SURAT

પૂણામાં પત્નીની હત્યા કરી રૂમનો દરવાજો બંધ કરી પતિ ભાગી છૂટ્યો

સુરત: પુણાગામ (Punagam) સ્થિત અર્ચના સ્કુલ પાસે આવેલી સોસાયટીમાં બંધ મકાનમાં મહિલાની (Women) લોહીના ખાબોચિયામાં પડેલી લાશ મળી આવી હતી. દંપત્તિ વચ્ચે ઝઘડો થતા પત્નીની હત્યા (Murder) કરીને પતિ બહારથી રૂમ બંધ કરીને જતો રહ્યો હતો. બાદમાં બનાવની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. પુણા અર્ચના સ્કુલની બાજુમાં વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષીય ધીરૂભાઇ ભોળાભાઇ જીંજાળાએ પુણા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ધીરૂભાઈ સાડી ઉપર જોબવર્કનુ કામ કરે છે. ગઈકાલે રાત્રે તેઓ ઘરે હતા ત્યારે તેમના સમાજના શ્યામળાભાઇ જીવાભાઇ મોર એ ફોન કરીને સીતારામ નગર સોસાયટી વિભાગ-૦૩ ઘ.નં-ડી/૫૮૬ પાસે આવવા કહ્યું હતું. ત્યાં પહોંચીને જોતા લોકોનુ ટોળુ ભેગુ થયું હતું.

મહિલા ગળા, છાતી તથા બંન્ને હાથમાં ખભા ઉપર ઘા મારેલી હાલતમાં પડેલી હતી
બીજા માળે ઉપર જતા દાદરની દિવાલ ઉપર છુટા છવાયા લોહીના ડાઘાઓ હતા. આ દ્રશ્યો જોઈને ધીરૂભાઈ અને શ્યામળાભાઈ ડરી ગયા હતા. તેમને સિમેન્ટની બારી વાટે જોતા રૂમના ફ્લોરિંગ ઉપર એક મહિલા લોહી લુહાણ હાલતમાં પડેલી હતી. આ મકાન શ્યામળભાઈનું છે. દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કરી જોતા નીચે પડેલી મહિલાને ગળા, છાતી તથા બંન્ને હાથમાં ખભા ઉપર ઘા મારેલી હાલતમાં પડેલી હતી. લોહીના ખાબોચીયામાં પડેલી મહિલાની લાશ જોઈને સૌ કોઈ ડરી ગયા હતા. આ બાબતે સામેની રૂમમાં રહેતી ભાડુઆત સોનીબેનને પુછતા તેને આ રૂમમાં ચારેક દિવસ પહેલા ચંદ્રશેખર શદાનંદ શર્મા તથા તેની પત્ની સંગીતા ચંદ્રશેખર શર્મા રહેવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે રાત્રે આશરે સાડા આઠેક વાગે બંને પતિ-પત્નીનો ઝઘડો થતો હતો.

ચંદ્રશેખર રૂમ દરવાજો બંધ કરી લોક મારી જતો રહ્યો હતો
થોડા સમયબાદ ચંદ્રશેખર રૂમ દરવાજો બંધ કરી લોક મારી જતો રહ્યો હતો. રાત્રે તેનો પતિ ઘરે આવતા તેને આ અંગે વાત કરી હતી. જેથી મકાન માલીક શ્યામળભાઈને ફોન કરીને બોલાવ્યા હતા. તેમને ચંદ્રશેખર શર્માને ફોન કરીને સંપર્ક કરતા તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી પોલીસને જાણ કરતા પોલીસે મહિલાનો મૃતદેહ પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી પતિની સામે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. આરોપી એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરે છે. અને મુળ ઝારખંડનો વતની છે.

Most Popular

To Top