Columns

રાહુલ ગાંધીના ‘ભારત જોડો’અભિયાન સામે ગોવામાં ‘કોંગ્રેસ છોડો’અભિયાન

કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. ૨૦૧૯ ની ચૂંટણીમાં ધબડકાને પગલે રીસાઈ ગયેલા રાહુલ ગાંધીને સમજાવીને માંડ ‘ભારત જોડો’અભિયાન ચાલુ કરાવ્યું ત્યાં ગોવાના કોંગ્રેસ પક્ષમાં સામુહિક પક્ષાંતર થયું છે. ગોવામાં કોંગ્રેસના ૧૧ વિધાનસભ્યો હતા તેમાંથી ૮ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાયેલા વિધાનસભ્યોમાં ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગંબર કામત, વિધાનસભામાં વિપક્ષના નેતા માઇકલ લોબો અને તેમનાં પત્ની દેલિલાહ લોબોનો સમાવેશ થાય છે. જુલાઈ મહિનામાં ગોવાના કોંગ્રેસી વિધાનસભ્યો સાગમટે કોંગ્રેસમાં જોડાઈ જવાના છે, તેવી વાત આવી હતી, પણ મામલો સેટ ન થતાં તે હિલચાલ પડતી મૂકવામાં આવી હતી. આ વખતે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગંબર કામત પોતાની બાજી બરાબર ખેલ્યા છે. કોંગ્રેસના ૧૧ પૈકી ૮ વિધાનસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હોવાથી બે તૃતિયાંશ સભ્યો થઈ ગયા છે, જેને ટેકનિકલ ભાષામાં મર્જર કહેવામાં આવે છે. કોંગ્રેસના બે તૃતિયાંશ વિધાનસભ્યોનું જૂથ ભાજપમાં વિલીન થઈ ગયું હોવાથી હવે તેમને પક્ષાંતર ધારો લાગુ નહીં પડે અને તેમનું વિધાનસભ્યપદ ચાલુ રહેશે.

ગોવાની વિધાનસભાની ચૂંટણી આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં જ થઈ હતી. ત્યારે ૪૦ સભ્યોની વિધાનસભામાં ભાજપને ૨૦ બેઠકો મળી હતી અને કોંગ્રેસને ૧૧ બેઠકો મળી હતી. ભાજપે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પક્ષના બે અને ત્રણ અપક્ષ વિધાનસભ્યોના ટેકા સાથે સરકાર બનાવી હતી. જુલાઈ મહિનામાં તેમણે કોંગ્રેસમાં ભંગાણ પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમાં સફળતા મળી નહોતી. આ વખતે તેમણે પાકું ઘરકામ કરીને સફળતાપૂર્વક કોંગ્રેસ વિધાનસભા પક્ષમાં ગાબડું પાડ્યું છે. ૪૦ સભ્યોની વિધાનસભામાં હવે ભાજપને ૩૩ સભ્યોનો ટેકો છે, જેમાંના ૨૦ જ ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા છે. ગોવામાં કટોકટીની ગંધ આવતાં મોવડીમંડળે પીઢ નેતા મુકુલ વાસનિકને ડેમેજ કન્ટ્રોલ માટે મોકલ્યા હતા, પણ તેઓ ‘કોંગ્રેસ છોડો’અભિયાન રોકી શક્યા નથી.

આજથી આશરે બે વર્ષ પહેલાં, ૨૦૧૯ ના જુલાઈમાં ગોવા કોંગ્રેસના ૧૫ વિધાનસભ્યો પૈકી ૧૦ વિધાનસભ્યો ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસની ફજેતી થઈ હતી. ફરી ૨૦૨૨ ના માર્ચમાં વિધાનસભાની ચૂંટણી આવતા ગોવાની કોંગ્રેસ દ્વારા મતદારોને વચન આપવામાં આવ્યું હતું કે જો તેઓ કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટશે તો ૨૦૧૯ નું પુનરાવર્તન નહીં થાય. મતદારોને ભરોસો અપાવવા કોંગ્રેસના નેતા દિગંબર કામત અને માઇકલ લોબો તેમના ૩૬ ઉમેદવારોને પહેલાં મહાલક્ષ્મી મંદિરમાં લઈ ગયા હતા અને તેમની પાસે દેવીની સાક્ષીએ કોંગ્રેસને વફાદાર રહેવાના સોગંદ લેવડાવવામાં આવ્યા હતા. તેનાથી સંતોષ ન થતાં તેમને બાંબોલિનના હોલી ક્રોસ ચર્ચમાં પણ લઈ જવામાં આવ્યા હતા અને ઇસુ ખ્રિસ્તની સાક્ષીએ તેમને કોંગ્રેસને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમાંના ૩૪ ને બિટિમમાં આવેલી હમઝા ખાસ દરગાહમાં લઈ જવામાં આવ્યા હતા અને અલ્લાહની સાક્ષીએ વફાદારીના સોગંદ લેવડાવવામાં આવ્યા હતા.

મહાલક્ષ્મી દેવી, ઇસુ ખ્રિસ્ત અને અલ્લાહની સાક્ષીએ પક્ષને વફાદાર રહેવાના સોગંદ લીધા પછી કોંગ્રેસના નેતા દિગંબર કામતે સૂચક નિવેદન કર્યું હતું કે ‘‘અમને પરમ શક્તિમાન ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા છે. અમે ઈશ્વરથી ડરનારા લોકો છીએ. આ કારણે અમે પ્રતિજ્ઞા લીધી છે કે અમે કોઈ સંયોગોમાં પક્ષપલટો કરીશું નહીં. આ બાબતમાં અમે બહુ ગંભીર છીએ. અમે કોઈ પક્ષને અમારા વિધાનસભ્યોનો શિકાર કરવા નહીં દઈએ. આવી જાહેરાત કરનારા દિગંબર કામતે જ ભાજપમાં જોડાઈ જવાની આગેવાની લીધી હતી. તેમનાં આ પગલાં પરથી નક્કી થાય છે કે તેમને ઈશ્વરમાં કે અલ્લાહમાં શ્રદ્ધા નથી અને તેમને પાપની સજા ભોગવવી પડશે તેવો ડર પણ નથી. આવા લોકો ભાજપમાં જોડાયા પછી પવિત્ર થઈ જશે અને તેમને પ્રધાનપદું પણ આપવામાં આવશે.

