પોતાની પાસે મતદારો છે તેમ કહી ઉમેદવારને લોભાવી એક કાર્યકર અઢી લાખ લઈ ગાયબ થઈ ગયો
ચૂંટણી આવે એટલે વિવિધ પાર્ટીઓમાં લુખ્ખા કાર્યકરો માટે પણ મૌસમ આવી જાય છે. આવા કાર્યકરો પોતાની પાસે અનેક બુથના મતદારો છે તેમ કહીને ઉમેદવારોને લોભાવી નાણાં પડાવે છે. હાલની ચૂંટણીમાં એક બેઠક પર એક રાજકીય પાર્ટીના ઉમેદવારને એક આવા કાર્યકરે કહ્યું કે તેના વિસ્તારમાં 50 બુથ છે અને તે તમામ બુથમાં તે ઉમેદવારની તરફેણમાં મતદાન કરાવી દેશે. લલચાઈ ગયેલા ઉમેદવારે આ 50 બુથ પેટે 5 હજાર લેખે અઢી લાખ રૂપિયા આ કાર્યકરને આપી દીધા. હવે એવી સ્થિતિ થઈ કે આ નાણાં લઈને કાર્યકર પોતાના વતન ભાગી ગયો છે અને ઉમેદવાર તેને શોધી રહ્યા છે. ઉમેદવારે તેને પકડવા માટે સ્પેશિયલ ગાડી કરાવી અને અન્ય કાર્યકરોને મોકલ્યા પરંતુ હજુ સુધી આ કાર્યકરનો પત્તો લાગ્યો નથી. હવે આ ઉમેદવાર પેટભરીને પસ્તાઈ રહ્યા છે.
અન્યોએ પ્રચાર સાહિત્ય બીજે છપાવવું પડે છે પરંતુ અરવિંદ રાણાનું પોતાનું જ પ્રિન્ટિંગ પ્રેસ છે
વાત છે સુરત પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ રાણાની. અરવિંદ રાણા દાયકાઓથી રાજકારણમાં છે અને એડવોકેટ અને ધારાસભ્યની સાથે સાથે પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ પણ ચલાવે છે. સામાન્ય દિવસોમાં અરવિંદ રાણા છાપકામ માટેના કોન્ટ્રાક્ટ લે છે પરંતુ પોતાની ચૂંટણીમાં પોતે જાતે જ પ્રિન્ટિંગ પ્રેસમાં સાહિત્ય છાપી લે છે. ચૂંટણીમાં જ્યારે અન્ય રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પોતાનું સાહિત્ય છપાવવા માટે અન્યોને કોન્ટ્રાક્ટ આપવા પડે છે ત્યારે અરવિંદ રાણા માટે ઘરનું જ પ્રિન્ટિંગ પ્રેસ છે. આ રીતે અરવિંદ રાણા પોતાનો ખર્ચો પણ ઘટાડી લે છે. અરવિંદ રાણાને જોઈને કાયમ ચૂંટણી લડતા કેટલાક ઉમેદવારોએ એવા ઉદ્દગારો કાઢ્યા હતા કે જો વારંવાર ચૂંટણી લડવાની હોય તો પોતાનું જ પ્રિન્ટિંગ પ્રેસ ખોલી લેવું જરૂરી છે.