Vadodara

એમડી ડ્ગ્સના લીકવિડ ફોમનો જથ્થો મળ્યો

વડોદરા: વડોદરા નજીક મોકસીની નેક્ટર કેમ કંપનીમાંથી 1125 કરોડનું MD ડ્રગ્સ કબજે કરવાના બનાવમાં ઝડપાયેલા આરોપી પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને સાથે રાખી ATSએ સાંકરદા એસ્ટેટના ગોડાઉન પર છાપો માર્યો હતો અને ત્યાંથી MD ડ્રગ્સ બનવામાં વપરાતું 12 હજાર લીટર રો-મટીરીયલ ઝડપી પાડ્યું હતું. તપાસમાં સાંકરદાના આ ગોડાઉનમાં જ ડ્રગ્સને આખરી ઓપ અપાતો હોવાનું સપાટી પર આવતાં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. પિયુષ પટેલે પોતાના ગોરખધંધાને છુપાવવા માટે ગોડાઉન ભાડે રાખ્યા બાદ લોકોની આંખમાં ધૂળ નાખવા મીઠાઈ બનાવવાની આડ લીધી હતી અને પ્લેટો અને પાવડર પણ રાખી મૂકયા હતા.

ATSના સૂત્રો અનુસાર પિયુષ પટેલ અને મહેશ વૈષ્ણવને લઈ ટીમ સાંકરદા ખાતે સ્વસ્તીક સીરામીક એસ્ટેટમાં પ્લોટ નં-13, શેડનં-2ના ગોડાઉનમાં દરોડો પાડી 200 લીટરના 60 બેરલમાં 12000 લીટર કેમિકલ જપ્ત કર્યું હતું. પિયુષે 2016માં વડોદરાના મનોજ જગદીશ પટેલ પાસેથી કેમિકલ પ્રોસેસ કરવાનું કહીને ગોડાઉન ભાડે રાખ્યું હતું. એસીટોન સહિત પાંચથી છ કેમિકલનો જથ્થો મળ્યો છે. જોકે, એકેયમાં ડ્રગ્સના અંશ નથી. પણ તેનાથી ડ્રગ્સ બનાવી શકાય અથવા પ્રોસેસમાં મદદ મળે તે ઇરાદે જથ્થો રખાયો હોવાનું અનુમાન છે.

ગુજરાત એટીએસની ટીમે વડોદરા SOGની ટીમની પણ મદદ લીધી હતી, જેથી વડોદરા SOG ટીમના સભ્યો પણ દરોડામાં જોડાયા હતા. વડોદરા SOG દ્વારા FSLની વ્યવસ્થા કરવામાં આવી હતી. FSLની ટીમે સેમ્પલ લીધા હતા, જેનો રિપોર્ટ બે દિવસમાં આવવાની સંભાવના છે.ગોદામમાંથી જે જથ્થો મળી આવ્યો છે તેમાં એસીટોન કેમિકલનો જથ્થો એક હજાર લીટર કરતાં વધુ છે. લિક્વિડ ફોર્મમાં બનેલું MD ડ્રગ્સ સુકવવામાં આ કેમિકલનો ઉપયોગ થાય છે, જે પ્રક્રિયામાં અંદાજે બેથી ત્રણ કલાકનો સમય લાગે છે.

Most Popular

To Top