રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગયા મહિને 22મી નવેમ્બરે પોતાની ચૂંટણી રેલીમાં પીએમ મોદી (PM Modi) વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. હવે આ મામલે રાહુલ ગાંધીને દિલ્હી હાઈકોર્ટમાંથી (Delhi High Court) ઝટકો લાગ્યો છે. કોર્ટે ચૂંટણી પંચને મોટો નિર્દેશ આપ્યા છે. ન્યાયમૂર્તિ મિની પુષ્કર્ણાનો સમાવેશ કરતી બેન્ચે આદેશ આપ્યો હતો કે જવાબ દાખલ કરવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે અને કોઈ જવાબ પ્રાપ્ત થયો નથી. તે ધ્યાનમાં લેતાં કોર્ટ 8 અઠવાડિયાંની અંદર શક્ય તેટલી ઝડપથી આ મુદ્દા પર નિર્ણય લેવા ચૂંટણીપંચને આદેશ આપે છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને તેમના નિવેદનોને કારણે સમયાંતરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલમાં જ ઉપપ્રમુખ જગદીપ ધનખરની મિમિક્રી કરતો વીડિયો બનાવીને તેમના વિરોધીઓ દ્વારા પણ તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ હવે રાહુલ ગાંધીને દિલ્હી હાઈકોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. કોર્ટે રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદી વિરુદ્ધ ઉપયોગમાં લેવાતા અપશબ્દોને ખોટા ગણાવ્યા છે અને આ મામલે ચૂંટણી પંચને મુખ્ય સૂચનાઓ આપી છે.
ગયા મહિને 22 નવેમ્બરે ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાહુલે પીએમ મોદી માટે પનોતી અને પિકપોકેટ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ મામલાની નોંધ લેતા ચૂંટણી પંચે રાહુલને નોટિસ પણ પાઠવી હતી અને 25 નવેમ્બર સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો.
ચૂંટણી પંચ 8 અઠવાડિયામાં મામલો થાળે પાડે- હાઈકોર્ટ
સમગ્ર મામલાની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 22 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપેલું ભાષણ જેમાં તેમને ‘પિકપોકેટ’ કહેવામાં આવ્યા હતા તે સારું નહોતું. આ સાથે દિલ્હી હાઈકોર્ટે ભારતના ચૂંટણી પંચને આ મામલે 8 અઠવાડિયામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.