હૈદરાબાદઃ પુષ્પા ફિલ્મના અભિનેતા દક્ષિણ ભારતની ફિલ્મોના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે આજે ધરપકડ કરી છે. હૈદરાબાદની સંધ્યા થિયેટરમાં પુષ્પા-2 ફિલ્મના પ્રીમિયર દરમિયાન મચેલી ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં હૈદરાબાદ પોલીસે આજે અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે. અલ્લુ અર્જુનની ધરપકડનો વીડિયો સામે આવ્યો છે.
હૈદરાબાદની સંધ્યા થિયેટરના નાસભાગ કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન અલ્લુ અર્જુનની જે તસવીરો સામે આવી રહી છે તેમાં તેણે જે ટી-શર્ટ પહેરી છે, તેમાં હિન્દીમાં લખ્યું છે કે હું ફૂલ નથી, હું આગ છું.
અલ્લુ અર્જુનની ધરપકડનો વીડિયો પણ સામે આવ્યો છે. આમાં પોલીસ તેને લઈ જતા જોઈ શકાય છે. અભિનેતા તેની પત્ની સ્નેહા સાથે વાત કરતો અને તેને સમજાવતો જોવા મળે છે. સ્નેહા અહીં ચિંતિત દેખાય છે. વીડિયોમાં અલ્લુ અર્જુન પણ ચા પીતા જોઈ શકાય છે. ચા પુરી કર્યા બાદ અભિનેતા તેની કારમાં પોલીસ સ્ટેશન જવા રવાના થયો હતો. હવે આ મામલો આગળ શું વળાંક લે છે તે જોવું રહ્યું.
અલ્લુ અર્જુનની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને હૈદરાબાદના ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ મામલે અભિનેતાની અહીં પૂછપરછ કરવામાં આવશે. અલ્લુ અર્જુન અને તેની ટીમે પણ મહિલાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. અભિનેતા તેના પરિવારને પણ મળ્યો અને 25 લાખ રૂપિયાની મદદનું વચન આપ્યું હતું.
શું છે સમગ્ર મામલો?
ગઈ તા. 4 ડિસેમ્બરે સાંજે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ ‘પુષ્પા 2’નું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે અલ્લુ અર્જુન અહીં તેની ફિલ્મ જોવા આવશે. આવી સ્થિતિમાં ફેન્સની ભીડ તેમના ફેવરિટ સ્ટારને જોવા માટે થિયેટરની બહાર પહોંચી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
અલ્લુ અર્જુન આખરે આ ભીડને મળવા પહોંચ્યો. અભિનેતાને જોવા લોકો દોડી આવ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી. આ પ્રસંગના ઘણા વીડિયો હૈદરાબાદથી પણ સામે આવ્યા હતા, જેમાં અલ્લુની કારની આસપાસ લોકોની ભીડ એકઠી થતી જોઈ શકાય છે. આ ભીડમાં એક બાળક બેભાન થઈ ગયો હતો, જ્યારે 35 વર્ષની મહિલાનું મોત થયું હતું.
મહિલા તેના પરિવાર સાથે ‘પુષ્પા 2’ જોવા માટે આવી હતી. અકસ્માતના થોડા દિવસો બાદ અલ્લુ અર્જુને વીડિયો શેર કર્યો હતો. આ સમગ્ર મામલે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. અલ્લુ અર્જુને કહ્યું હતું કે, ‘સંધ્યા થિયેટરમાં જે અકસ્માત થયો તે ન થવો જોઈતો હતો. હું સાંજે થિયેટરમાં ગયો. હું આખું સિનેમા પણ જોઈ શક્યો નહીં, કારણ કે તે જ ક્ષણે મારા મેનેજરે મને કહ્યું કે અહીં ઘણી ભીડ છે, આપણે અહીંથી નીકળી જવું જોઈએ.