કોંગ્રેસના ૩૬ ઉમેદવારો મંદિર, મસ્જિદ અને ચર્ચમાં જઈને સોગંદ લઈ આવ્યા તે પછી પણ પક્ષના નેતાઓને તેમના પર ભરોસો ન બેઠો ત્યારે તેમની પાસે રાહુલ ગાંધીની હાજરીમાં તા. ૪ ફેબ્રુઆરીના રોજ એક સોગંદનામાં પર સહી કરાવવામાં આવી હતી, જેમાં તેમણે જાહેર કર્યું હતું કે તેઓ પક્ષપલટો નહીં કરે. ત્યારે ભાજપે ટીકા કરી હતી કે કોંગ્રેસને તેના ઉમેદવારો પર ભરોસો ન હોય તો મતદારો તેમના પર કેમ ભરોસો રાખશે? રાહુલ ગાંધીએ તેનો જવાબ આપતાં મડગાંવની જાહેર સભામાં કહ્યું હતું કે ‘‘અમને અમારા ઉમેદવારો ઉપર ભરોસો નથી, તેવું નથી, પણ તેઓ પક્ષપલટો ન કરવા બાબતમાં કેટલા મક્કમ છે, તે મતદારોને જણાવવા માટે તેમણે સોગંદ ખાધા છે.’’

૨૦૧૯ માં કોંગ્રેસના ૧૫ પૈકી ૧૧ વિધાનસભ્યો ભાજપમાં જોડાઈ ગયા તે પછી કોંગ્રેસે કોઈ બળવાખોરને ૨૦૨૨ ની ચૂંટણીમાં ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો હતો. તેણે ૩૬ પૈકી લગભગ મોટા ભાગના નવા ઉમેદવારોને ટિકિટ આપી હતી. તેમાં દિગંબર કામત જૂના જોગી હતા. તેઓ ભૂતકાળમાં ભાજપનું પાણી પણ પી આવ્યા હતા. દિગંબર કામતે પોતાની રાજકીય કારકીર્દિનો પ્રારંભ કોંગ્રેસથી કર્યો હતો, પણ ૧૯૯૪ માં તેઓ ભાજપમાં જોડાયા હતા. બે વખત તેઓ ભાજપની ટિકિટ ઉપર વિધાનસભામાં ચૂંટાયા હતા.

૨૦૦૫ માં મનોહર પારિકરની ભાજપ સરકારના પતનમાં દિગંબર કામત નિમિત્ત બન્યા હતા. ૨૦૦૫ માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ૨૦૦૭ થી ૨૦૧૨ દરમિયાન તેઓ ગોવાના મુખ્ય પ્રધાન રહ્યા હતા. ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા એકમાત્ર વિધાનસભ્ય હતા. ૨૦૧૭ માં કોંગ્રેસના કુલ ૧૭ વિધાનસભ્યો ચૂંટાયા હતા, પણ તેમાંના ૧૦ ભાજપમાં જોડાઈ ગયા હતા. એક વિધાનસભ્ય ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયો હતો તો એક તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયો હતો. પીઢ કોંગ્રેસી નેતા પ્રતાપ સિંહ રાણેએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો તો એક સભ્ય અપક્ષ તરીકે ચૂંટણી લડ્યો હતો.

આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી ગોવા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય અપાવવામાં દિગંબર કામત નિષ્ફળ ગયા તે પછી તેમને રિટાયર્ડ કરી દેવામાં આવ્યા હતા. વિધાનસભામાં વિપક્ષી નેતાનો હોદ્દો ભાજપમાંથી પક્ષપલટો કરીને આવેલા માઇકલ લોબોને સોંપી દેવામાં આવ્યો હતો તો પ્રદેશ કોંગ્રેસના પ્રમુખનો હોદ્દો ૩૮ વર્ષના અમિત પાટકરને સોંપવામાં આવ્યો હતો. ૬૮ વર્ષના દિગંબર કામતનો સમાવેશ કોંગ્રેસ કારોબારીમાં કરવામાં આવ્યો હતો. હવે દિગંબર કામતે ભાજપમાં જોડાઇને કોંગ્રેસ પ્રત્યેની પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયેલા માઇકલ લોબો વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં હતા અને પ્રધાનપદું પણ ભોગવતા હતા. સરકારમાં એક પ્રધાન વિશ્વજીત રાણે વચ્ચે ચકમક ઝરતાં તેમણે ભાજપ છોડી હતી. ચૂંટણીમાં કોંગ્રેસને ચાર બેઠકો પર વિજય અપાવવામાં તેમનો ફાળો હતો. જુલાઈ મહિનામાં તેમણે પક્ષપલટાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો તે પછી વિપક્ષી નેતા તરીકે તેમને હટાવવામાં આવ્યા હતા. તેમના નાણાંકીય વહેવારો બાબતમાં કેન્દ્રીય સંસ્થાઓ તપાસ કરી રહી છે, તેવા હેવાલોને પગલે તેમણે ભાજપનું શરણું સ્વીકાર્યું છે. ગોવાની વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ૧૧ પૈકી હવે રોકડા ત્રણ વિધાનસભ્યો જ બાકી રહ્યા છે.
 – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top