સુરત શહેર કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. અવારનવાર નકશા પર હદ વિસ્તરણ કરીને નવા વિસ્તારોને શહેર મનપાની હદમાં આવરી લેવામાં આવે છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે મનપામાં સમાવેશ થયા બાદ પણ સુરતની સ્માર્ટ મનપા નવા વિસ્તારની પ્રજાને પ્રાથમિક સુવિધા પહોંચાડવામાં ધરાર નિષ્ફળ રહે છે. આવી અનેક ફરિયાદો ઉઠતી રહે છે, પરંતુ આ વખતે ફરિયાદ સીધી જાહેર સેવા આયોગ પાસે પહોંચી છે અને જાહેર સેવા આયોગ દ્વારા સુરતના મ્યુનિસિપલ કમિશનરને સમન્સ ફટકાર્યું છે, જેના લીધે મનપામાં ચકચાર મચી ગઈ છે.
- ટીપી ફાઈનલ થયાના દોઢ દાયકા બાદ પણ સ્માર્ટ સિટી સુરતની મનપા પ્રજાને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ
- 17 વર્ષ બાદ પણ પુણામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સ્થાનિકોએ આયોગમાં પીટીશન કરતા કાર્યવાહી
- આગામી તા. 26 જૂને મ્યુ.કમિ. શાલીની અગ્રવાલને હાજર થવા આયોગનો આદેશ
વર્ષ 2008માં હદ વિસ્તરણ બાદ સુરત મહાનગર પાલિકામાં પુણા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે, પુણા ગામનો સુરત મહાનગર પાલિકામાં સમાવેશ થયા બાદ પણ હજી સુધી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો સ્પષ્ટ અભાવ જોવા મળી રહ્યો છે.
આ સંદર્ભે સ્થાનિકો સહિત નગર સેવકો દ્વારા પણ અનેકવાર વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. 2019માં પુણામાં ટીપી 20 પ્રિલીમ થઈ ગયા બાદ પણ હજુ સુધી રસ્તાઓની પહોળાઈ બાબતે પણ તંત્ર વામણું પુરવાર થયું છે.
આ સિવાય શાંતિકુંજથી માંડીને સુલભ શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓનો ધરાર અભાવ જોવા મળી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ પાલિકા હસ્તકનાં પ્લોટ પર નગરજનોની સુવિધા માટેના આયોજનોને બદલે મળતિયાઓને ખાણીપીણીનાં સ્ટોલ્સ ફાળવી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.
આ સ્થિતિમાં સ્થાનિક નાગરિક દ્વારા પાછલા માર્ચ મહિનામાં ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં રજુઆત કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન આયોગ દ્વારા આગામી 26મી જુનનાં રોજ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને હાજર રહેવા માટે જણાવાયું છે.
આ બાબતે પાલિકા વિરુદ્ધ ફરિયાદ કરનાર સમજ સેવક કુલદીપ ગોહેલે જણાવ્યું હતું કે, પુણા ગામ ટી.પી. 20માં હજુ સુધી કોઈ પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. ટીપી રસ્તાઓ પણ ધારાધોરણ મુજબના નથી. બાળકોને રમવા માટેનું યોગ્ય મેદાન પણ નથી. વડીલો માટે શાંતિકુંજ પણ બનાવવામાં આવ્યું નથી.
ત્યાં સુધી કે, પબ્લિક યુરિનલ બ્લોકનો પણ અભાવ આ ટી.પી.માં વર્તાય છે. પાર્કિંગ માટે ફાળવેલા પ્લોટો પણ હેતુફેર કરીને ફૂડકોર્ટ વાળાઓને ભાડે આપી દેવાયા છે.
જેથી રસ્તા પર પાકિંગ કરવાની નોબત આવે છે અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ મનફાવે તેમ ગાડીઓ પાર્ક થાય છે. અસંખ્ય વાર સ્થાનિકો તેમજ ત્યાંના નગરસેવકોએ રજુઆત કરી છે પરંતુ તંત્રના બહેરા કાને અમારી વાતો સંભળાતી નથી, જેથી ના છૂટકે માનવ અધિકાર આયોગમાં જવાની ફરજ પડી છે તેવું સામાજિક કાર્યકર કુલદીપ ગોહેલે જણાવ્યું હતું.