સુરત: (Surat) સુરતની કોર્ટે ipcની કલમ 504 હેઠળ રાહુલ ગાંધીને (Rahul Gandhi) બે વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. જોકે કોર્ટ દ્વારા પ્રથમ સજા સંભળાવવામાં આવી હતી ત્યારબાદ લેખિત ચુકાદો આપવામાં આવ્યો હતો. લેખિત ચુકાદાની રાહ જોવા દરમ્યાન રાહુલગાંધી સર્કીટ હાઉસ પહોંચ્યા હતાં. રાહુલ ગાંધીએ સર્કીટ હાઉસમાં કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ તેઓ રીંગરોડની સાસુમા હોટેલમાં (Sasuma Hotel) લંચ લેવા ગયા હતા. ગુજરાતી ભોજનનો આનંદ લીધા બાદ અહીં તેમણે હોટલના સ્ટાફ (Hotel Staff) સાથે ફોટો પણ પડાવ્યો હતો.
કોર્ટમાંથી સર્કિટ હાઉસ પહોંચ્યા પછી કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવડિયા રાહુલ ગાંધીને જમાડવા માટે મેરિયેટ હોટલ તરફ જવા રવાના થયા હતા. જોકે રાહુલ ગાંધીએ પરંપરાગત ગુજરાતી હોટલમાં જમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના માજી ધારાસભ્ય લાલજીભાઈ દેસાઈએ રિંગરોડની સાસુમા હોટલમાં સારૂ જમવાનું હોવાનું જણાવ્યું હતું. જેને પગલે તેઓ સાસુમા હોટલ તરફ વળ્યા હતા.
રાહુલ ગાંધીએ આ ગુજરાતી વાનગીનો આનંદ લીધો
રાહુલ ગાંધીએ સાસુમા હોટલમાં રબડી મલાઈ, મગની દાળનો હલવો, ત્રણ પ્રકારના ફરસાણમાં બે પંજાબી સમોસા, સેવપુરી ચાટ અને મકાઈના ઢોકળા આરોગ્યા હતા. જ્યારે મેઈન કોર્સમાં પાલકની ગુજરાતી સબ્જી, પંજાબી પનીર શાક, લસણિયા બટાકા, ચણાનું શાક પરોસવામાં આવ્યું હતું. જેમાંથી રાહુલ ગાંધીએ પાલકનું શાક, ચણાનું શાક અને લસણિયા બટાકાનો આનંદ લીધો હતો. હાજર નેતાઓના આગ્રહને કારણે તેમણે દાળભાત પણ ખાધા હતાં. રાહુલ ગાંધીને રોટલી અને પુરી સર્વ કરાઈ હતી. પણ તેમણે ચપાતી ખાધી હતી. સાથે તેઓ બે ગ્લાસ છાશ પી ગયા હતાં.
મારી સાથે ફોટો પડાવશો તો તકલીફ થશે
દરમ્યાન હોટલના માલિક સંજયભાઈ ગજેરાએ રાહુલ ગાંધી જમતા હતા તે સમયે ફોટો પડાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે રાહુલ ગાંધીએ મજાક કરતા કહ્યું હતું કે મારી સાથે ફોટો પડાવશો તો તમને તકલીફ થશે. આ લોકો મને નથી છોડતા તો તમને ક્યાંથી છોડશે. જમતો ફોટો રહેવા દો. ત્યારબાદ રાહુલ ગાંધી હોટલથી રવાના થવા નિકળ્યા ત્યારે હોટલના સ્ટાફ સાથે ઉભા રહી ફોટો પડાવ્યો હતો. તે સમયે પણ તેમણે મજાક કરી હતી કે જો જો સાચવજો.. તકલીફમાં ન આવતા.. અને તકલીફ થાય તો મને જાણ કરાવજો.
દરમ્યાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા સજા સંભળાવ્યા બાદ બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલને ‘મોદી સરનેમ’ સંબંધિત નિવેદન માટે બે વર્ષની સજા ફટકારવામાં આવી છે તેવામાં પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે ડરેલી સત્તાની આખી મશીનરી સામ, દામ, દંડ, ભેદ લગાવીને રાહુલ ગાંધીનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ મારો ભાઈ ન તો ડરે છે અને ન તો ક્યારેય ડરશે. જણાવી દઈએ કે આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટર પર મહાત્મા ગાંધીના આ નિવેદનને ટ્વીટ કર્યું હતું, ‘મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે.’