કર્ણાટક: (Karnataka) કોંગ્રેસે (Congress) કર્ણાટકના યુવાનોને બેરોજગારી ભથ્થું આપવા માટે 4થી ગેરંટી એટલેકે ‘યુવા નિધિ’ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ બેરોજગાર સ્નાતક (Graduates) યુવાનોને 2 વર્ષ માટે 3,000 રૂપિયાની આર્થિક સહાય અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને 1500 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસે તેની પ્રથમ 3 ગેરંટી જાહેર કરી હતી. જેમાં ‘ગૃહ જ્યોતિ’ અંતર્ગત પ્રત્યેક પરિવારો માટે દર મહિને 200 યુનિટ મફત વીજળી તેમજ ‘ગૃહ લક્ષ્મી’ યોજના અંતર્ગત ઘરની દરેક મહિલા વડા માટે દર મહિને રૂ. 2000 અને પરિવારના દરેક સભ્ય માટે 10 કિલો ચોખાની ‘અન્ના ભાગ્ય’ યોજના તરીકે જાહેરાત કરવામાં આવી હતી. હવે કોંગ્રેસે કર્ણાટકના બેરોજગાર યુવાનોના કલ્યાણ માટે ‘યુવા નિધિ’ની જાહેરાત કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, પીસીસી પ્રમુખ ડીકે શિવકુમાર અને સીએલપી નેતા સિદ્ધારમૈયા સાથે કર્ણાટક કોંગ્રેસે આજે કર્ણાટકના લોકો માટે કોંગ્રેસની ચોથી ગેરંટી જાહેર કરી છે. બેલગામમાં ‘યુવા ક્રાંતિ સમાવસ્ક’ ખાતે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘યુવા નિધિ’ પ્રદાન કરવાનું વચન આપ્યું હતું, જેના દ્વારા સ્નાતકની ડિગ્રી ધરાવતા દરેક બેરોજગાર યુવાનોને દર મહિને રૂ. 3000 અને ડિપ્લોમા ધરાવતા દરેક બેરોજગાર યુવકને રૂ. 1500 પ્રતિ મહિને આપવામાં આવશે. બેરોજગાર યુવાનોને 2 વર્ષના સમયગાળા માટે ‘યુવા નિધિ’ આપવામાં આવશે.
રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદી પર કર્યા પ્રહાર
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રાએ આખા દેશને સંદેશ આપ્યો છે કે આ દેશ માત્ર બે-ત્રણ પસંદ કરેલા લોકોનો નહીં પણ સૌનો છે. આ દેશ માત્ર અદાણીજીનો નથી. આ દેશ ખેડૂતોનો દેશ છે, ગરીબોનો દેશ છે. આ યાત્રામાં કોઈ મોટો રથ નહોતો બધા એક સાથે ચાલ્યા હતા. આ યાત્રામાં માનવતા, ભાઈચારો અને એકબીજા પ્રત્યે આદર હતો. આ યાત્રાએ દેશને ભાઈચારાનો સંદેશ આપ્યો અને કર્ણાટકમાં જે પ્રતિસાદ મળ્યો તેવો જ પ્રતિસાદ દરેક રાજ્યમાંથી મળ્યો હતો.
રાહુલે કહ્યું કે કર્ણાટક સરકાર કર્ણાટકમાં યુવાનોને રોજગાર આપવામાં સક્ષમ નથી. એક યુવક નહીં, કર્ણાટકના લાખો યુવાનોએ આવો સંદેશ આપ્યો છે. બીજો સંદેશ માત્ર યુવાનો જ નહીં પરંતુ બધાએ કહ્યું કે કર્ણાટકની સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે. અહીં 40ની ટકા સરકાર છે અને આ સરકારમાં કંઈ કરવું હોય તો 40 ટકા કમિશન આપવું પડે છે. તમે જ મને કહ્યું હતુંંકે કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન અને સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશને ભારતના વડા પ્રધાનને પત્ર લખ્યો હતો કે કર્ણાટકમાં 40% કમિશન લેવામાં આવે છે. ભારતના વડાપ્રધાને આજદિન સુધી તેમના પત્રનો જવાબ આપ્યો નથી.
અહીંના ધારાસભ્યનો પુત્ર 8 કરોડ રૂપિયા સાથે પકડાયો છે અને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકાર તેને રક્ષણ આપે છે. નોકરી કૌભાંડ, PSI કૌભાંડ, આસિસ્ટન્ટ પ્રોફેસર, મદદનીશ ઈજનેર નોકરી કૌભાંડ. આ રહ્યું આટલું મોટું લિસ્ટ, દેશની સૌથી ભ્રષ્ટ સરકાર કર્ણાટકની સરકાર છે.
રાહુલે કહ્યું કે અહીં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કારણ કે અહીં સંપૂર્ણ ફાયદો ચૂંટાયેલા લોકોને જાય છે. મિત્રો મેં દિલ્હીના સંસદ ભવનમાં અદાણીજી વિશે ભાષણ આપ્યું હતું કે ભારતમાં તમામ બિઝનેસ ત્યાં છે, ઉદ્યોગો તેમને સોંપવામાં આવી રહ્યા છે. એરપોર્ટ હોય, બંદરો હોય, રસ્તા હોય, બધું જ અદાણીજીને આપવામાં આવી રહ્યું છે અને અહીં પણ એવું થઈ રહ્યું છે કે જે લોકો ભાજપ સરકારના મિત્રો છે, જેમના સંબંધ છે, તેમને જ પૂરેપૂરો લાભ આપવામાં આવે છે. આને કારણે રાજ્યમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.