Columns

એક હતી રાજકુમારી! મહારાણી એલિઝાબેથ કે જે…

એક, બે નહીં 7-7 દાયકાઓ સુધી પોતાની પ્રજાનો વિશ્વાસ જાળવી રાખવો અને એ પણ એક મહિલા શાસક દ્વારા! બ્રિટનની રાણી એલિઝાબેથનું શાસન લગભગ 7 દાયકા લાંબું રહ્યું. બ્રિટનના ઇતિહાસમાં  સૌથી લાંબો સમય. આ દરમિયાન અનેક ઊથલપાથલ થઈ હતી પણ આ મક્કમ મનોબળની મહિલાએ સિંહાસન પ્રત્યેની પોતાની જવાબદારીઓ નિભાવી હતી. ક્વીન એલિઝાબેથને તેમની જવાબદારી નિભાવવાના મજબૂત સંકલ્પ માટે હંમેશાં યાદ કરવામાં આવશે. ક્વીને પોતાનું આખું જીવન તાજ અને તેના લોકોના નામે સમર્પિત કર્યું હતું. તેમના 70 વર્ષના શાસન દરમિયાન માત્ર ઈંગ્લેન્ડ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ભારે ઊથલપાથલના સમયગાળામાંથી પસાર થયું હતું. ક્યારેક આર્થિક પડકારો, તો ક્યારેક રાજકીય સંકટ. આ બધી આફતો વચ્ચે પ્રજામાં વિશ્વાસ જગાવવા માટે એક જ નામ હતું, રાણી એલિઝાબેથ.

એલિઝાબેથ એવા સમયે બ્રિટનના ક્વીન બન્યાં હતાં, જ્યારે સમગ્ર વિશ્વમાં બ્રિટનનો દરજ્જો ઘટી રહ્યો હતો. સમાજમાં ક્રાંતિકારી પરિવર્તનો આવી રહ્યાં હતાં. બ્રિટનમાં ઘણા લોકો રાજાશાહીની ભૂમિકા પર જ સવાલ ઉઠાવી રહ્યા હતા પરંતુ તેણે આ પડકારોનો દ્રઢતાથી સામનો કર્યો હતો. તેમણે તેમની જવાબદારીઓ સમજદારીપૂર્વક નિભાવી અને બ્રિટિશ રાજવી પરિવારમાં લોકોનો વિશ્વાસ જાળવી રાખ્યો હતો. કોઈએ વિચાર્યું ન હતું કે એલિઝાબેથ એક દિવસ બ્રિટનનાં રાણી બનશે. તેણીનો જન્મ 21 એપ્રિલ, 1926ના રોજ બર્કલેમાં થયો હતો.

એલિઝાબેથ યોર્કના ડ્યુક આલ્બર્ટના સૌથી મોટા પુત્રી હતાં, જે તત્કાલીન બ્રિટિશ રાજા જ્યોર્જ પંચમના બીજા પુત્ર હતા. એલિઝાબેથનું બાળપણથી વર્તન ખૂબ જ જવાબદાર હતું. તેઓ ક્યારેય શાળાએ જતાં નહોતાં. તેમનું અને નાની બહેન માર્ગારેટનું શિક્ષણ મહેલમાં જ થયું હતું. એલિઝાબેથ તેના પિતા અને દાદા બંનેને ખૂબ જ વહાલાં હતાં. બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પણ તેમનાથી ખૂબ પ્રભાવિત હતા. ચર્ચિલે ક્વીન એલિઝાબેથ વિશે કહ્યું હતું કે આટલી નાની ઉંમરમાં પણ તે ખૂબ જ પાવરફુલ લાગતી હતી. 6 વર્ષની ઉંમરે ઘોડેસવારી શીખતી વખતે તેણે તેના માસ્ટરને કહ્યું હતું કે – તે ગામડાની છોકરી બનવા માગે છે અને ઘણાં ઘોડા, કૂતરા પાળવા માગે છે. ભલે તે ક્યારેય શાળાએ ન ગઈ પણ એલિઝાબેથે ઘણી ભાષાઓ શીખી હતી. તેમણે બ્રિટનના બંધારણીય ઇતિહાસનો પણ ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો હતો.

