ક તરફ બહુ મોટા બજેટવાળી ફિલ્મો બની રહી છે ને બીજી તરફ બજેટને સાચવી ફિલ્મો બનાવવાનું વલણ છે. ટોપ સ્ટારની ફી ખર્ચવા નિર્માતા તૈયાર નથી એટલે એ સ્ટાર્સ પોતે જ કોઇ નિર્માતા, દિગ્દર્શક સાથે અમુક ટકાની પાર્ટનરશીપ કરીને ફિલ્મ બનાવી લે છે. બીજા ઘણા નિર્માતા એવા છે જે પ્રમાણમાં નવા પણ ટેલેન્ટેડ જણાતા હોય એવા અભિનેતા – અભિનેત્રીને લઇ ફિલ્મો બનાવે છે. હવે થિયેટર ન હોય તો OTT પ્લેટફોર્મ પણ છે.
આ જે નવી સ્થિતિ ઊભી થઇ છે તેનો લાભ અનેક નવા કળાકારોને, ટી.વી. થી જાણીતા થયેલા કળાકારોને મળી રહ્યો છે. ઘણીવાર ટી.વી. થી ય જાણીતા ન હોય તો પણ કામ મળી રહે છે. આવા દાખલા ઘણા છે. એક દાખલો રાધિકા મદાનનો પણ લઇ શકો.. દિલ્હીના બિઝનેસમેનની આ દિકરી ‘મેરી આશિકી તુમસે હે’ ટી.વી. સિરીયલમાં આવી હતી અને તરત લોકપ્રિય થઇ ગઇ અને વિશાલ ભારદ્વાજની નજરે ચડતાં ‘પટાખા’ ફિલ્મમાં આવી ગઇ. ફિલ્મ ભલે નિષ્ફળ ગઇ પણ વિશાલ ભારદ્વાજની નજરે ચડી એજ તેની સફળતા હતી અને તેને બીજી ફિલ્મો મળતી ગઇ. એ ફિલ્મો કાંઇ સલમાન કે ઋત્વિક રોશન કે રણબીર કપૂર સાથેની ન હતી. પણ રાધિકા ય ઇચ્છતી નહોતી કે એવા સ્ટાર્સ સાથે ફિલ્મો મળી. ઓછા જાણીતા અને અભિનેતા સાથે ફિલ્મ હોય તો ટેલેન્ટ દેખાડી શકાય. શરૂમાં તો ટેલેન્ટ જ દેખાડવી જરૂરી હોય છે પછી તેમાંથી જે કાંઇ કારકિર્દી બનવાની હોય તો બને.
અત્યારે રાધિકા પાસે પાંચ ફિલ્મો છે અને તેમાંની બે ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ અને હોમી અડાજણિયાની ફિલ્મ તો કમ્પલીટ થઇ ચુકી છે. ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’માં તો રાધિકા મદાન ઉપરાંત રાધિકા આપ્ટે, હુમા કુરેશી અને રાજકુમાર રાવ છે. આ ફિલ્મના દિગ્દર્શક વાસાન બાલાની ‘મર્દ કો દર્દ નહીં હોતા’માં પણ રાધિકા હતી. રાજનબાલા સારા પટકથાકાર પણ છે ને ‘૮૩’ ફિલ્મ તેમની જ લખેલી છે એ જોતાં આ ક્રાઇમ કોમેડી સારી બની હોય એ શકય છે. આ ફિલ્મ નેટફલિકસ પર જ રજૂ થવાની છે. હોમી અડાજણિયા જુદા વિષય પર હંમેશ કામ કરે છે. ‘બિઇંગ સાયરસ’, ‘કોકટેલ’, ‘ફાઇન્ડિંગ ફેની’, ‘રાબતા’, ‘અંગ્રેજી મિડીયમ’ પછી રાધિકા સાથે બનાવેલી ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ચૂકયું છે. હોમી સાથે ‘અંગ્રેજી મિડીયમ’ પછી ફરીવાર તે કામ કરી રહી છે.
અને તે ઉપરાંત નેશનલ એવોર્ડ વિનીંગ ફિલ્મમેકર સુધાંશુ સરીઆની ‘સના’માં તે સના તરીકે આવી રહી છે. રાધિકા મદાન સાથે કામ કરનારા દિગ્દર્શકો તેને ફરી પોતાની નવી ફિલ્મમાં લે છે. તે આવો વિશ્વાસ આપી શકે છે તે સારી વાત કહેવાય. અને તેથી વિશાલ ભારદ્વાજની ‘કુત્તે’માં પણ તે તબુ, કોંકણા સેન અને અર્જૂન કપૂર સાથે આવી રહી છે. હજુ એક ફિલ્મ તે તમિલ ભાષાની ‘સુરારઇ પોટરુ’ની રિમેક. રાધિકા મદાન પાસે તમે આશા રાખી શકો. રાધિકા બહુ બધા અનુભવ પછી ફિલ્મોમાં નથી આવી છતાં તેનો સ્વીકાર થયો છે. તે પણ ફિલ્મો પર જ ફોકસ કરે છે. હા, ગયા વર્ષે ‘રે’ અને ‘ફીલ્સ લાઇક ઇશ્ક’ નામની વેબસિરીઝમાં જરૂર આવી હતી પણ હવે તે બહુ બધા બીજા કામોમાં રોકાતી નથી. લાગે છે કે ૨૦૨૩ માં તે અત્યારથી વધુ ચર્ચામાં આવી હશે. •