જે ભાષણ કરવા માટે ઊભા થાય અને જેને સાંભળતા રહેવાનું મન થાય તેવા ગુજરાત ભાજપના કોઈ નેતા હોય તો તે છે પુરૂષોત્તમ રૂપાલા. સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં જ્યારે રૂપાલા મુદ્દા ઉંચકે ત્યારે સાંભળનારાઓ દંગ રહી જાય. વ્યંગ પણ એવો હાસ્યરસમાં કરે કે સાંભળનારા હસતા જાય અને વાતનો મર્મ તેમને સમજાય જાય. સચોટ શબ્દોની સાથે ક્યારેક સામાવાળાને રૂપાલાના વાક્યો સોયની અણીની જેમ વાગી જાય. આમ પણ પુરૂષોત્તમ રૂપાલા છે કડવા પટેલ. આઝાદી મળ્યાને સાત વર્ષ થયા અને રૂપાલાનો જન્મ થયો. મુળ અમરેલીના ઈશ્વરીયા ગામના વતની અને પિતા ખેડૂત. તે સમયે ગામમાં માત્ર 4થા ધોરણ સુધી જ અભ્યાસ ચાલે. રૂપાલા 4 ધોરણ ભણ્યા અને પાંચમાં ધોરણ માટે સંબંધીના ઘરે મતિરાણા મોકલવામાં આવ્યા. છઠ્ઠા ધોરણથી રૂપાલા અમરેલીની શાળામાં ભણવા માંડ્યા અને ત્યાં તેમના સાથી બન્યા દિલીપ સંઘાણી. એક જ ક્લાસ અને એક જ બેંચ અને રૂપાલા અને સંઘાણી ભણે. બંનેની દોસ્તી પાકી થઈ ગઈ. રૂપાલા બીએસસી થઈ ગયા અને ત્યાંથી બીએડ કરવા માટે ખંભાત ગયા. ભણી રહ્યા એટલે શિક્ષકની નોકરી મળી અને અમરેલી નજીકના જ હામાપોરમાં શિક્ષક બની ગયા.
પાંચ વર્ષ સુધી શિક્ષક તરીકે બાળકોને ભણાવ્યા પરંતુ મિત્ર દિલીપ સંઘાણી રાજકારણી તો પછી રૂપાલા પણ કેમ પાછળ રહે?. 1982માં રૂપાલા અમરેલી નગર પાલિકાના ચીફ ઓફિસર બન્યા અને દિલીપ સંઘાણીની સાથે ભાજપ માટે કામ કરતાં. 1987માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ બન્યા અને ત્યારથી રૂપાલાએ પાછળ ફરીને જોયું નથી. બાદમાં પ્રદેશ મંત્રી અને 1991માં દિલીપ સંઘાણી સાંસદ બન્યા, તો વિધાનસભાની પેટા ચૂંટણીમાં રૂપાલા ધારાસભ્ય બની ગયા. પછી તો 95, 98માં પણ ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી બન્યા. કેશુભાઈ અને સુરેશ મહેતા અને નરેન્દ્ર મોદીની સરકારમાં પણ રૂપાલા મંત્રી રહ્યા પરંતુ 2002માં વિધાનસભા ચૂંટણી હારી ગયા. પણ ભાજપમાં તેમનો દબદબો રહ્યો. 2003માં તેઓ ભાજપના પ્રદેશ મહામંત્રી અને 2006માં તો ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા. 2008માં રાજ્યસભામાં ચૂંટાયા અને છેક 2014 સુધી રહ્યા. આ દરમિયાન રૂપાલા ભાજપના રાજનાથસિંઘ, નિતીન ગડકરી અને બાદમાં અમિત શાહની સાથે પક્ષના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે પણ બની રહ્યા. બે વર્ષના બ્રેક બાદ 2016માં રૂપાલા ફરી રાજ્યસભાના સાંસદ બન્યા અને સીધા કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના પંચાયતી મંત્રી બન્યા. 2020માં જ્યારે નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળમાં ફેરબદલ કર્યો ત્યારે રૂપાલા કેબિનેટ કક્ષાના એનિમલ હસબન્ડરી અને ડેરી-ફિશરિઝ વિભાગના મંત્રી બન્યા.
રૂપાલા મુળ શિક્ષકનો જીવ એટલે લેખન સાથે નાતો જોડાયેલો જ હોય પરંતુ સમય ઓછો એટલે ‘માનસગાથા’ નામનું એક જ પુસ્તક લખી શક્યા પણ જ્યારે જાણીતા લોકગાયક હેમુ ગઢવીની જન્મશતાબ્દિની ઉજવણી થઈ ત્યારે મહોત્સવના અધ્યક્ષ રૂપાલાને બનાવવામાં આવ્યા અને તેમણે જે હેમુતીર્થ બનાવ્યું તે માત્ર ભારત જ નહીં પરંતુ આખા વિશ્વમાં અજોડ મનાય છે. રૂપાલાએ પોતાના વિધાનસભા બેઠક વિસ્તારમાં ટિફિન બેઠકો શરૂ કરાવી અને બાદમાં આખા ભાજપે તે અપનાવી લીધી. રૂપાલા પ્રથમ એવા ધારાસભ્ય બન્યા કે જેણે પોતાના જ મતવિસ્તારમાં તમામ ગામોની સળંગ પદયાત્રા કરી. જ્યારે રૂપાલા મોદી સરકારમાં મંત્રી બન્યા ત્યારે તેમણે બીટી કોટનનો આવિષ્કાર કરાવ્યો. સરકારે રેવન્યુના કાયદામાં જ્યારે સુધારાઓ કર્યા ત્યારે તેમાં મોટો ફાળો પણ રૂપાલાનો રહ્યો.
જો કે, નીતિન પટેલની જેમ રૂપાલા પણ મુખ્યમંત્રીપદથી સ્હેજમાં રહી ગયા. અનેક વખત જ્યારે મુખ્યમંત્રી નક્કી કરવાનું થયું ત્યારે રૂપાલાનું નામ ચર્ચામાં આવ્યું પરંતુ કદાચ ભાગ્ય જોર નહીં કરતું હોય. ભાજપથી નારાજ અમરેલીના પાટીદારોને ભાજપ સાથે જોડાયેલા રાખવામાં રૂપાલાએ ભારે જહેમત ઉઠાવી. ક્યારેક કડવું બોલવાને કારણે રૂપાલા કોઈકને નહીં ગમ્યા હોય, પણ ભાજપ માટે કાયમ ટ્રબલશૂટર બની રહ્યા છે. સુરત સહિત સૌરાષ્ટ્રમાં ભાજપના અનેક નેતાઓના ગોડફાધર તરીકે જાણીતા રૂપાલા જમીન સાથે જોડાયેલા નેતા છે. આ કારણે જ તેમના ભાષણો સીધા લોકોના દિલ સુધી અસર કરે છે.