નડિયાદ: નડિયાદ શહેરમાં આઈકોનિક બસમથકની કામગીરી ઝડપી કરવા, સીટીબસ સેવા શરૂ કરવા, વૈશાલી ગરનાળું પહોળુ કરવા સહિતના વિવિધ 16 પ્રશ્નોનો વહેલીતકે ઉકેલ લાવવા નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતી દ્વારા માંગ કરવામાં આવી છે. નડિયાદ શહેરમાં વિકાસના નામે મસમોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ, આ જાહેરાતો માત્ર કાગળ પર જ રહી જતી હોય છે. આવી જ એક જાહેરાત નડિયાદ શહેરમાં આઈકોનિક બસમથક બનાવવાની કરવામાં આવી હતી. આઈકોનિક બસમથક બનાવવા માટે જે માટે શહેરનું નવું નક્કોર બસસ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું હતું અને સુવિધા વગરના જુના બસસ્ટેન્ડથી તમામ બસોનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું હતું.
પરંતુ, બાદમાં એસ.ટી વિભાગ અને રેલ્વે વિભાગ વચ્ચે જમીન બાબતે વિવાદ થતાં આઈકોનિક બસમથકનો પ્રોજેક્ટ અભેરાઈએ ચઢી ગયો હતો. જેના ઘણાં વર્ષો બાદ સત્તાધારી પક્ષના નેતાઓએ ચુંટણી ટાણે રાજકીય લાભ મેળવવા માટે આઈકોનિક બસમથકની કામગીરી ટુંક સમયમાં ચાલુ થઈ જશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ, તેના ઘણાં મહિનાઓ સુધી કામગીરી શરૂ થઈ ન હતી. જેને પગલે શહેરીજનોમાં ભારે રોષ ફેલાયો હતો. આ માટે ઘણી સંસ્થાઓ તેમજ જાગૃત નાગરીકોએ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી, બસમથકની કામગીરી શરૂ કરવા માંગ કરી હતી.
જેને ધ્યાનમાં રાખી થોડા મહિનાઓ અગાઉ જ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ, આ કામગીરી ખુબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. જો આમને આમ કામગીરી ચાલે તો આવનાર 5 વર્ષે પણ બસ સ્ટેન્ડ તૈયાર થશે નહી તેવુ જાગૃત લોકો જણાવી રહ્યા છે. ત્યારે મંથરગતિએ ચાલતા બસ સ્ટેન્ડનુ કામ બુલેટ ગતિએ ચલાવવા તેમજ વહેલી તકે નિર્માણ કાર્ય પૂર્ણ કરી, લોકાર્પણ કરાય તેવી માંગણી નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિએ કરી છે.
આ ઉપરાંત નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતી દ્વારા શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતું વૈશાલી ગરનાળું પહોળું કરવા, શહેરમાં સીટીબસ સેવા સત્વરે શરૂ કરવા, નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવો, જૂની જેલની જગ્યા નો સદઉપયોગ કરો, જિલ્લા લાઇબ્રેરી માટે જગ્યા ફાળવવા, નડિયાદ પશ્ચિમમાં અગ્નિશામક સેન્ટર તેમજ સ્મશાન ગૃહ બનાવવા, ઓપન થિયેટર અને ટાઉનહોલનું નવિનીકરણ કરવા, શહેરમાં નવા ઉદ્યોગો લાવી બેરોજગારી દૂર કરવા, શહેરમાં રખડતા ઢોર અને શ્વાનના ત્રાસને દૂર કરવા તેમજ ખુલ્લા કાંસ બંધ કરવાની માંગણીઓ કરી છે. અગાઉ આ તમામ મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆતો પણ કરી હોવાનું પશ્ચિમ નાગરિક સમિતિના પ્રમુખ નરેન્દ્ર નકુમે જણાવ્યું છે.