વડોદરા :વડોદરા (Vadodara) શહેરના સમા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં ચાલતા દારૂના (Alcohol) અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો (Raid) પાડ્યો હતો, પરંતુ દરોડો પાડનાર ટીમ પર પુષ્પા (Pushpa) સ્ટાઈલમાં હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. જેમાં બુટલેગરના પરિવાર અને સાગરીતોએ પોલીસની ટીમ પર હુમલો કરી જપ્ત કરેલ દારૂના જથ્થા સહિત બુટલેગરોને પણ પોલીસના હાથમાંથી છોડાવી ગયા હતા.
સાઉથની ફિલ્મ ‘પુષ્પા’માં જેમ અભિનેતા તસ્કરી કરેલા ચંદનના લાકડાનો જથ્થો પાલીસના દરોડાથી છુપાડી દેતો અથવા તો પાલીસના હાથમાં ન લાગે તેમ તે લઈને ભાગી જતો જોવા મળે છે. એટલે કે પોલીસ જ્યારે દરોડા પાડવા આવે તો પોલીસના હાથે ન તો મુદ્દામાલ મળે ન તો કેસ બને. આ ફિલ્મ જોઈને જ રવિવારે રાત્રે વડોદરાના સમા વિસ્તારમાં દરોડા પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ પર હુમલો કરવામાં આવ્યો હતો, અને પુષ્પા ફિલ્મની ટેક્નિક અપનાવી હતી.
રવિવારે 10 એપ્રિલે સમા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં ચાલતા દારૂના અટ્ટા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસથી છુપાઈને ધંધો કરતો દિલીપ ડામોર અને અન્ય એક ઈસમને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિક પોલીસ પહોંચી તે પહેલા જ બૂટલેગર દિલીપ ડામોરના પરિવારના સભ્યો (દિલીપની પત્ની અને દિકરી) અને તેના સાગરીતોએ પથ્થરમારો કરી અટકાયત કરેલા બે લોકોને છોડવી ગયા હતા, આ સાથે જ જપ્ત કરેલો દારૂનો જથ્થો પણ તેઓ સાથે લઈ ગયા હતા. લોકોનું ટોળું લાકડીઓ અને પથ્થર લઈને પોલીસની ટીમ પર ધસી આવ્યું હતું. ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને બૂટલેગરોને છોડાવી ગઈ હતી. જતાં જતાં તેઓ પોલીસ જે ગાડીમાં આવી હતી તેના પર પથ્થરમારો અને પાઈપથી હુમલો કરી ગાડીનો કાચ તોડી નાસી છૂટ્યા હતા. જેથી પોલીસના હાથમાં ન તો દારૂ આવ્યો કે ન તો બુટલેગર.
પુષ્પા ફિલ્મની સ્ટાઈલ અપનાવી બુટલેગરના પરિવારના સભ્યો અને તેના સાગરીતોએ સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે ઝડપાયેલા બે લોકાના હાથમાં છોડવી ગયા હતા. પોલીસ મોડી રાત્રે આઠ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે ફરિયાદમાં નોંધાવ્યા અનુસાર તેઓ છેલ્લા પાંચ દિવસથી મોનિટરિંગ સેલમાં ફરજ બજાવે છે. બાતમીના આધારે ટીમે શહેરની ઊર્મિ સ્કૂલ પાછળ ઝૂંપડપટ્ટીમાં દરોડો પાડ્યો હતો. તેમને બાતમી મળી હતી કે ઝૂંપડપટ્ટી પાસે ધીરજ પાંડે નામની વ્યક્તિ સાગરીતો સાથે મળી વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, જેથી સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે ખાનગી વાહનમાં પહોંચી દરોડો પાડ્યો હતો. જ્યાં તેઓને ઝાડીઝાંખરામાંથી દારૂ સાથે બે ઈસમો ઝડપી પાડ્યા હતા.જેમાંથી એક ઈસમ ફરાર થઇ ગયો હતો. ટીમને મળેલ દારૂના જથ્થાની ગણતરી કરવામાં આવી રહી હતી.