કન્યાકુમારીથી કાશ્મીર સુધીની રાહુલ ગાંધીની પદયાત્રા પૂરી થઈ. રાહુલ ગાંધી અને તેમના સાથીઓએ ૪૦૮૪ કિલોમીટરની યાત્રા ૧૪૬ દિવસમાં પૂરી કરી હતી. તેમની યાત્રા તામીલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ અને જમ્મુ થઈને કાશ્મીરમાં શ્રીનગરમાં સમાપ્ત થઈ હતી. કુલ ૧૨ રાજ્યો, બે કેન્દ્રશાસિત પ્રદેશો અને તેનાં ૭૫ જીલ્લાઓમાંથી યાત્રા પસાર થઈ હતી. એ વાતનો તો હવે રાહુલ ગાંધીના દુશ્મનો પણ સ્વીકાર કરે છે કે યાત્રાને ધારવા કરતાં ઘણી વધુ સફળતા મળી હતી તો બીજા કેટલાક લોકોના અભિપ્રાય મુજબ યાત્રાને ભવ્ય સફળતા મળી હતી. ખાસ વાત એ હતી કે યાત્રાને દરેક રાજ્યમાં અને દરેક જીલ્લામાં આવકાર મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમાં સાહિત્યકારો, કલાકારો વગેરેનો પણ સમાવેશ થતો હતો.
દરેક લોકો સ્વીકાર કરે છે કે યાત્રાને કારણે હવે રાહુલ ગાંધીની “પપ્પુ”વાળી ઈમેજ ખતમ થઈ ગઈ છે. આવી ઈમેજ પેદા કરવા માટે તેમના રાજકીય દુશ્મનોએ હજારો કરોડ રૂપિયા સોશ્યલ મીડિયા દ્વારા અને ગોદી ગલુડિયાઓને સાધીને કુપ્રચાર કરવા પાછળ ખર્ચ્યા હતા. પણ હવે લોકોને પ્રતીતિ થઈ છે કે તેઓ પ્રશ્નને સમજનારા, સ્પષ્ટ ભૂમિકા લેનારા, નિર્ભયતાથી બોલનારા, લોકોની વચ્ચે જવાની ક્ષમતા ધરાવનારા, અદનામાં અદના આદમીને સાચો પ્રેમ કરનારા, જાનની પરવા ન કરનારા, સાતત્ય અને ધીરજ ધરાવનારા, નિર્ભયતા અને વાત્સલ્યનો સમન્વય ધરવાનારા માણસ હોવાની ઈમેજ વિકસી છે. અને એ તો સ્વાભાવિક છે કે આવા ગુણ હોય તો જ જે રીતના પ્રહાર થતા હતા એમાં કોઈ ટકી શકે. રાહુલ ગાંધીને અક્ષરસઃ તોડી નાખવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પણ આ માણસ તુટ્યો નહીં અને ઉપરથી ટટ્ટાર ઊભો રહ્યો એ કોઈ જેવીતેવી સિદ્ધિ નથી. તમે તમારી જાતને રાહુલની જગ્યાએ મુકીને વિચારો; જો દરેક ત્રીજો માણસ તમારી ઠેકડી ઉડાડે તો તમે ટકી શક્યા હોત?
કબૂલ; રાહુલ ગાંધીની યાત્રા સફળ થઈ, રાહુલ ગાંધીની અંગત છબી સુધરી, રાહુલ ગાંધીએ નેતૃત્વક્ષમતા અને પરિશ્રમ કરવાની શક્તિ સાબિત કરી આપી; પણ તેથી શું? ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં અને એ પહેલાં નવ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાઓની ચૂંટણીઓમાં કોંગ્રેસની સ્થિતિ સુધરશે? કોંગ્રેસ બીજેપીને હરાવી શકશે? અન્ય વિરોધ પક્ષોના નેતાઓ રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકારશે? કોંગ્રેસના નેતૃત્વમાં રાષ્ટ્રીય મોરચો આકાર લેશે? કોંગ્રેસ પાસે ગામેગામ લોકોની વચ્ચે જમીન ઉપર કામ કરનારા કાર્યકર્તા જ નથી ત્યાં રાહુલ ગાંધીની મહેનત રાજકીય-ચૂંટણીકીય સફળતામાં પરિણમશે? આખરે સંસદીય લોકતંત્રમાં લોકોના મત દ્વારા થતાં રાજકીય પરિવર્તનનું જ મહત્ત્વ છે. બાકી પ્રશ્નો ઉઠાવવાનું અને લોકોને તેની સમજ આપવાનું કામ તો નાગરિક સમાજના સુજ્ઞ લોકો કરે જ છે. બૌદ્ધિક દૃષ્ટિએ વધારે સારી રીતે કરે છે. તેમને એવા રાજકીય પક્ષની જરૂર છે જે જરૂરી રાજકીય પરિવર્તન કરવામાં ઉપયોગી બને. શું કોંગ્રેસ એનું વાહન બની શકશે?
