Business

રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય પ્રશ્નોની સંસદમાં ચર્ચા કરી

ગયા અઠવાડિયે રાહુલ ગાંધીએ લોકસભામાં આપેલા ભાષણની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. એટલા માટે નહીં કે તેમણે છટાદાર ભાષણ આપ્યું હતું, પણ એટલા માટે કે તેમણે મુદ્દાસર ભાષણ આપ્યું હતું અને એ પણ પોતાની પીચ ઉપર રહીને. છટાદાર ભાષણ દરેક વક્તા નથી આપી શકતા. એ એક કલા છે, જે બધાને નથી વરતી અને તેની જરૂર પણ નથી હોતી. ખાસ કરીને સંસદમાં તો જરાય જરૂર નથી હોતી. એક જમાનામાં ડૉ. રામમનોહર લોહિયા, મધુ લિમયે, બેરિસ્ટર નાથ પૈ, એચ. વી. કામથ જેવા સંસદસભ્યો ઇન્દિરા ગાંધીની સરકારને હંફાવતા હતા એ તેમની વાક્પટુતા દ્વારા નહીં, પણ એવા કેટલાક પ્રશ્નો ઉઠાવીને જે સરકારને ડંખતા હતા. વિરોધ પક્ષના સભ્યોનું આ જ તો કામ છે. આમાંના કોઈ અટલબિહારી વાજપેયી કે જ્યોર્જ ફર્નાન્ડીસ જેવા પ્રભાવી વક્તા નહોતા. મોટા ભાગે તો એવું બનતું હોય છે કે પ્રભાવી વક્તાઓ ભાષણ છટાદાર આપતા હોય છે, પણ તેને નીચોવો તો તેમાંથી બે ટીપાં માંડ હાથમાં આવે. તેઓ શબ્દોથી રમતા હોય છે, તથ્યો અને તર્ક દ્વારા નહીં.

રાહુલ ગાંધી સ્લો લર્નર છે એમ તેમના વિષે જે કહેવાય છે તે સાવ ખોટી વાત નથી. પોતાની પીચ પરથી જ સરકાર ઘેરવી જોઈએ એ વાત સમજતા રાહુલ ગાંધીને ખાસો વખત લાગ્યો. તેઓ વર્તમાન શાસકોની પીચ ઉપરથી રમવાની ભૂલ કરતા હતા અને તેમાં તેઓ શાસકોને ઘેરવામાં નિષ્ફળ નીવડતા હતા. આ વખતે હવે એમ લાગે છે કે રાહુલ ગાંધીએ પોતાની ભૂલ સુધારી લીધી છે. લોકસભામાં રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલતાં બે ભારતની વાત કહી હતી. એક ગરીબોનું ભારત અને બીજું શ્રીમંતોનું ભારત. નરેન્દ્ર મોદીની સરકારની નીતિઓને પરિણામે ગરીબો વધારે ગરીબ બની રહ્યાં છે અને શ્રીમંતો વધુ શ્રીમંત. તેમણે યુવકોના ભવિષ્યની અને બેરોજગારીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

તેમણે બે ઉદ્યોગપતિની અર્થતંત્રમાં ઝડપભેર વધતી જતી ઈજારાશાહીનો પ્રશ્ન ઉદ્યોગપતિઓનું નામ લઈને ઉઠાવ્યો હતો. તેમણે શાસકોના તાનાશાહી વલણની વાત ઉઠાવી હતી અને આરોપ કર્યો હતો કે સરકાર લોકશાહી સંસ્થાઓને નિસ્તેજ કરી રહી છે. ફરી વાર તેમણે ન્યાયતંત્ર અને ચૂંટણીપંચનાં નામ લઈને કહ્યું હતું કે સરકાર આ બે સંસ્થાઓની સ્વાયત્તતા અને સ્વતંત્રતા ઉપર શાસકો તરાપ મારી રહ્યા છે. તેમણે સમવાય ભારત (ફેડરલ ઇન્ડિયા)નો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ભારત રાજ્યોનો બનેલો સંઘ છે, સંઘપરિવારની કલ્પનાનું રાષ્ટ્ર નથી.

તેમણે વિદેશનીતિનો પ્રશ્ન ઉઠાવીને કહ્યું હતું કે વર્તમાન સરકારે ચીન અને પાકિસ્તાનને નજીક લાવવાની ભૂલ કરી છે. ચીન અને પાકિસ્તાન એટલાં નજીક ક્યારેય નહોતાં જેટલાં આજે છે. દક્ષિણ એશિયામાં ભારત એકલું પડી ગયું છે અને તેને કોઈની મદદ નથી. ચીન ભારતની છાતી ઉપર બેઠું છે અને સરકાર વાસ્તવિકતાથી ભાગી રહી છે. ભારતની ભૂમિ ઉપર ચીન લશ્કરી મથકો ઊભાં કરી રહ્યું છે એ બધા જાણે છે, પણ સરકાર તેના વિષે ચૂપ છે. સરકાર જગતને ચૌટે ચીનના આક્રમણકારી વલણ વિષે ઉહાપોહ કરતાં પણ શરમાય છે. પડકારો સામે આવે ત્યારે મોં છુપાવી લેવાનું વલણ વર્તમાન શાસકો ધરાવે છે. તેમણે કોવીડ મહામારી અને ખેડૂતોના પ્રશ્નો પણ લોકસભામાં ઉઠાવ્યા હતા.

