લોકશાહી ના નામે, વાણી સ્વાતંત્ર્યના નામે સંસદમાં સ્પીકર પાસે ધસી જવું, ભેગા મળી બૂમાબૂમ કરવું, સત્ર ન ચાલવા દેવું, જૂઠાં નિવેદનો આપવાં, સંસદમાં દેખાવો કરવા વગેરે બાબતો હવે ચાલુ સંસદે રોજીંદી બની ગઈ છે. ટી.વી. ઉપર આખો દેશ જુએ છતાં શરમને નેવે મુકનારા સાંસદો પ્રજાના, ટેક્ષ પેયરોના પૈસે લડાઈ-ઝઘડા કે ગેરવર્તણુંક કરવા માટે જ જો જતા હોય તો તેમને માટે સજાની જોગવાઈ હોવી જ જોઈએ. સંસદ આખો દિવસ ન ચાલે કે આખું સત્ર ન ચાલે તેની પ્રજાના પ્રતિનિધિઓને પડી ન હોય તો તે કેમ ચાલે ? ગેર-વર્તણુંક કરનારા સાંસદોનું જે તે દિવસનું વેતન-ભથ્થું કપાવું જોઈએ, તેમને અમુક ખાસ પ્રકારની સજાની જોગવાઈ કરવી જોઈએ. વારંવાર સંસદ ન ચાલવા દેનારા સાંસદોની યાદી બનાવીને તેમની સજા ક્રમશ: વધારતા જવું જોઈએ. લોકશાહીના નામે આવા તમાશાઓ તો બંધ થવા જ જોઈએ. વિરોધ પક્ષોએ જે વિરોધ કરવો હોય તે શાબ્દિક વિરોધ હોવો જોઈએ. બંધારણની કલમો છે તેનો ઉલ્લેખ કરીને વિરોધ કરો. એવું લાગે છે કે કેટલાક સાંસદોને તો બંધારણમાં શું છે તેનો પણ ખ્યાલ નથી. સંસદમાંથી ‘‘ગરીમા’’ શબ્દ તો ‘‘ગાયબ’’ થઈ ગયો હોય એવું અનુભવાઈ રહ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે પણ આ બાબતે કાયદો લાવવા અનુરોધ કરવો જોઈએ. ક્યાં સુધી સાંસદોને પ્રજાના પૈસે ભવાઈઓ કરતા જોયા કરીશું ? ગણદેવી – રમેશ કે. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સંસદભવનમાં સાંસદોની ગેર-વર્તણુંક ન ચાલે શિક્ષા કરો
By
Posted on