Charchapatra

રાબિયા: મિડલ ઇસ્ટની મીરાં

ઇરાકમાં બસરા શહેરમાં જન્મેલી રાબિયા ઇમ્લામની પહેલી સુફી સંત હતી. તેનો જન્મ 717ની સાલમાં થયો હતો. અરેબિક ભાષામાં રાબિયાનો અર્થ ‘વસંત’ થાય છે. તેનો બીજો અર્થ ‘બાગ’ પણ થાય છે. તે તેના માતા પિતાનું ચોથુ સંતાન હતી. તેથી પણ તેનું નામ રાબિયા રાખવામાં આવ્યું હતું. તેનું કુટુંબ ઘણું ગરીબ હતું તે ખુબ નાની હતી ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું હતું. તેના માતા પિતાના આગ્રહથી એક ઓફિસર સાથે લગ્ન થયા હતા પણ તે તેના પતિ સાથે શારીરિક સંબંધ કદી રાખતી નહોતી. તે તો માત્ર દિન-રાત અલ્લાહની ભકિતમાં જ લીન રહેતી હતી.

તેના પતિએ તેથી બીજી શાદી કરી લીધી હતી. એક દિવસ મહાત્મા હસન બસરાઇ સંત રાબિયાને મળવા આવ્યા. તેમણે રાબિયાને પૂછયું કે લોકો કેમ તમને આટલો બધો પ્રેમ કરે છે? તેમણે કહ્યું કે લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ પણ મને ઇશ્વર પ્રત્યેનો પ્રેમ છે એવું લાગે છે. મહાત્મા હસને પૂછયું કે તમારા બહેરા પર હંમેશા અનન્ય શાંતિ દેખાય છે. તેનું કારણ શું? રાબિયાએ જવાબ આપ્યો કે હું મારી જાતને ભૂલી ગઇ છું. હું માત્ર ને માત્ર અલ્લાહમાં ખોવાયેલી રહું છું. હવે મારે કંઇ કરવાપણું રહ્યું હોય એવું મને લાગતું જ નથી.

મહાત્મા હસન રાબિયાને ચરણે પડી ગયા અને બોલ્યા કે રાબિયા સકાચે જ તમે એક મહાન સંત છો. પ્રભુ પ્રત્યેનું આવું સમર્પણ મેં કયાંય જોયું નથી. હું તમને મારા ગુરુનું સ્થાન આપું છું. રાબિયાએ ઉભા થઇને મહાત્મા હસનને વંદન કર્યા અને બોલ્યા કે હું કોઇની ગુરુ બની શકું તેવું સામર્થ્ય મારામાં નથી. મહાત્મા આંખોમાં અશ્રુ સાથે વિદાય થયા. પ્રભુ પ્રત્યેના સાચા અમર્પણમાં જ શાંતિ પ્રાપ્ત થાય છે એવી વાત તો કૃષ્ણએ અર્જુનને ગીતામાં કહી જ છે. રાબિયાનું 80 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. રાબિયા મીડલ ઇસ્ટની મીરા હતી એવું કહી શકાય.
શિકાગો    – ડો. કિરીટ એન. ડુમસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top