ખરા રાષ્ટ્રીય પ્રશ્નો આ છે, કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ બુરખો પહેરે કે ન પહેરવો જોઈએ એ રાષ્ટ્રીય પ્રશ્ન નથી. એ તો નડતા પ્રશ્નોથી લોકોનું ધ્યાન બીજે ભટકાવવાની તરકીબ માત્ર છે. આખો દેશ આપણે સેટ કરેલા એજન્ડા ઉપર ચર્ચા કરે એવું તેઓ ઈચ્છે છે. તેમાં તેમની મહારથ છે અને ગોદી મીડિયા તેમ જ સાઈબર સેલ દ્વારા તેમને હાંસિયામાં ધકેલી શકાય છે. રાહુલ ગાંધીએ ખરા રાષ્ટ્રીય પ્રશ્નોને સંસદના ફ્લોર ઉપર આણ્યા એને કારણે રાહુલ ગાંધી અને તેમનું ભાષણ ચર્ચામાં છે. આખો દેશ અને આખું જગત રાહ જોતું હતું કે ભારતની સંસદમાં સતાવનારા પ્રશ્નોની ચર્ચા થાય. વિદેશમાં પણ રાહુલ ગાંધીના ભાષણની ચર્ચા થઈ રહી છે. રાહુલ ગાંધીએ આ ઘણું વહેલું શીખવું જોઈતું હતું.

ફાસીવાદી શાસકોને આમ પણ ભૌતિક વિકાસલક્ષી શાસનમાં રસ હોતો નથી. એને કારણે કોઈને ફાયદો થાય તો સામે કોઈને નુકસાન પણ થાય. કૃષિ કાનૂન આનું ઉદાહરણ છે. એક તો કાયદા પાછા લેવા પડ્યા અને એ પછી પણ ખેડૂતોના બે-પાંચ ટકા મતોનું નુકસાન થશે. પ્રજા વિકાસના લાભાલાભ દ્વારા વિભાજીત થાય એના કરતાં ધર્મના નામે વિભાજીત કરવામાં ફાયદો છે. જે મત આપવાના નથી એ તો આપવાના જ નથી, પણ ઘેટાંઓ નાસી ન જવા જોઈએ. હિંદુ જો ખેડૂત, લશ્કરી જવાન કે વેપારી બનીને લાભાલાભના આધારે નારાજ થાય અને હિંદુ હોવાપણું પાતળું પડે તો નુકસાન થાય. માટે જગત આખાનો ઈતિહાસ તમે જોશો તો તેમાં જોવા મળશે કે ફાસીવાદી શાસકો વિકાસલક્ષી શાસન કરતા નથી.

તેઓ સમાજમાં વિખવાદ પેદા કરશે અને વિખવાદની પીચ પર પ્રજાને વ્યસ્ત રાખશે. તેઓ વિકાસના પર્યાયરૂપે ભવ્ય ઇમારતો બાંધશે, ભવ્ય સ્મારકો બાંધશે, મોટી જાહેરાતો કરશે, લોકોની નજરે પડે એવા મહામાર્ગ બાંધશે, બુલેટ ટ્રેન લાવશે વગેરે. આમાં લોકો પોરસાયેલા રહે, કશુંક થઈ રહ્યું છે તેનો આભાસી અહેસાસ અનુભવે અને હિંદુ બનીને મુસલમાનને લલકાર્યા કરે. શાસકીય નિર્ણયો માત્ર એવા લેવાના જેમાં બહુમતી પ્રજાને વાંધો ન હોય, જેમ કે અયોધ્યાનું મંદિર વગેરે.
૨૦૧૪ થી આ ચાલી રહ્યું છે. રાજકીય નિષ્ણાતો કહી કહીને થાકી ગયા કે ભાઈ, એવા પ્રશ્નો લોકો સમક્ષ ઉપસ્થિત કરો જે ખરા અર્થમાં રાષ્ટ્રીય હિતના પ્રશ્નો છે, લોકોને જે પ્રશ્નો પજવે છે, જે શાસકોને પજવે છે અને જેનાથી શાસકો ભાગવા માગે છે.

રાહુલ ગાંધી કદાચ ધીરેધીરે શીખનારા માણસ હશે, પણ શીખ્યા ખરા એ વાતનો આનંદ છે. હજુ એક બાબતની નોંધ લેવી જોઈએ. આ વખતે સંસદમાં લગભગ દરેક પક્ષોના સભ્યોએ રાષ્ટ્રીય હિતના જ પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. આનું પરિણામ એ આવ્યું કે દેશના વિદેશ પ્રધાને, સંરક્ષણ પ્રધાને અને ખુદ વડા પ્રધાને પ્રતિસાદ આપવો પડ્યો. વડા પ્રધાન ઉકળી ઊઠ્યા એ કોઈ ઓછી ઉપલબ્ધિ છે? અત્યાર સુધી તેઓ ઠેકડી ઉડાડીને હલકે મેં પ્રતિસાદ આપતા હતા.
સામે રાહુલ ગાંધીએ યોગ્ય રીતે જ વડા પ્રધાનના આક્રમણનો પ્રતિસાદ આપ્યો. સાહેબ, તમારે મને કે મારા પક્ષને જેટલી ગાળો આપવી હોય એટલી ગાળો આપો, પણ મેં ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ આપો. પ્રશ્નો પૂછતા રહો અને જવાબ માગતા રહો. નાગરિકોનો નાગરિકધર્મ પણ આ જ છે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top