Vadodara

બિલ વગરના બ્રાન્ડેડ મોંઘાદાટ મોબાઇલ ખરીદતો પુષ્પક મખીજાની જેલમાં ધકેલાયો

વડોદરા: અલકાપુરી સહિત મોબાઈલના ત્રણ રા લિંક મોબાઇલ સ્ટોરમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે દરોડા પાડયા હતા અધિકારીઓની તપાસમા ભેજાબાજ સંચાલકના ગોરખધંધાનો ભાંડો ફૂટી ગયો હતો અને રૂપિયા ૮.૫૦ કરોડની જીએસટી ચોરી પકડાઇ જતા બેનંબરી મોબાઈલ વેચતા ટેક્સચોરોમાં ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં રા લિંક મોબાઇલના સંચાલક પુષ્પક હરિશ મખીજાનીની (રહે.ઇસ્કોન હેબિટેટ, ગોત્રી-સેવાસી રોડ, વડોદરા) ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ વડોદરા રિજનલ યુનિટના ઇન્ટેલિજન્સ ઓફિસર નિમિત કપુરે પુષ્પક મખીજાનીની ધરપકડ કરી હતી. અને સેસન્સ કોર્ટમાં ચિફ જ્યુડિશિઅલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો.

 સીજીએસટી વિભાગે કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કેસની સ્ફોટક વિગતો આપી હતી કે પુષ્પક હરિશ મખીજાની (૧) રા લિંક, વિંડસર પ્લાઝા, અલકાપુરી, (૨) રા લિંક, મારૃતિધામ સોસાયટી, હરણી રોડ અને (૩) સરકાર આઇ ફોન્સ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય સામે, કારેલીબાગ ખાતે વિશાળ શોરૂમ ધરાવે છે અને વિવિધ બ્રાન્ડના મોબાઇલ ફોન, ટેબલેટ અને સ્માર્ટ વોચનુ વેચાણ કરે છે.  સીજીએસટી વિભાગને માહિતી મળી હતી કે પુષ્પક મખીજાની ગ્રે માર્કેટમાંથી મોબાઇલ અને સ્માર્ટ વોચ બિલ વગર જ ખરીદે છે અને બિલ વગર જ તેનું વેચાણ કરીને કરોડો રૂપિયાની જીએસટીની ચોરી કરે છે. 

તા.૧૯ સપ્ટેમ્બરના રોજ ઇસ્કોન હેબિટેટ, ગોત્રી સેવાસી રોડ સ્થિત ઘર અને ત્રણ શોરૃમ પર છાપો માર્યો હતો. સર્ચ દરમિયાન પુષ્પકના લેપટોપમાંથી બિન હિસાબી વેચાણની અનેક વિગતો મળી આવી હતી. જુન-૨૦૨૦થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન પુષ્પક મખીજાનીએ રૃ.૮.૫૦ કરોડોની જીએસટી ચોરી કરી હોવાનો અંદાજ છે. આરોપી પુષ્પક મખીજાનીની જામીન અરજીનો વિરોધ કરતી દલીલો સરકારી વકીલ અનિલ દેસાઇએ કરતા કોર્ટે પુષ્પકને જેલમાં મોકલી આપવા માટે હુકમ કર્યો હતો.

Most Popular

To Top