સૌ પ્રથમ તો ગુજરાતના સી.એમ.ને ખૂબ ખૂબ ધન્યવાદ. પી.એમ.ની જેમ 56ની છાતી બતાવી પરીક્ષાનાં પેપરફોડુઓને એક કરોડ દંડ અને 10 વર્ષની સજાનો કાયદો બનાવવાની હિંમત કરી. એકવાર તો પેપરફોડુઓ જરૂર વિચાર કરતાં થશે. આવા બેરોજગાર જણાનાં દુશ્મનોને ખતમ કરવાનો સખત કાયદો જરૂર સફળ થશે. એક બીજી વાત અહીં કહેવાનું મન થાય છે કે હવે જો ઢોરથી કોઇકનું મૃત્યુ થાય તો ઢોરમાલિક સામે હત્યાનો ગુનો દાખલ કરી એક કરોડ રૂ.નો દંડ અને સજા કરો.
બિનવારસી ઢોર હોય તો તેને પકડી નગરપાલિકાને દંડ કરો, શેરીમાં રખડતાં કૂતરાં કરડવાથી કોઇ પણ વ્યકિતનું મૃત્યુ થાય તો કૂતરાના માલિકને દંડ અને સજા કરો. શહેરમાં અન્ય રખડતાં કૂતરાં કરવાથી મૃત્યુ થાય તો જે તે નગર પાલિકાને દંડ કરવાની જોગવાઇ અથવા કાયદો તુર્તજ અમલમાં લાવો. ધરતીકંપ, રેલ, (પૂર હોનારત), ડુંગર ધસી પડવો અથવા પુલ હોનારત જેવા કુદરતી કે અકુદરતી હોનારતમાં પણ સરકાર વળતર ચૂકવી, પ્રજાનાં આંસુ લૂછી પ્રજાને બેઠા થવામાં મદદ કરે જ છે તો ઢોરના અડફેટથી કે કૂતરાં કરડવાથી મૃત્યુ પામેલ આત્માને શાંતિ અને પરિવારને પણ આત્મસંતોષ થશે.
નવસારી – એન. ગરાસિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓની ભાવના સાથે ખિલવાડ
તાજેતરમાં ટોપ ન્યુઝ ઉપર એક સમાચાર હોય તો તે અંબાજી માતાજીના મંદિરનાં પ્રશાસકો સામે છે. ગુજરાતમાં આવેલા પવિત્ર અને પાવન યાત્રાધામ અંબાજી માતાજીના દરબારમાં દરરોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અને દર્શનાર્થીઓની ભીડ જામેલી જોવા મળે છે. દર્શનાર્થીઓ શ્રી અંબાજી માતાના દરબારમાં માથું ટેકવી દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યાર બાદ ભાવિક ભક્તો પોતાનાં પરિવારજનો, આપ્તજનો તથા પડોશીઓને પોતાની યાત્રાની શુભકામનાના બદલામાં પોતાની સાથે લાવેલો પ્રસાદ વહેંચે છે. અંબાજી મંદિરમાં દર્શન કર્યા પછી ભાવિક ભક્તો મંદિર પરિસરમાં બનાવવામાં આવેલ પ્રસાદ વિતરણની બારીમાંથી પ્રસાદ ખરીદે છે.
અંબાજી માતાના મંદિરમાં વર્ષોથી મોહનથાળનો પ્રસાદ ભક્તજનોને આપવામાં આવતો હતો, પરંતુ હાલમાં મંદિરના પ્રશાસકોએ કોઈ અગમ્ય કારણોસર મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવાનું શરૂ કર્યું છે. આમ થવાનું હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી, પરંતુ ભાવિક ભક્તોનું દ્દઢપણે માનવું છે કે, આ ભાવિક ભક્તોની લાગણી સાથે રીતસરનાં ચેડાં કર્યાં બરોબર છે. ભક્તજનોને પ્રશાસકોના આવા અણધાર્યા નિર્ણયથી ખૂબ નારાજગી છે અને સૌ કોઈ ઈચ્છે છે કે ફરીથી મોહનથાળની પ્રસાદી બહુ જલ્દીથી શરૂ થાય. કોઈ વર્ષો જૂની પ્રણાલી અને પ્રથાને એકદમ બદલતાં પહેલાં પ્રશાસકોએ સો વાર વિચારવું જોઈએ.
હાલોલ – યોગેશ આર. જોશી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.