1936માં બ્રિટનના રાજા જ્યોર્જ પંચમના મૃત્યુ પછી તેમના મોટા પુત્ર ડેવિડ એડવર્ડ VIIIના નામથી સિંહાસન પર બેઠા હતા પરંતુ એડવર્ડે અમેરિકન મહિલા વોલિસ સિમ્પસનને તેમના જીવનસાથી તરીકે પસંદ કર્યા હતા. સિમ્પસને બે વખત છૂટાછેડા લીધાં હતાં. આ કારણે એડવર્ડ 8માએ રાજગાદીનો ત્યાગ કર્યો હતો. આ પછી એલિઝાબેથના પિતા ડ્યુક ઑફ યોર્ક રાજા જ્યોર્જ છઠ્ઠાના નામે સિંહાસન પર બેઠા હતા. એલિઝાબેથના પિતા રાજા બનવા માગતા ન હતા. જો કે, પિતાના આશીર્વાદથી એલિઝાબેથને તેની નિકટવર્તી જવાબદારીઓનો અહેસાસ થવા લાગ્યો હતો. તે સમયે હિટલરની તાકાત ઝડપથી વધી રહી હતી. યુરોપમાં વધતા સંઘર્ષની વચ્ચે રાજા જ્યોર્જ છઠ્ઠા તેમના પરિવાર સાથે દેશના પ્રવાસ પર નીકળ્યા હતા. 1939માં 13 વર્ષની ઉંમરે એલિઝાબેથ તેના પિતા અને માતા સાથે ડાર્ટમથની રોયલ નેવલ કોલેજમાં ગયાં હતાં. અહીં તેના ભાવિ પતિ ગ્રીસના પ્રિન્સ ફિલિપને મળ્યાં હતાં.

અલબત્ત, 13 વર્ષની ઉંમરે બંને વચ્ચે આ પહેલી મુલાકાત નહોતી. જો કે, જ્યારે બંને નેવલ કોલેજમાં મળ્યા, ત્યારે એલિઝાબેથે પ્રિન્સ ફિલિપમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. રજાઓ દરમિયાન પ્રિન્સ ફિલિપ પણ તેના શાહી સંબંધીઓને મળવા લંડન પહોંચ્યા હતા. 1944 સુધીમાં એલિઝાબેથ પ્રિન્સ ફિલિપના પ્રેમમાં પડી ગયાં હતાં. તેઓ એકબીજાને પત્રો લખવા લાગ્યાં હતાં. એલિઝાબેથે પોતાના રૂમમાં પ્રિન્સ ફિલિપની તસવીરો રાખવાનું શરૂ કરી દીધું હતું. અલબત્ત, રોયલ ફેમિલીની દરેક કહાનીઓ ફિલ્મ જેવી જ હતી, છેક કવીન એલિઝાબેથથી. બીજા વિશ્વયુદ્ધના અંતે 8 મે, 1945ના રોજ રાજકુમારી એલિઝાબેથે રાજવી પરિવાર સાથે મળીને પ્રથમ વિશ્વ યુદ્ધના અંતની ઉજવણી કરી હતી, જેમાં બ્રિટન જીત્યું હતું. યુદ્ધ સમાપ્ત થયા પછી એલિઝાબેથ પ્રિન્સ ફિલિપ સાથે લગ્ન કરવા માગતી હતી પરંતુ તેના માર્ગમાં અનેક અવરોધો હતા.

એલિઝાબેથના પિતા કિંગ જ્યોર્જ, તેમની પ્રિય પુત્રીને દૂર મોકલવા માગતાં નહોતા. જો કે, તમામ અવરોધો દૂર કરવામાં આવ્યા અને 20 નવેમ્બર, 1947ના રોજ બંનેએ લંડનના શાહી કેથેડ્રલ વેસ્ટમિન્સ્ટર એબી ખાતે લગ્ન કરી લીધા હતા. રાજવી પરિવારમાં લગ્ન કર્યા પછી પ્રિન્સ ફિલિપને ડ્યુક ઓફ એડિનબર્ગનું બિરૂદ મળ્યું હતું પરંતુ તેમણે રોયલ નેવીમાં તેમની નોકરી છોડી ન હતી. તેઓએ લગ્ન પછી માલ્ટામાં અન્ય કપલની જેમ થોડો સમય સાથે વિતાવ્યો હતો. પ્રિન્સ ફિલિપ અને પ્રિન્સેસ એલિઝાબેથના પ્રથમ સંતાન પ્રિન્સ ચાર્લ્સનો જન્મ 1948માં થયો હતો. 2 વર્ષ પછી દીકરી એન પણ આ દુનિયામાં આવી હતી. દરમિયાન એલિઝાબેથના પિતા રાજા જ્યોર્જની તબિયત લથડતી હતી. તેમને ફેફસાનું કેન્સર હતું.

