વિપક્ષના એક પછી એક નેતાઓ સીબીઆઈના સકંજામાં સપડાઈ રહ્યા છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયા પછી રાબડી દેવીનો વારો આવ્યો છે. ગયા સોમવારે સીબીઆઇએ બિહારનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી રાબડી દેવીની “જમીન સામે નોકરી”કૌભાંડ અંતર્ગત પૂછપરછ કરી હતી. આ કૌભાંડ ૨૦૦૪ થી ૨૦૦૯ ના સમયગાળા દરમ્યાનનું છે જ્યારે લાલુપ્રસાદ યાદવ ભારતના રેલવે મંત્રી હતા. આ કૌભાંડમાં માત્ર રાબડી દેવી જ નહીં પણ રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુપ્રસાદ યાદવ, તેમની બે દીકરીઓ મિસા ભારતી અને હેમા યાદવ તથા જેમને જમીન સામે રેલવેમાં નોકરી મળી તે ૧૨ લોકો પણ ફસાયેલાં છે. સીબીઆઈએ આ દરેક સામે કેસ દાખલ કર્યો છે. સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ મુજબ લાલુપ્રસાદ યાદવે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને અલગ અલગ ૧૨ લોકોને રેલવેના ડી વર્ગમાં નોકરી અપાવી હતી.
આ નોકરીઓની સામે લાલુપ્રસાદ યાદવના પરિવારને શહેરમાં અને અન્ય વિસ્તારોમાં સાત જેટલા જમીનના ટુકડાઓ નગણ્ય ભાવોમાં મળ્યા હતા. આ જમીનો નોકરી મેળવનારના પરિવારની માલિકીની હતી અને લાલુપ્રસાદ યાદવ અથવા તેમનાં પરિવારજનોને પાણીના ભાવે વેચવામાં કે ભેટ ધરવામાં આવી હતી. સીબીઆઇના અંદાજ મુજબ લાલુપ્રસાદ યાદવ અને તેના પરિવારના સદસ્યો દ્વારા જે જમીનના સાત ટુકડાઓ ખરીદવામાં આવ્યા કે પછી તેમણે ભેટ મેળવ્યા, તેનો વિસ્તાર લગભગ એક લાખ ચોરસ ફૂટ છે, જે લગભગ ૨.૪ એકર જેટલો થાય છે. આ જમીનો માટે લાલુપ્રસાદે કુલ ૨૬ લાખ જેટલા જ રૂપિયા ચૂકવ્યા હતા જ્યારે તે સમયના ભાવો મુજબ આજે આ જમીનની કિંમત રૂપિયા ૪.૩૯ કરોડ જેટલી થાય છે. લાલુપ્રસાદ યાદવ ઉપર આરોપ છે કે તેમણે પોતાના રેલવે પ્રધાનના પદનો દુરુપયોગ કરીને ૧૨ જેટલા ગેરલાયક ઉમેદવારોને મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરના રેલવે વિભાગોમાં નોકરી અપાવી હતી.
સીબીઆઇના કહેવા મુજબ આ દરેક નોકરીઓ માટે કોઈ જાહેરાત કે પછી કોઈ જાહેર નોંધ લોકો સમક્ષ મૂકવામાં આવી નહોતી. એવું જાણવા મળ્યું છે કે આ દરેક જગ્યાઓ ભરવા માટે બિનજરૂરી ઉતાવળ કરવામાં આવી હતી. અમુક જગ્યાઓએ તો ઉમેદવારોની અરજી મળ્યાના ફક્ત ત્રણ જ દિવસોમાં નોકરી ઉપર હાજર થવાનો હુકમ મળી ગયો હતો. જબલપુર અને મુંબઈની અમુક જગ્યાઓએ અરજી ઉપરનું સરનામું પણ અધૂરું કે ખોટું હોય અને તેમ છતાં, અરજદારોને વહેલામાં વહેલી તકે નોકરી મળી જાય, એમ પણ બન્યું હતું.
ભારતમાં સરકારી નોકરીઓ મેળવવા માટે કેટલાં વર્ષોનો અભ્યાસ, કેટકેટલી પરીક્ષાઓ, ઇન્ટરવ્યૂ અને બીજા કેટલા કોઠાઓ ભેદવા પડતા હોય છે? એ બધા જાણે જ છે. પરીક્ષામાં એક ગુણથી મેરિટમાં નંબર ન આવવો કે અરજીમાં કોઈ એક ભૂલને કારણે અરજીનો અસ્વીકાર થવો, એ તો બહુ સામાન્ય બાબતો છે. અરે, ચક્રવ્યૂહના દરેક કોઠાઓ ભેદ્યા પછી પણ સરકાર પોતાની ખાલી જગ્યાઓ માટે ભરતી જ બહાર ન પાડે, એમ પણ બની શકે. આવા સંજોગોમાં ઉમેદવારોની મજબૂરીનો લાભ ઉચ્ચ પદાધિકારીઓ બખૂબી લેતા હોય છે.
એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આ નોકરીઓ આપવા સામે લાલુપ્રસાદ અને તેના પરિવારે જમીનના સાત ટુકડાઓ મેળવ્યા હતા. મોટા ભાગની જમીનોનું વેચાણ રોકડેથી થયું હતું તેમ બતાડવામાં આવ્યું છે. તે પૈકી, ત્રણ જમીન લાલુપ્રસાદ યાદવનાં પત્ની રાબડી દેવીના નામે કરવામાં આવી હતી. એક જમીન લાલુપ્રસાદ યાદવની દીકરી મિસા ભારતીના નામે કરવામાં આવી હતી. એક જમીન બેનામી કંપનીને વેચવામાં આવી હતી જે કંપનીના માલિકી હકો ૨૦૧૪ ના વર્ષમાં લાલુપ્રસાદ યાદવના પત્ની અને દીકરીના નામે કરવામાં આવ્યા હતા. ૨૦૧૪ માં રાબડી દેવીએ આ કંપનીના મહત્તમ શેર ખરીદ કર્યા અને તેઓ તેનાં ડિરેક્ટર બન્યા. અન્ય બે જમીનો માટે ભેટનો સોદો કરવામાં આવ્યો હતો અને તે લાલુપ્રસાદ યાદવની દીકરી હેમા યાદવને ભેટ ધરવામાં આવી.
જો કે આ પહેલી વાર નથી કે લાલુપ્રસાદ યાદવ કે તેના પરિવાર ઉપર કોઈને કોઈ પ્રકારના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હોય. ૧૯૯૮માં આવકવેરા ખાતાએ લાલુપ્રસાદ યાદવ ઉપર સરકારની તિજોરીમાંથી ૪૬ લાખ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ મૂક્યો હતો, જેમાં રાબડી દેવી પણ એક સહ આરોપી હતાં. ૨૦૦૬ માં બંનેને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. અતિ પ્રસિદ્ધ એવા ઘાસચારા કૌભાંડમાં લાલુપ્રસાદ યાદવ પાંચ વર્ષ સુધી જેલની હવા ખાઈ આવ્યા હતા. આ કૌભાંડમાં રૂપિયા ૯૫૦ કરોડ જેટલી સરકારી સંપત્તિનો ગેરવહીવટ કરવામાં આવ્યો હતો.
લાલુપ્રસાદ યાદવનાં પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી ઉપર પણ ભૂતકાળમાં અનેક આરોપો લાગ્યા છે, પરંતુ હજી સુધી કોઈ આરોપો પુરવાર થઈ શકયા નથી. લાલુપ્રસાદ યાદવની દીકરી મિસા ભારતી અને તેમના જમાઈ શૈલેષકુમાર ઉપર પણ નાણાંની છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. સીબીઆઇના આરોપો મુજબ આ પહેલાં પણ લાલુપ્રસાદ યાદવ જયારે રેલવે મંત્રી હતા ત્યારે તેમણે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને એક ખાનગી કંપનીને આઈઆરસીટીસીની બે હોટેલો ચલાવવાનો અને સાચવવાનો કોન્ટ્રાક્ટ અપાવ્યો હતો.
આરોપો મુજબ આ કોન્ટ્રાક્ટની સામે એમણે પટણાની મોકાની જમીન મેળવી હતી. સીબીઆઇના કહેવા મુજબ, લાલુપ્રસાદ યાદવે બેંગાલ નાગપુર રેલવેના તાબામાં આવતી રાંચી અને પૂરીની બે હોટલોનું સંચાલન સુજાતા હોટેલ્સને સોંપ્યું હતું. વિજય અને વિનય કોચર આ સુજાતા હોટેલ્સના ડિરેક્ટર છે. આ સોદાના બદલામાં ડિલાઇટ માર્કેટિંગ નામની બેનામી કંપની દ્વારા લાલુપ્રસાદ યાદવે પટણાની એક બહુમૂલી જમીન મેળવી હતી એવું સીબીઆઈનું કહેવું છે.
વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૪ દરમ્યાન ડિલાઇટ માર્કેટિંગ કંપનીની માલિકી કટકે કટકે રાબડી દેવી અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેમ જ બિહારના હાલના નાયબ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવના નામે કરવામાં આવી હતી. સીબીઆઇએ માતા અને પુત્ર સામે કેસ ફાઇલ કર્યો હતો. જો કે માતા અને પુત્રને જામીન મળી ગયા છે અને તેજસ્વી યાદવને જામીન ન આપવાની સીબીઆઈની અરજીને હાલમાં જ દિલ્હીની એક અદાલતે ફગાવી દીધી હતી. ઘાસચારા કૌભાંડમાં લાલુપ્રસાદ યાદવે પોતાની ખુરશી ગુમાવી હતી ત્યારે તેમણે સિફતપૂર્વક પોતાની પત્નીને મુખ્ય મંત્રી બનાવી, બિહારની લગામ પોતાના હાથમાં જ રાખી હતી. આજે તેમનો દીકરો તેજસ્વી યાદવ નાયબ મુખ્ય મંત્રી છે.
લાલુપ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની લોકપ્રિયતા જોતાં એવું માનવામાં આવે છે કે બિહારની વર્ષ ૨૦૨૪ની આગામી વિધાનસભા ચૂંટણીમાં તેજસ્વી યાદવ મુખ્ય મંત્રી બની શકે છે. “સરકાર જેની હોય તેના ઇશારા પર સીબીઆઇ કામ કરે છે”જેવાં નિવેદનો તેજસ્વી યાદવે આપ્યાં છે અને એટલે પણ સીબીઆઇને તેજસ્વી યાદવના જામીન રદ કરવા છે. જો તેજસ્વી યાદવને કોઈ કૌભાંડમાં સંડોવી શકાય કે લાલુપ્રસાદ યાદવ અને તેના પરિવારના સદસ્યો કોઈ પણ કૌભાંડમાં ગુનેગાર પુરવાર થાય તો આવતા વર્ષની ચૂંટણીઓ પર તેની ગંભીર અસર પડી શકે છે. પંદર વર્ષ જૂના કૌભાંડને આ સમયે ફરી તાજું કરવા પાછળ ભાજપની કોઈ ચાલ હોય એવું લાગી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે