National

‘હું ભાગેડુ નથી, બળવાખોર છું… ટૂંક સમયમાં દુનિયાની સામે આવીશ’: અમૃતપાલ સિંહ

નવી દિલ્હી: ભાગેડુ અમૃતપાલ સિંહે (Amrutpal Singh) બીજો વીડિયો (Video) શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે હું ભાગેડુ નથી. તે બળવાખોર છે. નજીકના સમયમાં તે દુનિયાની સામે આવશે. તેણે સરકાર સમક્ષ ઝેર ઓક્યું છે. તેણે કહ્યું કે તે કોઈના હુકમથી ડરતો નથી જેણે જે કરવું હોય તે કરી લે.

અમૃતપાલે કહ્યું કે તેની સાથે મારપીટ કરવામાં આવે તેનાથી તે ડરતો નથી. આ ઉપરાંત તેણે પોતાના પરિવારના સભ્યોને મક્કમ અને મજબૂત રહેવા કહ્યું છે. તેણે કહ્યું તે જે રસ્તા ઉપર ચાલી રહ્યો છે તે કાંટાળો છે. તેણે કહ્યું કે ધણાં લોકોને એવું હશે કે આ વીડિયો પોલીસની કસ્ટડીમાં બનાવવામાં આવ્યો છે. તેણે ફરીવાર યુવાનોને ભડવાની કોશિશ કરી છે. તે વીડિયોમાં કહે છે તેને ખુશી છે કે તે પોતાની કોમ અને નવજુવાનો માટે કંઈક કરી શકે છે.

જણાવી દઈએ કે ગુરુવારના રોજ પણ અમૃતપાલે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે કોઈ તેનો વાળ પણ વાંકો કરી શકશે નહિં. ફરાર થયા પછી ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ 40 મિનિટ સુધી ફેસબુક લાઈવ થયો હતો. આ વીડિયોમાં તેણે કાળા રંગની પાધડી તેમજ શાલ ઓઢેલી હોય તેવું જોઈ શકાય છે. આ વીડિયોમાં તેણે પંજાબ પોલીસ સમક્ષ પોતાની અમુક માગણી રજૂ કરી છે. આ ઉપરાંત તેણે કહ્યું કે મારી ધરપકડ ઉપરવાળાના હાથમાં છે. મારો કોઈ વાળ પણ વાંકો કરી શકશે નહિં. જણાવી દઈએ કે 18 માર્ચના રોજ ફરાર થયા પછી અમૃતપાલનો આ પહેલો વીડિયો છે.

આ ઉપરાંત અમૃતપાલે વધુમાં કહ્યું હતું કે, હું દેશ-વિદેશના તમામ શીખ લોકોને અપીલ કરું છું કે તેઓ બૈસાખી પર યોજાનાર સરબત ખાલસા કાર્યક્રમમાં ભાગ લે. લાંબા સમયથી આપણો સમુદાય નાના મુદ્દાઓ પર મોરચો કાઢવામાં વ્યસ્ત છે. જો આપણે પંજાબના પ્રશ્નો હલ કરવા હોય તો આપણે સાથે રહેવું પડશે. સરકારે જે રીતે અમારી સાથે છેતરપિંડી કરી છે, તે ધ્યાનમાં રાખવું પડશે. ઘણા સાથીઓની ધરપકડ કરવામાં આવી છે અને NSA લાગુ કરવામાં આવી છે, મારા ઘણા સાથીઓને આસામ મોકલવામાં આવ્યા છે. એટલા માટે હું તમામ શીખોને બૈસાખીના અવસર પર ભેગા થવાની અપીલ કરું છું.

જાણો શું છે સરબત ખાલસા
સરબત ખાલસામાં ભારત અને વિદેશના તમામ શીખ સંગઠનો ભાગ લે છે. તમામ હોદ્દેદારોને આમંત્રણ મળે છે. આ બેઠકમાં ધર્મને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને નિર્ણય લેવામાં આવે છે. સરબત ખાલસાનો હેતુ સમગ્ર શીખ સમાજને એક જગ્યાએ એકસાથે લાવવાનો છે. અમૃતપાલે બૈસાખી પર તમામ ધાર્મિક સંગઠનોને આ જ વાત કહી છે તેણે વધુમાં કહ્યું કે આ વખતની બૈસાખી ઐતિહાસિક હોવી જોઈએ.

Most Popular

To Top