જાન્યુઆરી 1952માં એલિઝાબેથ અને તેના પતિ વિદેશ પ્રવાસ પર હતાં. તબિયત નાદુરસ્ત હતી છતાં કિંગ જ્યોર્જ પુત્રી અને જમાઈને ડ્રોપ કરવા એરપોર્ટ પર આવ્યા હતા. પિતા અને પુત્રી વચ્ચેની આ છેલ્લી મુલાકાત હતી. એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપને જ્યારે તેમના પિતાના મૃત્યુની જાણ થઈ ત્યારે તેઓ કેન્યામાં હતા. તેઓ તરત જ બ્રિટન પરત આવ્યા હતા અને એલિઝાબેથને રાણી જાહેર કરવામાં આવ્યાં હતાં. રાણી એલિઝાબેથે એક જગ્યાએ લખ્યું હતું – મારા પિતાનું અવસાન ખૂબ વહેલું થયું હતું. તેમની સાથે રહીને મને શાહી ફરજો શીખવાની તક પણ ન મળી. આથી જ મને આપવામાં આવેલી આ જવાબદારીને યોગ્ય રીતે નિભાવવાનો પડકાર મારી સામે હતો. જૂન 1953માં એલિઝાબેથનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. આ પહેલો એવો કાર્યક્રમ હતો, જેને વિશ્વભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યો હતો.

ઘણા લોકોએ પહેલી વાર TV પર કોઈ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોયું હતું. તે સમયે બ્રિટન બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક મોરચે ખરાબ સમયગાળામાંથી પસાર થઈ રહ્યું હતું. વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને આ કાર્યક્રમ પૈસાનો બગાડ લાગ્યો હતો. તેઓ જીવંત પ્રસારણના વિરોધી હતા પરંતુ બ્રિટનના લોકોએ નવી રાણીને વધાવી લીધાં હતાં. વિશ્વયુદ્ધ પછી બ્રિટનનો દરજ્જો ડાઉન થઈ ગયો હતો. તેનું સામ્રાજ્ય સંકોચાઈ ગયું હતું. ભારત સહિત અનેક દેશો બ્રિટનના શાસનમાંથી મુક્ત થઈ ગયા હતા. આવી સ્થિતિમાં બ્રિટનનું ગૌરવ પાછું લાવવા માટે ક્વીન એલિઝાબેથે કોમનવેલ્થ દેશોની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતી. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની મુલાકાત લેનારી તે બ્રિટનની પ્રથમ રાણી હતી. બે તૃતીયાંશ ઓસ્ટ્રેલિયન નાગરિકોએ તેને નજીકથી જોયા હોવાનું કહેવાય છે.

એવું કહેવાય છે કે જાન્યુઆરી 1961માં જ્યારે રાણી એલિઝાબેથ દ્વિતીય પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે લગભગ 10 લાખ લોકો દિલ્હીના એરપોર્ટથી ભારતના રાષ્ટ્રપતિ ભવન સુધીના માર્ગ પર તેમને જોવા માટે એકઠા થયા હતા! તે સમયે ‘ન્યૂયોર્ક ટાઈમ્સે’ તેના અહેવાલમાં લખ્યું હતું કે – આ અઠવાડિયા માટે ભારતીયો તેમની બધી મુશ્કેલીઓ ભૂલી ગયા. સંપૂર્ણ રીતે નહીં પરંતુ આર્થિક મુશ્કેલીઓ, રાજકીય ઊથલપાથલ, સામ્યવાદી ચીન, કોંગો અને લાઓસની મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. રાણી બીજી એલિઝાબેથ ભારતની રાજધાનીમાં આવી છે અને ભારતીયો આ તકનો લાભ લેવા તૈયાર છે. ધ ટાઈમ્સે લખ્યું – લોકો ટ્રેન, બસો અને બળદગાડામાં રાજધાની તરફ આવી રહ્યા હતા. તેઓ રસ્તાઓ પર ફરતા અને લૉનમાં ડોકિયું કરીને શાહી યુગલની ઝલક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ પ્રથમ બ્રિટિશ શાસક હતા જે 1947માં બ્રિટિશ શાસનથી ભારતની સ્વતંત્રતા પછી સિંહાસન પર બેઠા હતા.

