નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ (Congress) સાંસદ (MP) રાહુલ ગાંધીએ (Rahul Gandhi ) લોકસભામાં કૃષિ આંદોલન દરમિયાન ખેડૂતોના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો છે અને સરકાર પાસેથી તેમના પરિવારોને વળતરની માંગ કરી છે. કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન દરમિયાન લગભગ 700 ખેડૂતોના મોત થયા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ (PMModi) દેશ અને ખેડૂતોની માફી માંગી હતી. તેમણે સ્વીકાર્યું છે કે તેના તરફથી ભૂલ થઈ હતી. વધુમાં રાહુલ ગાંધીએ લોકસભામાં ખેડૂતોના આંદોલન પર બોલતા કહ્યું, જ્યારે 30 નવેમ્બરે કૃષિ મંત્રીને પૂછવામાં આવ્યું કે આંદોલનમાં કેટલા ખેડૂતોના મોત થયા? ત્યારે તેના જવાબમાં કૃષિમંત્રીએ કહ્યું કે તેમની પાસે આ અંગે કોઈ ડેટા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે જો સરકાર પાસે કોઈ માહિતી નથી તો અમારી પાસેથી લિસ્ટ લઈ લો. હું ગૃહમાં આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોની સંપૂર્ણ યાદી લાવ્યો છું. રાહુલ ગાંધીએ કહ્યું, ‘પંજાબ સરકારે 400 ખેડૂતોના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. આ ઉપરાંત 152 ખેડૂતોના પરિવારોને સરકારી નોકરી પણ આપવામાં આવી છે. મારી પાસે સંપૂર્ણ યાદી છે. આ સિવાય અમે હરિયાણાના 70 ખેડૂતોની યાદી પણ તૈયાર કરી છે. પરંતુ તમારી સરકાર કહે છે કે તમારી પાસે માર્યા ગયેલા ખેડૂતોની યાદી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે હું ઇચ્છું છું કે ખેડૂતોને તમામ અધિકારો મળવા જોઈએ અને માર્યા ગયેલા પરિવારોને નોકરી મળવી જોઈએ.
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું, તમારી સરકાર કહી રહી છે કે કોઈ ખેડૂત મૃત્યુ પામ્યો નથી. અથવા તમારી પાસે મૃત ખેડૂતોના નામ નથી. તેથી હું તમને આ ડેટા આપવા માંગું છું. રાહુલ ગાંધીએ કહ્યું, હું ઈચ્છું છું કે આ ખેડૂતોને તેમનો હક મળે. તેમના પરિવારજનોને આર્થિક વળતર મળવું જોઈએ.