આવા પ્રશ્નો માત્ર એ લોકોએ ઉપસ્થિતિ નથી કર્યા જેઓ કોંગ્રેસનો વિરોધ કરતા આવ્યા છે, પણ એ લોકોએ પણ ઉપસ્થિતિ કર્યા છે જેઓ બીજેપીના હિંદુ રાષ્ટ્રનો વિરોધ કરે છે અને જેઓ એમ માને છે કે બીજેપીના રાજમાં દેશ તેનો પ્રાણ ગુમાવશે અને ફાસીવાદનો ભોગ બનશે. તેમની નજર ચૂંટણીકીય જય-પરાજય ઉપર છે અને માટે તેઓ રાહુલની પદયાત્રાની ફલશ્રુતિ શું હશે એવો પ્રશ્ન ઉપસ્થિતિ કરે છે. આગળ કહ્યું એમ અંતે તો રાજકીય પરિવર્તન જ મહત્ત્વ ધરાવે છે અને એમ માનવામાં તેઓ ખોટા નથી.
મારી દૃષ્ટિએ રાહુલની યાત્રાને પરિણામે કોઈ મોટાં ચૂંટણીકીય પરિવર્તનો નજીકનાં ભવિષ્યમાં ન થાય તો પણ આ યાત્રા ઐતિહાસિક તો ખરી જ, નિર્ણાયક પણ સાબિત થવાની છે. એ કઈ રીતે એ તપાસીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, બીજેપીની અને નરેન્દ્ર મોદીની કલ્પનાનું ભારત મહદઅંશે દેશની જનતાને સ્વીકૃત ભારત છે અને અત્યાર સુધીનું ગાંધી-નેહરુનું બંધારણીય ભારત વિપથગામી (દેશને ખોટી દિશામાં લઈ જનારું, દેશના આત્માને અસ્વીકાર્ય એવું, અપવાદરૂપે ભટકી પડેલું, અંગ્રેજીમાં કહીએ તો aberration) એવું ભારત હતું એવું એક કલ્પન (મિથ) પેદા કરવામાં આવ્યું હતું અને તેને ઠીકઠીક પ્રમાણમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું.
દેશને અમૃતકાળ હવે લાભ્યો છે અત્યાર સુધી દેશ સેકયુલરિઝમના નામે વિષપાન કરતો હતો એવી એક માન્યતા (નેરેટિવ) પ્રચારિત કરવામાં આવ્યું હતું. ટૂંકમાં સંઘપરિવારની કલ્પનાના ભારતને સાચા ભારત તરીકે, સર્વસ્વીકૃત ભારત તરીકે અને જેની કાગ ડોળે રાહ જોવાતી હતી અને માંડ સાકાર થઈ રહ્યું હોય એવા ભારત તરીકે સ્થાપિત કરવામાં આવી રહ્યું હતું. એની સામે નાગરિક સમાજના વિચારકો અને કર્મશીલો ઊહાપોહ કરતા હતા અને તેને પડકારતા હતા; પણ તેમની વાત અસરકારક રીતે લોકો સુધી પહોંચતી નહોતી. પ્રચાર એવો કરવામાં આવતો હતો કે આની સામે એકલદોકલ સેકયુલરિયાઓને છોડીને કોઈનો વિરોધ જ નથી.
