે, અને ન તો અમને તેનાથી કોઈ ફરક પડે છે. રાહુલ ગાંધી કે કોંગ્રેસ પાર્ટીને કોઈપણ પ્રકારના વિદેશી ભંડોળ કે ભારત વિરોધી નેટવર્ક સાથે કોઈ લેવાદેવા નથી.