રાણીએ બોમ્બે, મદ્રાસ અને કલકત્તાના જાણીતા સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે આગ્રાનો તાજમહેલ, જયપુરમાં પિંક પેલેસ અને વારાણસીના જૂના શહેરને નિહાળ્યું હતું. ઘણી જગ્યાએ તેમના માટે વિશેષ સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેણે મહારાજાના શિકાર ગ્રાઉન્ડમાં 2 દિવસ વિતાવ્યા અને હાથી પર સવારી પણ કરી હતી. શાહી દંપતીએ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં અતિથિવિશેષ તરીકે હાજરી આપી હતી. રાણી એલિઝાબેથ -2એ દિલ્હીના રામલીલા મેદાનમાં એક વિશાળ સભાને સંબોધિત પણ કરી હતી. તે ખુલ્લી છતવાળી કારમાં તાજમહેલ ગયાં ત્યારે રસ્તામાં હાથ હલાવીને લોકોને શુભેચ્છા આપી હતી.

રાણીની મુલાકાતની વિગતો આપતા અહેવાલ મુજબ, ભારતના રાજ્ય પ્રસારણકર્તા ઓલ ઈન્ડિયા રેડિયોના એક પત્રકાર દ્વારા યોર્કશાયર પોસ્ટના સંપાદકીયને ટાંકીને કોલકાતામાં ખુલ્લી છતવાળી કારમાં એરપોર્ટ પરથી રાણીની બહાર નીકળવાની ઘટનાને નોંધી હતી. તેમણે લખ્યું હતું કે, મહારાણી ભલે ભારતની રાણી ન હોય પરંતુ મોટી સંખ્યામાં આવી રહેલા ભારતીયોનો ઉત્સાહ એ સાબિત કરે છે કે તે આજે પણ કરોડો ભારતીયોના દિલ પર રાજ કરે છે.

9 સપ્ટેમ્બર, 2015ના રોજ તેઓ રાણી વિક્ટોરિયા કરતાં પણ વધુ સમય સુધી રાજ કરનારાં રાણી બની ગયાં હતાં. જો કે, રાણી એલિઝાબેથે આના પર બહુ ખુશી વ્યક્ત કરી ન હતી. તેમના પતિ પ્રિન્સ ફિલિપનું લાંબી માંદગી બાદ 9 એપ્રિલ, 2021ના રોજ અવસાન થયું હતું. આજે રાણી એલિઝાબેથના શાસનના અંતે શાહી પરિવારનો દરજ્જો 1952માં તેમના રાજ્યાભિષેક સમયે હતો તેટલો ઊંચો નથી પરંતુ સામાન્ય બ્રિટિશ નાગરિકોમાં શાહી પરિવારનો દરજ્જો અને સ્નેહ જાળવવામાં રાણી ચોક્કસપણે સફળ રહ્યાં હતાં.

મહારાણી એલિઝાબેથ- 2ના નિધન બાદ બ્રિટન સહિત યુનાઇટેડ કિંગડમમાં ઘણું બધું બદલાવાનું છે. પહેલો ફેરફાર એ છે કે 70 વર્ષ પછી એક પુરુષ બ્રિટિશ રાજા તરીકે પાછા ફરી રહ્યા છે. એલિઝાબેથના અવસાન સાથે તેમના 73 વર્ષીય પુત્ર ચાર્લ્સ ફિલિપ આર્થર જ્યોર્જ UKના રાજા બન્યા છે. તેને હવે કિંગ ચાર્લ્સ III કહેવામાં આવશે. આ સિવાય બ્રિટનના રાષ્ટ્રગીતમાં, ત્યાંની કરન્સીમાં પણ ફેરફાર કરવામાં આવશે. એવું સમજો કે, રોયલ સામ્રાજ્યનો એક યુગ પૂરો થયો છે.

Most Popular

To Top