Sports

પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 10 રનથી હરાવ્યું, પ્લેઓફ માટેનો દાવો મજબૂત બનાવ્યો

IPL 2025 ની 59મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) એ રાજસ્થાન રોયલ્સ (RR) ને 10 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ વર્તમાન સિઝનના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે 220 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન 20 ઓવરમાં 7 વિકેટે 209 રન જ બનાવી શક્યું. ટોસ જીતીને પંજાબે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા હતા.

બેટ્સમેન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે પંજાબે રાજસ્થાન રોયલ્સને 10 રનથી હરાવીને પ્લેઓફ માટેનો પોતાનો દાવો મજબૂત બનાવ્યો. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં પાંચ વિકેટે 219 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાને 20 ઓવરમાં સાત વિકેટે 209 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારી હતી પરંતુ પંજાબ પોતાના બોલરોના દમ પર વાપસી કરવામાં સફળ રહ્યું. આ જીત સાથે પંજાબના 17 પોઈન્ટ થઈ ગયા છે અને તે પ્લેઓફમાં પહોંચવાની ખૂબ નજીક છે.

લક્ષ્યનો પીછો કરતા યશસ્વી અને વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાનને સારી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે માત્ર 4.5 ઓવરમાં 76 રન ઉમેર્યા. હરપ્રીત બ્રારે વૈભવને આઉટ કરીને ભાગીદારી તોડી જે 15 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 40 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી પણ યશસ્વી અટક્યો નહીં અને 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. જોકે તેણે ફિફ્ટી ફટકાર્યા પછી જ પોતાની વિકેટ ગુમાવી દીધી અને 25 બોલમાં નવ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવીને આઉટ થઈ ગયો.

યશસ્વી અને વૈભવે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી અને રાજસ્થાને ત્રણ ઓવરમાં 50 રનનો આંકડો પાર કરી દીધો હતો પરંતુ આ બે બેટ્સમેનોના ગયા પછી રાજસ્થાનની લય ખોરવાઈ ગઈ અને તેણે નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી. સંજુ સેમસન 20 રન બનાવીને આઉટ થયો હતો અને રિયાન પરાગ 13 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ધ્રુવ જુરેલે બાજી સંભાળી અને અડધી સદી ફટકારી પરંતુ વચ્ચેની ઓવરોમાં ધીમી બેટિંગને કારણે રાજસ્થાનનો જરૂરી નેટ રન રેટ વધ્યો જેના કારણે બેટ્સમેન પર દબાણ વધ્યું.

પંજાબ તરફથી શશાંક સિંહે 30 બોલમાં 59 રન બનાવ્યા અને અણનમ રહ્યો જ્યારે નેહલ વાઢેરાએ 37 બોલમાં 70 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી તુષાર દેશપાંડેએ 2 વિકેટ લીધી. 16મી ઓવરના છેલ્લા બોલ પર પંજાબે પોતાની પાંચમી વિકેટ ગુમાવી દીધી. અહીં નેહલ વાઢેરા 70 રન બનાવીને આઉટ થઈ ગયો. આકાશ માધવાલની બોલિંગમાં શિમરોન હેટમાયરના હાથે તેનો કેચ થયો હતો. આ જ ઓવરમાં નેહલે શશાંક સિંહ સાથે ફિફ્ટી ભાગીદારી પૂર્ણ કરી. પંજાબે પણ 150નો આંકડો પાર કર્યો હતો.

Most Popular

To Top