રાહુલ ગાંધીની પદયાત્રાએ આ જે નેરેટિવ પ્રચારિત અને સ્થાપિત કરવામાં આવતું હતું એમાં અસરકારક રીતે ફાંકુ પાડ્યું. મોટા પ્રમાણમાં દેશની જનતાએ, ખાસ કરીને બહુમતી હિંદુઓએ યાત્રામાં જોડાઈને અને તેને ટેકો આપીને દેશ અને દુનિયાને જણાવી દીધું કે અમને સંઘની કલ્પનાનું ભારત સ્વીકાર્ય નથી. અત્યારે જે દિશામાં દેશને લઈ જવામાં આવી રહ્યો છે એ વિપથ છે, સુપથ તો એ હતો જે બંધારણમાં કંડારી આપવામાં આવ્યો છે. ખોંખારો ખાઈને બુલંદ અવાજમાં લોકોએ પોતાની અસ્વીકૃતિ જાહેર કરી જે કરાવવામાં નાગરિક સમાજના નેતાઓ ટૂંકા પડતા હતા. ઘણીવાર વિચારધારા આધારિત સામાજિક ધ્રુવીકરણ ઉપકારક નીવડતું હોય છે એ કરવામાં રાહુલ ગાંધી સફળ નીવડ્યા.
આ અર્થમાં આ યાત્રા ઐતિહાસિક અને નિર્ણાયક બન્ને છે. અને આવું માત્ર હિંદુબહુલ ભારતમાં જ થઈ શકે. પાકિસ્તાનમાં અને અન્ય દેશોમાં બહુમતી પ્રજાએ જ્યારે સહિયારા સમાજને અને સહઅસ્તિત્વને નકારવાનું શરુ કર્યું ત્યારે ત્યાં કોઈ નેતાએ આવી પદયાત્રા કાઢી હોત તો? પ્રજાકીય ધ્રુવીકરણ કર્યું હોત તો? તો એ દેશોનો અને જગતનો ઈતિહાસ જુદો હોત. પણ એવું બન્યું નહીં. એવું માત્ર ભારતમાં જ બની શકે, કારણ કે ભારત માટેનો સુપથ વેદોથી લઈને વિનોબા સુધીનાઓએ કંડારી આપ્યો છે અને એ જ ખરું ભારત છે. આ જ ભારત ટકવાનું છે અને એ જ સનાતન ભારત છે.
આ તો થોડીક વ્યાપક અને વૈચારિક ભૂમિકાએ વાત થઈ. રાહુલ ગાંધીની પદયાત્રા તાત્કાલિક વ્યાવહારિક ભૂમિકાએ તપાસીએ તો પણ નિર્ણાયક છે. ૨૦૧૪માં કોંગ્રેસનો પરાજય થયો એ પછી કોંગ્રેસના નેતાઓને લાગતું હતું ૨૦૦૪માં બન્યું હતું એમ એક (અને વધુમાં વધુ બે) મુદત પછી લોકો શાસકોથી નારાજ થશે અને સત્તાપરિવર્તન કરી આપશે. તેઓ બહુમતી હિંદુઓની લાગણીઓની ચિંતા કરતા હતા અને તેઓ નારાજ ન થાય એ સારુ સેક્યુલર ભૂમિકા લેતા ડરતા હતા. તેઓ ધાર્મિક હિંદુ હોવાનો દેખાવ કરતા હતા, રાહુલ ગાંધી મંદિરોમાં જતા હતા વગેરે.
હવે પ્રજાને, ખાસ કરીને હિંદુઓને રીઝવવાના બધા વેશ ફગાવીને રાહુલ ગાંધીએ અને કોંગ્રેસે સહિયારા સેક્યુલર ભારતના પક્ષે સ્પષ્ટ ભૂમિકા લઈ લીધી છે અને એ દેશ માટે બહુ રાહત આપનારી ઘટના છે. એક પક્ષ એવો છે જે સ્પષ્ટ સેક્યુલર ભૂમિકા લેવામાં અચકાતો નથી. મૂળમાં આ જ કોંગ્રેસની અસ્સલ જમીન હતી જે તેણે ચૂંટણીકીય લાભો માટે સમાધાનો કરી કરીને ક્રમશઃ ગુમાવી દીધી હતી. હવે કોંગ્રેસે અને રાહુલ ગાંધીએ એ અસ્સલ જમીનને ખેડવાનું શરુ કર્યું છે અને એ મોટી આવકાર્ય ઘટના છે. જો એ ખેડાણ પ્રામાણિક હશે અને સાતત્યપૂર્વકનું હશે તો એક દિવસ હિંદુ રાષ્ટ્રનું નેરેટિવ ભૂંસાઈ જશે, કારણ કે એ વિદેશથી આયાત કરેલું છે, આપણું પોતાનું ભાતીગળ નથી.
જિતેન્દ્ર સંઘવી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.