Charchapatra

વિધાનસભામાં ઓનલાઇન પ્રશ્નો પૂછી શકાશે

અખબારી અહેવાલ અનુસાર વિધાનસભાની વેબસાઇટના માધ્યમથી હવે ગુજરાતનો કોઇ પણ વ્યકિત મંત્રી અને ધારાસભ્યને ઓનલાઇન સવાલ પૂછી શકશે. ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ અત્યારે લેખિતમાં પ્રશ્નો પૂછવા પડે છે પણ આગામી દિવસોમાં ધારાસભ્યો ઓનલાઇન પ્રશ્ન પૂછી શકશે. વિધાનસભામાં ધારાસભ્યોએ કયા પ્રશ્ન ઉપરાંત કયા વિભાગની રજૂઆત કરી તે પણ ઓનલાઇન જાણી શકાશે. જેમકે એક ધારાસભ્યે પીવાના પાણીનો વિધાનસભા ગૃહમાં પ્રશ્ન (મુદ્દો) ઉઠાવી વાત કરી હશે તો પાણી પુરવઠા વિભાગને લઇને કયા પક્ષના ધારાસભ્યે કેવી રજૂઆત કરી તે બધુંય એક સામટું ઓનલાઇન જોઇ શકાશે.

એટલે વિભાગવાર ધારાસભ્યોની રજૂઆતો વિશે જાણવા મળશે. આગામી સત્રમાં વિધાનસભામાં બધીય કામગીરી પેપરલેસ હશે. વિધાનસભામાં પસાર થતાં વિધેયકોથી માંડીને પ્રશ્નોત્તરી પણ હવે ઓનલાઇન જ જોવા મળશે. ઘરે બેઠા વિધાનસભાના બધાય દસ્તાવેજો જોઇ શકાશે અને માહિતી મેળવી શકાશે. ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ અને સામાન્ય વ્યકિતના સીધા સંપર્ક બની રહે તે માટે ગુજરાત સરકાર ગુજરાત વિધાનસભાની વેબસાઇટને નવો ઓપ આપી રહી છે તે સ્તુત્ય આવકારદાયક અને સરાહનિય (પ્રશંસનીય) છે. આવી પ્રણાલી વેબસાઇટ સંસદ ગૃહ માટે પણ અપનાવવાની જરૂર છે.
પાલનપુર          – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અંતઃકરણ
મનુષ્યે પોતાના અંતઃકરણને સ્વસ્થ-શુદ્ધ રાખવું જોઈએ. જો અંતઃકરણશુદ્ધિ હશે તો જ બહારના માનવીય વ્યવહારો-સંબંધોની યોગ્ય રક્ષા કરી શકાશે. દરેક માનવીએ મનના વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરવા જોઈએ. કેટલાક તો હૃદયના ભાવ સ્પષ્ટ થઈ ન જાય તે માટે મનના વિચારોને પણ સંતાડી રાખે છે. અંતઃકરણ શુદ્ધિ હોય તો જ માનવીય વ્યવહારોમાં શુદ્ધિ આવે છે. મનમાં મેલ રાખીને ફરવામાં જોખમ રહેલું હોય છે. મનનો મેલ દૂર કરી શકીએ તો પવિત્રતા આવે અને ચિત્તશુદ્ધિ થઈ શકે.

પરિણામે દિલમાં સત્યનો ભાવ જાગ્રત થાય. કેટલીક વાર માનવીનું મન પોતાનું કામ યોગ્ય રીતે કરી ન શકે તેવા વિઘ્નો તે માટે સત્ત્વ, રજસ્ કે તમોગુણ કારણભૂત બને છે. વળી ક્યારેક મનના ખોટા ભ્રમને કારણે વસ્તુ કે પરિસ્થિતિનું ખોટું જ્ઞાન થાય અને મનમાં દોષ પેદા થાય છે. ટૂંકમાં કહીએ તો મોટે ભાગે અજ્ઞાનને કારણે મનમાં દોષ પેદા થાય છે. આપણે મનના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકીએ તો અંતઃકરણ શુદ્ધિ આવે અને તમામ માનવીય વ્યવહારમાં શુદ્ધિ આવી શકે છે. ખોટા ભ્રમને દૂર ભગાવીએ, ભીતર શુદ્ધિ રાખીએ અને બહાર પણ શુદ્ધિ રાખીએ. માનવીય વ્યવહારોની ગરિમા સાચવીએ.
નવસારી કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top