160 વર્ષથી દક્ષિણ ગુજરાતની નસ નસમાં વહેતું ‘ગુજરાતમિત્ર’ લગભગ એક દોઢ વર્ષથી દર સપ્તાહે શુક્રવારે શહેરમાં આઠ – નવ દાયકાથી અને ખાસ કરીને સદીને પાર કરી ગયેલી વેપારી પેઢીઓની સરસ માહિતી ‘પેઢીનામું’ વિભાગમાં આપે છે.ચોમેર વધતી જતી છેતરપિંડીના આ યુગમાં આવી સૈકાથી સુરતની શાન બની રહેલી આ સંસ્થાઓ ખરેખર એક મોંઘી અસ્કયામત છે. સોનાની મૂરત બની ગયેલા સુરતની સાચી ઓળખ સમાન આ સંસ્થાઓની વિગત પુસ્તક સ્વરૂપે સુલભ બનશે તો માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, સમગ્ર ગુજરાત અને અન્ય સ્થળોએથી આવતા ગ્રાહકોને ભરોસાપાત્ર સ્થળની દસ્તાવેજી માહિતી મળશે.
આજે બે – પાંચ વર્ષમાં દુકાન કે, પેઢીના ભાગલા પડી જતા હોય યા પછી ચાલુ ધંધાનાં કામકાજનો પ્રકાર પણ બદલાઈ જતો હોય તેવા સમયમાં સૈકાથી પ્રમાણિકતાપૂર્વક ઉચ્ચ ગુણવત્તા વાજબી ભાવે આપી પ્રતિષ્ઠા કમાનાર આ પેઢીઓ સુરતની સાચી ઓળખ બની રહેવાની છે. ‘પેઢીનામું’ વિભાગ માટે સુરત રત્નોની ખાણ સમાન છે. આવી માહિતી એકત્ર કરીને આપતા રહેજો, જેથી ગ્રાહકોને નિર્ભયતાથી ખરીદી માટે ફાંફા મારવા નહીં પડે. ‘ પેઢીનામું ‘ વિભાગ સંભાળનાર પત્રકારને અભિનંદન અને તેની ધગશને સલામ. ‘ગુજરાતમિત્ર’ લોકોની આવી સેવા કરતું રહે અને તે પણ સદીઓ પાર કર્યા કરે,તેવી શુભેચ્છા.
સુરત-સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિરોધ પક્ષોને કયા મુદ્દે વિરોધ કરવો તેની સમજ નથી
સુરત મનપામાં વિરોધ પક્ષના આપ આદમી પાર્ટીના કોપોરેટરોને મનપાની વહીવટી પ્રક્રિયા શું છે તે સમજાવનાર માર્ગદર્શક મળતો નથી. તેથી કયા ઠરાવ અંગે સમર્થન કરવું અને કયા ઠરાવ અંગે વિરોધ દર્શાવવો તેની કોઈ પણ ચોક્કસ માહિતી અને જાણકારીનો સ્પષ્ટ અભાવ છે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે ગેટકોને મનપાએ અગાઉ જે જમીન બજાર ભાવના 50% મુજબ ફાળવેલી હતી તે ફાળવણી તાત્કાલિક રદ કરવા અંગે સ્થાયી સંપત્તિએ ઠરાવ કર્યો હતો, જે સ્વાભાવિક રીતે મનપાના હિતમાં છે. આમ છતાં માર્ગદર્શન અને સંપૂર્ણ માહિતીની કમીને કારણે વિરોધ પક્ષે એ ઠરાવનો વિરોધ કર્યો હતો તે મનપાએ જમીનની ફાળવણી કરવી જોઈએ નહીં, જેથી મનપાને નુકસાન થયું છે, જે વિપક્ષોની નરી મૂર્ખતા પ્રદર્શિત કરે છે?
સુરત. – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.