એક પછી એક પરીક્ષાના પેપરો ફૂટી રહ્યાં છે તો સરકાર તેને ગેરરિતી જેવો શબ્દ આપીને મામલા ઉપર ઠંડુ પાણી રેડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જુવારમાંથી જે રીતે ધાણી ફૂટે છે તેટલી જ ઝડપથી રોજે રોજ પ્રશ્નપત્ર ફૂટી રહ્યાં છે. પહેલા વિદ્યાર્થીઓ એવી વાત કરતા હતા કે પરીક્ષાની મોસમ આવી ગઇ છે પરંતુ હવે એવી વાત ચાલે છે કે પ્રશ્નપત્રો ફૂટવાની મોસમ આવી ગઇ છે. વિદ્યાર્થી આખુ વર્ષ મહેનત કરી કરીને થાકી જાય છે અને છેલ્લે પરીક્ષાનું પ્રશ્ન પત્ર ફૂટી જાય છે. પહેલા જ્યારે પણ આવી ઘટના બનતી ત્યારે સમાચાર પત્રોમાં સૌથી ટોપ પર છપાતા હતા પરંતુ હવે આવી ઘટનાઓ એટલી હદે બની રહી છે કે આવી ઘટનાઓ સમાચાર પત્રોમાં પણ નીચે આવવા લાગી છે.
હદ તો ત્યારે થઇ ગઇ કે, ભાવનગરમાં સાતમાં ધોરણના પેપર ચોરાવાની ઘટના પ્રકાશમાં આવી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ આલમને લાંછન લગાડનારી પેપર ચોરીની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. શાળાના જ બે વિદ્યાર્થીએ પેપર ચોરીનો ખેલ પાડતા રાજ્યના શિક્ષણ વિભાગે ધો.૭ની પરીક્ષાના બાકી રહેલા તમામ પેપર રદકરી મહિનાના અંતમાં પરીક્ષા યોજવા નિર્ણય લીધો છે. ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે પણ તાબડતોડ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી કાયદાના સંઘર્ષમાં રહેલા બંને વિદ્યાર્થીઓ પાસેથી ચોરી કરાયેલા તમામ વિષયના ૨૨ પેપર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સરકારી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટવાથી લઈ વાયરલ કરવા જેવી લાંછનરૂપ ઘટના બાદ હવે રાજ્યના શિક્ષણ મંત્રીના જ પ્રાથમિક શાળાની પરીક્ષાનું પેપર ચોરી કરવાની ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ સાથે ભારે ચકચાર જાગી છે. તો બીજી તરફ સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બુધવારે બપોરે 2 થી 4 દરમિયાન બી.કોમ સેમેસ્ટર-6ની ઇકોનોમિક્સ અને બી.એની અંગ્રેજી, ગુજરાતી, ઇતિહાસ તેમજ હોમસાયન્સની પરીક્ષા હતી. જોકે 20મીએ લેવાનારી પરીક્ષાના પ્રશ્નપત્રનું બોક્સ 19મી તારીખે જ વાડીયા વિમેન્સ કોલેજ ઉપર પરીક્ષા સુપરિન્ટેડન્ટ દ્વારા ખોલી નખાતા પેપર લીક થયાના આક્ષેપ થયા હતા.
જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ અંગે પરીક્ષા સુપ્રિટેન્ડન્ટ પાસે ખુલાસો મંગાવવામાં આવ્યા બાદ ઇકોનોમિક્સ સહિત પાંચેય પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. યુનિવર્સિટીએ હવે આગામી 28 એપ્રિલ ગુરૂવારના રોજ રદ કરાયેલી પરીક્ષા લેવા પરિપત્ર બહાર પાડ્યો છે. નર્મદ યુનિ. દ્વારા બીકોમ અને બીએ સેમેસ્ટર-6ની આજે પરીક્ષા શરૂ જ થઇ હતી ત્યારે રદ કરવાનો આદેશ કરી દેવાયો હતો. બન્યું એવું હતું કે બી.કોમ અને બી.એ.સેમેસ્ટર-6ના ઇકોનોમિક્સ, હિસ્ટ્રી, હોમસાયન્સ, ગુજરાતી અંગ્રેજી સહિતના પ્રશ્નપત્રનું બોક્સ ગઇકાલે જ ખોલી નાંખવામાં આવ્યું હતું.
વાડીયા વિમેન્સ કોલેજના એક્ઝામ સુપ્રિટેન્ડન્ટને બી.કોમ સેમેસ્ટર-6નું ઇકોનોમિક્સનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને વહેંચી પણ દીધું હતું. ત્યારબાદ ભૂલ થઇ હોવાનું ધ્યાને આવતા પ્રશ્નપત્ર પરત લઇને બોક્સને બંધ કરી દેવાયું હતું. પરંતુ વિદ્યાર્થીઓએ પ્રશ્નો વાંચી લીધા હોય સોશિયલ મીડિયામાં પ્રશ્નો ફરતા થઇ જતા હોબાળો મચી ગયો હતો. આ મામલાને સરકારી બાબુઓ તો સાહજિકતાથી લે તે સમજી શકાય છે પરંતુ જેમને વહિટવ કરવા માટે પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે તે પણ આવી ઘટનાઓમાં આંખ ઉપર પાટા બાંધી દે તે ખૂબ જ ગંભીર કહી શકાય તેમ છે. ગુજરાતમાં હાલમાં ભાજપની સરકાર ચાલી રહી છે. પરંતુ કમનસીબી એ છે કે, વારંવાર થતાં છબરડાઓ સામે ભાજપના સંગઠનમાં બેઠેલા લોકો પણ ચૂપચાપ તમાશો જોઇ રહ્યાં છે.